સોપારીની સોપારીની સોપારી: ચીનની ગુનાખોરીની દુનિયામાં બૂમરેંગ સાબિત થતો અજાયબ કિસ્સો

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

ચીનમાં શું બને? તમને શું લાગે છે? કેવું બને? શરૂઆતમાં જ કહી દઉં છું કે હસતા નહીં. વાત જ કૈંક એવી છે કે હસવું આવે. આ ઘટના સાઉથની કોઈ હિટ ફિલ્મ પરથી લીધેલી નથી. સાચુકલો બનાવ છે અને શક્ય છે કે આ કથાબીજ જ્યારે બોલીવુડ, હોલીવુડ કે સાઉથના ડિરેક્ટરના ધ્યાને ચડશે તો એ અચૂક એક કોમેડી ફિલ્મનું નિર્માણ કરશે. બસ હવે વધારે વાત ખેંચીશ નહીં. વાત છે ચીનના ગુઆંગશી શહેરની જ્યાં એક સૂટ, બૂટ પહેરેલો, કાળાં ચશ્માં ધારણ કરેલો અને બિઝનેસમેન ટાઈપ દેખાતો માણસ એક રેસ્ટોરાં પર પહોંચે છે. તેની સાથે બે બોડીગાર્ડ છે, પણ પેલો બિઝનેસમેન બન્નેને બહાર ઊભા રહેવાનું કહીને પોતે અંદર જાય છે. જ્યાં આખી રેસ્ટોરાં ખાલી છે, છેલ્લે ખૂણે ટપોરી ટાઈપ દેખાતો એક ટકલો બેઠો છે. ત્યાં પેલો બિઝનેસમેન પહોંચે છે અને તેને એક કવર આપે છે. પેલો ટકલો પળવારનો પણ વિલંબ કર્યા વગર કવર ખોલીને પેલા પૈસા ગણે છે. અંદર બે લાખ યુઆન છે (ચીનનું ચલણ) તેની ખાતરી થઈ ગયા બાદ પેલા કવરમાંથી એક ફોટો કાઢે છે. જેમાં યૌહૂંગી નામના એક બિઝનેસમેનની તસવીર છે. કવર લઈને આવેલો પેલો બિઝનેસમેન તસવીરમાં રહેલા યૌહૂંગીને ઉડાવી દેવાની વાત કરે છે. ટપોરી ખાતરી આપે છે કે યૌહૂંગીનું તે ઢીમ ઢાળી દેશે. બિઝનેસમેન નિષ્ફિકર થઈને જતો રહે છે. એટલે પેલો ટકલો તુરંત કવરમાંથી એક લાખ યુઆનને પોતાના ગજવામાં મૂકે છે અને રેસ્ટોરાંમાંથી બહાર નીકળી એક ક્લબમાં પહોંચે છે. સિગારેટ અને શરાબમાં ડૂબેલા લોકો વચ્ચેથી એક બાવડેબાજને શોધે છે. તેની સાથે પૈસા બાબતે રકઝક કરીને પેલું કવર તેને આપે છે, જેમાં એક લાખ યુઆન અને યૌહૂંગીની તસવીર છે. બીજે દિવસે બાવડેબાજ પોતાનો કેમેરો લઈને નીકળે છે અને એક ટાપુ પર પહોંચે છે. ત્યાં જઈને સુંદર લલનાઓની તસવીરને પોતાના કેમેરામાં કંડારે છે. અચાનક એક બાઠિયો તેની પાસે આવે છે. બાઠિયાના ચહેરા પર કાપાનાં નિશાન છે. બાવડેબાજ ખિસ્સામાંથી કવર કાઢીને બાઠિયાને આપે છે, અંદર એંશી હજાર યુઆન અને યૌહૂંગીની તસવીર છે. બાઠિયો કવર લઈને કંઈ બોલ્યા વગર જતો રહે છે. તે એક તૂટેલી ઝૂંપડીમાં આવે છે, જેમાં દેખાવમાં ઠીકઠાક યુવાન ગરીબીમાં દુ:ખ ભોગવી રહ્યો છે. બાઠિયો તેને કવર આપે છે, તેમાં પચીસ હજાર યુઆન છે. યુવાન બાઠિયા સાથે દલીલ કરે છે કે આટલા ઓછા રૂપિયામાં કોઈનું મર્ડર થોડું થાય! પણ બાઠિયો તેને તેની ગરીબાઈનું ભાન કરાવે છે અને એક પિસ્તોલ આપીને જતો રહે છે.
યૌહૂંગીની તસવીર પાછળ તેનું સરનામું લખ્યું છે. કવર પાસિંગની ઘટનાના ત્રીજા દિવસે ગરીબ યુવાન યૌહૂંગીના ઘરની બહાર ઊભો રહે છે, જેવો યૌહૂંગી નીકળે એ ભેગો જ તેના પર ફાયરિંગનો પ્રયત્ન કરે છે, પણ પિસ્તોલમાંથી ગોળીની જગ્યાએ ધુમાડા નીકળે છે. યૌહૂંગી તુરંત તેની પાસે જઈને હાથમાંથી પિસ્તોલ ઝૂંટવી લે છે અને પેલા ગરીબ યુવાનને પકડી પોતાના ઘરમાં લઈ જાય છે. ત્યાં તેને બાંધી દે છે અને પેલાને પોલીસ પાસે નહીં સોંપવાની ખાતરી આપીને પૂછે છે કે તેની હત્યાનું કાવતરું કોણે ઘડ્યું? યુવાન બાપડો શું કરે? પહેલા જ પ્રયત્નમાં નિષ્ફળ રહ્યો, હવે તેના માલિકનું નામ કહી દે તો તેનું આવી બને, પણ શાતિર યૌહૂંગી તેને ડરાવી-ધમકાવીને બાઠિયાની ભાળ મેળવી લે છે. યૌહૂંગી પોતાના રૂમમાં જાય છે અને ત્યાંથી પચીસ હજાર યુઆન લઈને આવે છે અને પેલા યુવકને આપીને પોતાનો પ્લાન રજૂ કરે છે. પ્લાન હતો તેની હત્યાનું નાટક…
એ દિવસની સાંજે યુવક એક વેશ્યાલયમાં આવે છે જ્યાં તેને બાઠિયો મળે છે અને કહે છે કે તેણે યૌહૂંગીનું ઢીમ ઢાળી દીધું. બાઠિયો બાવડેબાજને અને બાવડેબાજ ટકલાને જાણ કરે છે. આ માહિતી મળતાં વાર બિઝનેસમેન પોતાના સેક્રેટરીને આ વાતની ખાતરી કરવાનું કહે છે. થોડી વારમાં સેક્રેટરી પણ સ્વીકારે છે કે સાચે યૌહૂંગીની હત્યા થઈ ગઈ છે. બિઝનેસમેન ગેલમાં આવીને દારૂ પીવાનું શરૂ કરી દે છે. આ ઘટનાના એક સપ્તાહ પછી બિઝનેસમેન પોતાના ઘરે ભોજન લઈ
રહ્યો હતો ત્યારે અચાનક પોલીસ તેના ઘરે આવે છે અને તેને પકડીને જેલભેગો કરી દે છે. જેલમાં ટકલો, બાઠિયો, બાવડેબાજ અને પેલો યુવાન પહેલેથી જ બેઠા હતા. બીજા દિવસે કોર્ટ કેસ થાય છે જ્યાં સમગ્ર ઘટનાક્રમનો ઘટસ્ફોટ થાય છે. એ સમયે કોર્ટમાં બેસેલી પબ્લિકને હસવું આવે છે કે આ શું! એકે બીજાને અને બીજાએ ત્રીજાને સોપરી આપી એમાં છેલ્લો ફૂટી ગયો અને આખી વાત બહાર આવી. કોર્ટે ચારેય આરોપીઓને કયા પ્રકારની સજા આપવી એ પણ મૂંઝવણ હતી, કારણ કે હત્યા તો થઈ જ નથી. છેવટે હત્યાના કાવતરા હેઠળ ચારેયને જન્મટીપની સજા ફટકારી દીધી. આ તો સમજાયું, પણ પેલા યૌહૂંગીને પણ દસ હજાર યુઆનની સજા ફટકારી… તમને થશે કેમ ભાઈ, કેમ? કારણ કે યૌહૂંગીએ પેલા યુવાનને હત્યાનું નાટક કરવાના પચીસ હજાર યુઆન આપ્યા હતા. કહાની મેં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યું જ્યારે જેલમાં પેલો બિઝનેસમેન સજા ભોગવવા ન ગયો. તેના બદલે તેનો ડુપ્લિકેટ હાલ સજા ભોગવી રહ્યો છે.
છેને સાઉથની કોઈ હિટ ફિલ્મનો બનાવ… પણ ચીનમાં તો આવું જ ચાલે છે… ત્યાં કાયદા જેટલા કડક છે તેટલી છટકબારી પણ છે. તમે દોષિત હો છતાં બીજા સજા ભોગવે અને આ તે કેવું કોઈ હત્યા કરવા માગતું જ નહોતું. બધા એકબીજાને કામ ટ્રાન્સફર કરતા હતા. એટલે જ મેં કહ્યું હતું કે આવું તો ચીનમાં જ બને… તમને ખબર છે સરકારની ટીકા ચીનમાં સૌથી મોટો ગુનો છે. તેમાંય તમે જો મોટા માણસ હો તો ગુનાની સંગીનતા વધી જાય છે. તેનું કારણ છે પારદર્શિતાનો અભાવ. ભારત, અમેરિકા અને યુરોપમાં લોકશાહી સૌથી મોટા આશીર્વાદ છે. અહીં જે કંઈ થાય છે તે ખુલ્લંખુલ્લા થાય છે. તે આજે નહીં તો કાલે બહાર આવી જાય છે. જ્યાં લોકશાહી નથી ત્યાં લગભગ લગભગ ખરાબ સ્થિતિ છે. ચાહે તે પાકિસ્તાન હોય, રશિયા હોય કે સાઉદી અરેબિયા કે ચીન, સરકારના આલોચકો પર ભીષણ હુમલા થતા રહે છે અથવા તે અચાનક ગાયબ થઈ જાય છે. તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે કોરોના મહામારી આવ્યા પછી લોકતાંત્રિક દેશોની લોકશાહી નબળી પડી છે તોય કમસે કમ ચીન, પાકિસ્તાન કે રશિયા જેવી સ્થિતિ તો નથી જ.
ચીનમાં તો સરકાર સાથે ઘર્ષણમાં આવનારી દિગ્ગજ હસ્તીઓ અચાનક ગાયબ થઈ જાય છે. આમાં સૌથી લેટેસ્ટ નામ સ્ટાર ટેનિસ ખેલાડી પેંગ સ્વાઈનું છે. તેણે ચીનના ભૂતપૂર્વ ઉપપ્રધાન મંત્રી પર યૌન શોષણનો આરોપ મૂક્યા બાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. બીજી નવેમ્બર, ૨૦૨૧ના રોજ પેંગ સ્વાઈએ દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ઝાંગ ગાઓલી પર યૌન શોષણનો આરોપ મૂકેલો. આ વિશે તેણે ચીનના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. ત્યાર બાદ એકાએક તે બે અઠવાડિયાં સુધી ગાયબ થઈ ગઈ. તેની સુરક્ષાને લઈને સવાલ ઊઠવા લાગ્યા. એ પછી તે બીજિંગમાં ફરીથી જોવા મળી અને તેણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના અધ્યક્ષ થોમસ બાક સાથે વીડિયો કોલ પર વાતચીત કરી. હજી પણ તેની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું યથાવત્ છે, સવાલો ઊઠી રહ્યા છે.
ગાયબ થઈ ગયેલી બીજી એક હસ્તીની વાત કરું તો ઉદ્યોગપતિ રેન જીકી યાંગને રાષ્ટ્રપતિ શી જિનપિંગના પ્રખર ટીકાકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ફેબુ્રઆરી, ૨૦૨૦માં એક આર્ટિકલ લખીને ચીની સરકારની ટીકા કરી. કોવિડને રોકવામાં સરકારને નિષ્ફળ ગણાવી અને શી જિનપિંગની તુલના જોકર સાથે કરી. ત્યાર બાદ તેઓ અચાનક ગાયબ થઈ ગયા. થોડા દિવસ પછી ખબર પડી કે ભ્રષ્ટાચારના કેસમાં તેમને ૧૮ વર્ષની જેલની સજા ફટકારી દેવામાં આવી છે. આનો સીધો અર્થ એવો થાય છે કે ચીનનો ન્યાય સામ્યવાદી પક્ષના હાથમાં વેચાઈ ગયો છે. આ અને આવાં કેટલાંય નામોનું લાબુંલચક લિસ્ટ તમને મળશે.
એક કરોડ રૂપિયા આપીને તમને એક રૂમમાં પૂરી દેવામાં આવે તો શું તમે એ જાહોજલાલી એન્જોય કરી શકશો? બે કરોડ રૂપિયા આપીને તમારી જીભ કાપી નાખવામાં આવે તો શું તમે એ સમૃદ્ધિનો સ્વાદ માણી શકશો? પૈસા જરૂરી છે, પણ ખાલી પૈસા એ જ સુખ નથી. ચાઈનીઝ નાગરિકો આ હકીકત સૌથી સારી રીતે સમજતા હશે, પણ બોલવા સક્ષમ નથી. ચીનમાં સરકાર માઈ-બાપ છે તે ગમે તેટલું ખોટું કરે તો પણ તેની સામે ચૂં કે ચાં કરી શકાય નહીં. લોકશાહી દેશોમાં સરકાર સેવક છે. તમે તેને વખાણી પણ શકો અને તેની ભૂલ પણ કાઢી શકો. તેને કામ પણ ચીંધી શકો અને તેની સામે આંગળી પણ ચીંધી શકો. કોરોનાનું મિસમેનેજમેન્ટ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાએ સ્થાન બતાવી દીધું તે લોકશાહીનું સૌંદર્ય છે. આ સૌંદર્ય પર મનુષ્યમાત્રનો અધિકાર છે, પણ દરેકને તે અધિકાર મળતો નથી. ચીન આવું જ ધરતી પરનું નરક છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.