(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાનો બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસનો પ્રવાસ વધુ સુવિધાજનક અને ઠંડો બની રહેવાનો છે. બેસ્ટ ઉપક્રમના કાફલામાં ઈલેક્ટ્રિક ડબલડેકર બસનો સમાવેશ થવાનો છે. આવતા મહિનાથી મુંબઈના રસ્તા પર આ એસી ડબલડેકર બસ દોડવા માંડશે એવું માનવામાં આવે છે.
બેસ્ટ ઉપક્રમના અમૃત મહોત્સવ નિમિત્તે આજે નરિમન પોઈન્ટમાં એન.સી.પી.એ.માં બેસ્ટ ઉપક્રમનો એક કાર્યક્રમ યોજાયો છે. આ દરમિયાન બેસ્ટની ડબલડેકર ઈલેક્ટ્રિક બસ તથા પ્રીમિયમ બસસેવાનું લોકાર્પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે કરવામાં આવવાનું છે. ત્યાર બાદ સપ્ટેમ્બર, ૨૦૨૨થી મુંબઈગરા તેમાં પ્રવાસ કરી શકશે. બેસ્ટના અધિકારીના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ તૈયાર છે. ફક્ત અમુક જરૂરી મંજૂરી લેવાની બાકી છે. બહુ જલદી આ બસો બેસ્ટને સુપરત કરવામાં આવશે. બેસ્ટે આ બસ માટે ખાનગી કંપનીને ઓર્ડર આપ્યો છે. લગભગ ૯૦૦ જેટલી બસનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમાંથી લગભગ ૫૦ ટકા બસ માર્ચ, ૨૦૨૩ સુધી બેસ્ટને મળશે. ખાનગી કંપની પાસેથી ઈલેક્ટ્રિક ડબલડેકર બસની ડિલિવરી મળ્યા બાદ તેનું પરીક્ષણ કરાશે. ત્યાર બાદ જ તેને
રસ્તા પર મુંબઈગરા માટે ઉતારવામાં આવશે.
બેસ્ટના કાફલામાં ૧૯૯૦ની સાલથી ૯૦૦ જેટલી ડબલડેકર બસ હતી. જોકે ધીમે ધીમે આ બસની સંખ્યા ઘટતી ગઈ હતી અને હવે બેસ્ટ ઉપક્રમ પાસે માત્ર ૫૦ ડબલડેકર બસ રહી છે.
પાંચ બસ હેરીટેજ ટુર માટે ઓપન ડેક તરીકે વાપરવામાં આવી રહી છે. જ્યારે બાકીની મુંબઈના જુદા જુદા રૂટ પર દોડાવવામાં આવી રહી છે.
મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસમાં લગભગ ૩૨ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તો રસ્તા પર લગભગ ૩,૫૦૦ બસ દોડી રહી છે.

Google search engine