બેસ્ટ દ્વારા મહિલા મુસાફરોને ખાસ ગીફ્ટ આપવામાં આવશે. આ વર્ષના અંત સુધી બેસ્ટના કાફલામાં એક પછી એક એમ કુલ 3000 એસી બસ જોડાશે. આમાંથી 500 બસ માત્ર અને માત્ર મહિલાઓ માટે દોડાવવાનો નિર્ણય બેસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં મહિલા મુસાફરોનો ભીડવાળો પ્રવાસ આરામદાયક બનશે. બેસ્ટ બસમાંથી રોજના 37 લાખ કરતાં વધુ મુસાફરો મુસાફરી કરે છે. જેમાં મહિલા મુસાફરોની સંખ્યા અંદાજે 30 થી 33 ટકા છે. મુસાફરી કરતી વખતે સવારે અને સાંજે ખૂબ જ ભીડ હોય છે. જેને કારણે ધક્કા-મુક્કી, બેસવા માટે જગ્યા ન મળવી વગેરે ને કારણે મુસાફરી મૂશ્કેલ બને છે.
ત્યારે મહિલા મુસાફરોનો પ્રવાસ આરામદાયક બને એ માટે બેસ્ટ દ્વારા થોડા વર્ષો પહેલાં વિશેષ સેવાઓ શરુ કરવામાં આવી હતી. ત્યાર બાદ નવેમ્બર 2019થી માત્ર મહિલા મુસાફરો માટે તેજસ્વીની બસ સેવા શરુ કરવામાં આવી. સવારે 8 થી સવારે 11:30 અને બપોરે 4:૩૦ થી રાત્રે 8 સુધી તેજસ્વીની બસ મહિલાઓ માટે દોડે છે. હાલમાં આવી 136 તેજસ્વીની બસ બેસ્ટ પાસે છે. આ ઉપરાંત મહિલાઓ માટે પીક અવર્સમાં 294 વિશેષ બસ સેવા ચાલે છે. આ બસ વિવિધ માર્ગ પર સવારે 8:30 થી સવારે 10 અને સાંજે 5:30 થી સાંજે 7:30 દરમિયાન ચાલે છે.
બેસ્ટ પાસે હાલમાં સાદી બસ ઉપરાંત એસી બસ પણ છે. આવનારા સમયમાં આ કાફલો દસ હજાર બસ સુધી લઇ જવાની યોજના છે જેમાં મોટાભાગની બસ એસી બસ હશે. આ વર્ષના અંતે લગભગ 3 હજાર એસી બસ બેસ્ટના કાફલામાં જોડવાનું આયોજન બેસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાંથી 500 એસી બસ માત્ર ને માત્ર મહિલાઓ માટે દોડશે. વધુ સંખ્યામાં એસી બસ સેવા ઉપલબ્ધ થતાં મહિલાઓનો પ્રવાસ આરામદાયક બનશે.