‘શ્રેષ્ઠ ભારત’નું નિર્માણ કરાશે: વડા પ્રધાન

દેશ વિદેશ

‘કાળકા માતાના આશીર્વાદ દેશની સાથે’

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ પર ભાર આપીને રવિવારે જણાવ્યું હતું કે દેશની ‘સંત પરંપરા’માં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો મહિમા રહ્યો છે અને એ ભૂમિકાને આધારે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીશું. સંત પરંપરાના અણમોલ રત્ન સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળકા માતાના ઉપાસક હતા અને કાળકા માતાના આશીર્વાદ દેશની સાથે જ છે. અધ્યાત્મિક સંસ્થા રામકૃષ્ણ મિશનના ભૂતપૂર્વ વડા સ્વામી આત્મસ્થનંદની જન્મશતાબ્દિ નિમિત્તે વીડિયો સંદેશામાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતની સંત પરંપરા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના ઘડતર અને સંવર્ધન માટે સમર્થક અને પોષક રહી છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની ગતિવિધિઓમાં રામકૃષ્ણ મિશનનો પણ ફાળો રહ્યો છે. મિશનની સ્થાપના કરનારા સ્વામી વિેવેકાનંદે ભારતની મહાનતા અને શ્રેષ્ઠતા ઘડતર, સંવર્ધન અને સ્થાપનામાં જીવન સમર્પિત કર્યું હતું. સ્વામી વિવેકાનંદનો પ્રભાવ દેશના અનેક પ્રાંતોમાં જોઈ શકાય છે. અંગ્રેજોની ગુલામીના સમયમાં સ્વામી વિવેકાનંદના પ્રવાસો અને પ્રવચનોને પગલે ભારતીયોમાં રાષ્ટ્રભાવના જાગૃત થઈ હતી. એ ચળવળની મશાલ લઈને સ્વામી આત્મસ્થનંદ આગળ વધ્યા હતા. સેંકડો વર્ષ પૂર્વે આદિ શંકરાચાર્ય હોય કે આધુનિક સમયમાં સ્વામી વિવેકાનંદ હોય, ભારતની સંત પરંપરા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની મશાલચી રહી છે. સ્વામી આત્મસ્થનંદની તસવીરી જીવનકથા અને દસ્તાવેજી ચિત્રપટના પ્રકાશન નિમિત્તે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની સંન્યાસ સંસ્થાને બિરદાવી હતી. (એજન્સી)
———
આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે: મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આજ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન જ લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે. પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે તેમ જ આર્થિક સમૃદ્ધિ માટે ઓર્ગેનિક ખેતી એ હવે જરૂરી બની રહી છે, એવું સુરતમાં ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું.
વડા પ્રધાને પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહ્વાન પણ કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે.
સુરત જિલ્લો માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્ર્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્ર્વાસ વડા પ્રધાને વ્યક્ત કર્યો હતો.
માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતાં વડા પ્રધાને ઉમેર્યું હતું કે, ભારત હંમેશાંથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડૂત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીન:ની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્ર્વમાં શુદ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્ત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો છે. વિશ્ર્વમાં કેમિકલ ફ્રી કૃષિ ઉત્પાદનોની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી હોવાનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં વધુ ને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રતિ જાગૃત બને એ માટે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે.
‘નમામિ ગંગે પ્રોજેક્ટ’ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળી છે, પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને વધુ ભાવો મળી શકે તે માટે નેચરલ ફાર્મિંગ પેદાશોનું પ્રમાણિકરણ માટેની સિસ્ટમ પણ બનાવી છે, જેથી વિદેશોમાં સારી કિંમતે કૃષિપેદાશો એકસપોર્ટ થઈ રહી છે.
————
મંગળવારે પટણાની મુલાકાત લેશે

પટણા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે બિહારની રાજધાની પટણામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવશે, જે રાજ્યની વિધાનસભા બિલ્ડિંગની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે યોજાશે. વિધાનસભાના એક નિવેદન મુજબ સ્પીકર વિજય કુમાર સિન્હાએ તા.૧૨ જુલાઈના રોજ મોદીના નિર્ધારિત પ્રવાસ પર ખુશી વ્યક્ત કરી હતી, જે કોઈપણ વડા પ્રધાન માટે બિહાર વિધાનસભાની મુલાકાત લેવાનો પ્રથમ પ્રસંગ હશે. આ પ્રસંગે વડા પ્રધાન પરિસરમાં મ્યુઝિયમ અને ગેસ્ટ હાઉસનો શિલાન્યાસ કરશે અને શતાબ્દી મેમોરિયલ પાર્કનું ઉદ્ઘાટન કરશે. તેઓ કલ્પતરું વૃક્ષનો એક રોપો રોપવા ઉપરાંત સ્મારક સ્તંભ ‘શતાબ્દી સ્મૃતિ સ્તંભ’ નું અનાવરણ પણ કરશે. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.