(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક રીતે ફસડાઈ પડેલી બેસ્ટ ઉપક્રમને ફરી બેઠી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત તેને 450 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવી છે.
આ અગાઉ નવેમ્બર અને ડિસેમ્બર, 2022માં દોઢસો-દોઢસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી, 2023માં રકમ બેસ્ટને ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. બેસ્ટના કહેવા મુજબ દૈનિક કામકાજ ચલાવવા માટે લીધેલી અલ્પ મુદતની 450 કરોડ રૂપિયાની લોન ભરવા માટે આ રકમ પાલિકા દ્વારા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. બેસ્ટ ઉપક્રમ દ્વારા પાલિકા પાસે આ રકમની માગણી કરવામાં આવી હતી.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનું મહત્ત્વ ધ્યાનમાં લઈને અને બેસ્ટ ઉપક્રમની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરીને વર્ષ 2019-20થી વર્ષ 2022-23 આ આર્થિક વર્ષના સપ્ટેમ્બર 2022 સુધી કરવામાં આવેલી જોગવાઈમાંથી 2403 કરોડ રૂપિયા અને નવેમ્બર, 2022 સુધી 3630 કરોડ રૂપિયા એમ અત્યાર સુધી કુલ 6033.85 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે.