ભાવ વધારા વગરનું બેસ્ટનું ખોટ દર્શાવતું બજેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટનું કોઈ પણ પ્રકારના ભાડા વધારા વગરનું ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષનું ૨૦૦૦.૧ કરોડની ખાધ સાથેનું બજેટ મુંબઈ મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં કરેલી જોગવાઈ મુજબ ૨૦૨૪ની સાલ સુધી બેસ્ટના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવવાનો નથી. તો માર્ચ, ૨૦૨૪ સુધીમાં બેસ્ટની બસોની સંખ્યા પણ ૭,૦૦૦ સુધી કરવાનો બેસ્ટ પ્રશાસનનો ઈરાદો છે. તેમાં ૯૦૦ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ લક્ઝરી સુવિધા સાથેની બે સીડીઓ સાથેનો પણ સમાવેશ થાય છે.
૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષના બજેટમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ૨૫૦ કરોડ રૂપિયાની ખોટ અને ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં ૧૨૦ કરોડ રૂપિયાનો નફો બતાવવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં બસોની સંખ્યા વધારવાની યોજના વચ્ચે બેસ્ટ ઉપક્રમે પૂર્વીય કિનારા પર મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ સાથે મળીને વોટર ટેક્સી ચાલુ કરવાની યોજના હાથ ધરી હોવાનું બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ કહ્યું હતું.
બજેટમાં મુંબઈમાં ઈ-કેબ માટે પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. તે માટે બહુ જલદી ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. ઈ-કેબ બેસ્ટના લોકો સાથેની હશે અને બેસ્ટની ‘ચલો ઍપ’ પરથી તે બુક કરી શકાશે.
૨૦૨૩-૨૪ના બજેટમાં ૩૩૦ ચાર્જિંગ સ્ટેશન પણ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, તેમાંથી નાગરિકો પોતાનાં વાહનો ચાર્જ કરી શકશે. તેમ જ મુંબઈના ટ્રાન્સપોર્ટ માટે બેસ્ટ ઈ-મોબિલિટી પર ભાર આપીને ઈ-સ્કૂટર લાવવાની યોજના બનાવી રહી છે.
માર્ચ, ૨૦૨૪ સુધીમાં તમામ બસને ડિજિટલ બનાવવાની યોજના છે. તમામ બસમાં એક્ઝિટ અને એન્ટ્રી પર કાર્ડથી પ્રવેશ કરી શકાય તે મુજબનું ડિવાઈસ્ડ બેસાડવામાં આવશે. જોકે, કંડક્ટર પેપરવાળી ટિકિટ તો આપતો જ રહેશે, પરંતુ ડિજિટલ પર બેસ્ટ ભાર આપવાની છે.
બેસ્ટ પોતાના બજેટમાં મહિલાઓ માટે બેસ્ટની બસની સંખ્યા ૧૩૩ પરથી વધારીને ૫૦૦ કરવાની છે. તો ૫૦ બસ ઓપન ડેક અને લોઅર ડેક એરકંડિશનવાળી હશે.
બેસ્ટ તેના ઈલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને પણ હાઈટેક કરવા માગે છે. એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં બેસ્ટે તમામ ઘરમાં સ્માર્ટ મીટર બેસાડવાની યોજના બનાવી છે.