બંગાળની પહેલી ક્રાંતિકારી નારી: નનિબાલા દેવી

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એ વીરાંગના બંગાળની પહેલી ક્રાંતિકારી નારી હતી અને જેને અંગ્રેજ પોલીસે શારીરિક યાતનાઓ અને કષ્ટ આપ્યાં હોય એવી પણ એ પ્રથમ સ્ત્રી હતી…
નનિબાલા દેવી એનું નામ. બંગાળના ક્રાંતિકારીઓને આશ્રય આપવો, એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાડવાં અને ગુપ્તચર પોલીસની આંખોમાં ધૂળ નાખવાને પગલે વીસમી સદીના બીજા દસકામાં પ્રખ્યાત થઈ ગયેલી. સંતાકૂકડીની રમતને અંતે જ્યારે ઝડપાઈ ત્યારે અંગ્રેજ પોલીસે દાઝ ઉતારવા એના પર અમાનવીય અત્યાચારો કરેલા. એનાં મોંમાં અને નાકમાં લાલ મરચાંની ભૂકી ભરીને પારાવાર પીડા આપેલી.
નનિબાલા દેવીનો જન્મ ૧૮૮૮માં કોલકાતાના હાવડામાં થયો. અત્યંત સાધારણ મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારના સૂર્યકાંત બેનરજીના ઘરમાં જન્મ. ઘેરબેઠાં થોડું શિક્ષણ મેળવ્યું એણે. તત્કાલીન બાળવિવાહના રિવાજ અનુસાર અગિયાર વર્ષની કુમળી વયે નનિબાલા દેવીનાં લગ્ન કરી દેવાયાં, પણ લગ્નનો અર્થ સમજવાની પાકી સમજણ આવે ત્યાં તો ચૂડીચાંદલો નંદવાયો. લગ્નનાં પાંચ વર્ષ પછી સોળ વર્ષની ઉંમરે નનિબાલાએ વૈધવ્ય વેઠવાનો વસમો વખત આવ્યો.
એ સમયે બંગાળમાં વિધવાએ જીવવું હોય તો અનેક પ્રતિબંધોથી બંધાઈને ઓશિંગણ થઈને રહેવું પડતું. વિધવા રંગીન વસ્ત્રો પહેરી ન શકતી. પાન ખાઈ ન શકતી. ફૂલ અને સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરી ન શકતી. રાત્રે જમીન પર ઘાસની પથારી કરી સૂવું પડતું.
આંખમાં અંજન ન આંજે, તેલ મર્દન ત્યાગ;
પગે ન પહેરે મોજડી, નહીં છત્ર શું અનુરાગ
આટઆટલાં નિયંત્રણો ખડકી દીધાં પછી પણ સમાજના શાહુકારોને વિધવાઓને જિંદગીભર પાળવાનું મુશ્કેલ હતું, તેથી તેમને ‘સતી’ બનાવીને બાળી મૂકવાની પ્રથા શરૂ થઈ.
પતિ મૂઆ પછી પતિવ્રતા પતિ સંગ જે બળી જાય
તે અરુંધતી તુલ્ય નારી, સ્વર્ગમાં પૂજાય
બંગાળમાં વૈધવ્ય જીવન આ પ્રકારની અનેક કસોટીઓ માગી લેતું હતું, પણ સદ્નસીબે નનિબાલા દેવી માટે એવી કોઈ મુશ્કેલી સર્જાઈ નહીં. સૌભાગ્યની નિશાની સમા પતિને ગુમાવ્યા બાદ નનિબાલા દેવી નાસીપાસ ન થઈ. એણે આગળ ભણવામાં ચિત્ત પરોવ્યું. ખ્રિસ્તી મિશનરી શાળામાં અભ્યાસનો આરંભ કર્યો. થોડુંક અંગ્રેજી શીખી, પણ શાળાના સંચાલકો સાથે મતભેદ થતાં ભણવાનું છોડ્યું. વિધિએ નનિબાલાનું નસીબ નોખું ઘડેલું. એની કુંડળીમાં ક્રાંતિ લખાયેલી હતી.
એ ઘડી પણ આવી પહોંચી. ગ્રહો તથા નક્ષત્રોએ સ્થાન બદલ્યું. નનિબાલા પોતાના દૂરના ભત્રીજા અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના સંપર્કમાં આવી. અમરેન્દ્રનાથ બંગાળના પ્રખ્યાત ક્રાંતિકારી સંગઠન જુગાંતર – યુગાંતરનો આગલી હરોળનો નેતા હતો. અમરેન્દ્રનાથે નનિબાલા દેવીને યુગાંતરનો આવો પરિચય આપ્યો:
યુગાંતર એટલે નવો યુગ કે નવા યુગનો આરંભ. યુગાંતર પાર્ટીની સ્થાપના એપ્રિલ ૧૯૦૬માં અરવિંદ ઘોષ, બારિન ઘોષ, ભૂપેન્દ્રનાથ દત્તા અને રાજા સુબોધ મલિક જેવા નેતાઓએ કરેલી. બારિન ઘોષ અને બાઘા જતીન મુખ્ય નેતા હતા. તેમણે એકવીસ ક્રાંતિકારીઓ સાથે મળીને હથિયાર, વિસ્ફોટક પદાર્થો અને બોમ્બગોળા એકઠાં કરેલાં. ભારતની સ્વતંત્રતા માટે બંગાળમાં બે મુખ્ય ક્રાંતિકારી સંગઠન કાર્યરત હતાં. એમાંનું એક તે આ યુગાંતર.
નનિબાલા યુગાંતરથી પ્રભાવિત થઈને સંગઠનમાં જોડાઈ ગઈ. પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન ભૂગર્ભમય ક્રાંતિકારીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવાની જવાબદારી એણે બખૂબી નિભાવી. એનું ઘર ક્રાંતિકારીઓનું આશ્રયસ્થાન બની ગયું. અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ કરતી હિંદુજર્મન યોજનામાં સહભાગી ક્રાંતિકારીઓને પોતાના ઘરમાં શરણ આપતી. ઈતિહાસમાં હિંદુજર્મન ષડ્યંત્ર તરીકે ઓળખાયેલી આ યોજનાની રૂપરેખા જોઈએ:
પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન યુગાંતર પાર્ટીના વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ઉર્ફ ચટ્ટો અને જર્મનીમાં રહેતા અન્ય ક્રાંતિકારીઓના માધ્યમથી જર્મન હથિયારો અને દારૂગોળો, ખાસ કરીને બત્રીસ બોરની જર્મન પિસ્તોલ આયાત કરવાની વ્યવસ્થા કરેલી. એમણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં સક્રિય ભારતીય ક્રાંતિકારીઓની સાથે યુગાંતર નેતાઓનો સંપર્ક કરેલો. જતીન્દ્રનાથ મુખર્જીએ રાસબિહારી બોઝને વિભિન્ન છાવણીઓના દેશી સૈનિકોના સહયોગથી અખિલ ભારતીય વિદ્રોહના હેતુથી ઉપરી ભારતની કમાન સંભાળવાની સૂચના આપી. યોજના પાર પાડવા માટે યુગાંતર નેતાઓએ શ્રેણીબદ્ધ ધાડનું આયોજન કરીને નાણાભંડોળ ઊભું કર્યું.
જર્મન શસ્ત્રો ત્રણ સ્થળે વિતરિત થવાનાં હતાં. ચટગાંવને તટે હટિયા, સુંદરવનમાં રાયમંગલ અને ઓડિશાના બાલાસોરમાં, પરંતુ એક દગાબાજને કારણે યોજના ફૂટી ગઈ. બ્રિટિશ પોલીસ સતર્ક થઈ ગઈ. ગંગાના ડેલ્ટા ક્ષેત્ર, પૂર્વીય તટ પર નોઆખલી-ચટગાંવથી ઓડિશા સુધીના સઘળા સમુદ્રી માર્ગો બંધ કરી દીધા. અંગ્રેજ પોલીસે ક્રાંતિકારીઓની શોધખોળ આદરી. નનિબાલાનું ઘર પોલીસથી લાપતાછુપાતા આ ક્રાંતિકારીઓનું ઠામઠેકાણું બન્યું. નનિબાલાએ ક્રાંતિકારીઓનાં ખાનપાનથી માંડીને એમનાં હથિયારો સહીસલામતપણે સંતાડવાનું કામ સફળતાથી કર્યું.
પોતાને જે કામ સોંપાયું તે નનિબાલા દેવીએ અત્યંત નિષ્ઠાપૂર્વક પાર પાડ્યું. કારાવાસમાં કેદ ક્રાંતિકારીઓને પણ વેશપલટો કરીને એ મળી આવતી. પોલીસને સહેજ પણ ગંધ ન આવે એ રીતે માહિતીનું આદાનપ્રદાન કરતી.
નનિબાલાએ નીડરતાથી ક્રાંતિકારી કાર્યો કરવાની સાથે એક એવું કામ કર્યું જે એ દિવસોમાં કોઈ પણ હિંદુ વિધવા માટે અકલ્પનીય હતું. વર્ષ ૧૯૧૫… બન્યું એવું કે
રામચંદ્ર મજુમદાર નામના એક ક્રાંતિકારીને અંગ્રેજ સરકારે કારાવાસમાં કેદી બનાવેલા. એમની પાસે એક રિવોલ્વર હતી, પણ એમની ધરપકડ થઈ ત્યારે રામચંદ્રે એ રિવોલ્વર ક્યાં છુપાવેલી તે એમના ક્રાંતિકારી સાથીઓને ખબર નહોતી. રામચંદ્ર પણ રિવોલ્વર સંતાડેલા સ્થળ અંગે સાથીઓને કહેવાનું ભૂલી ગયેલા. આમેય યુગાંતર સંગઠન પાસે ક્રાંતિ કરવાનાં ટાંચાં સાધનો અને શસ્ત્રસરંજામ હતાં, એથી રિવોલ્વરની ભાળ મેળવવી જરૂરી હતું, પણ એ કામ કઈ રીતે કરવું એ યક્ષપ્રશ્ર્ન હતો. વળી જેલમાં રામચંદ્રને મળવા જઈ શકાય એમ નહોતું.
ક્રાંતિકારીઓની બેઠકમાં રામચંદ્રની રિવોલ્વર અંગે ચર્ચાઓ ચાલી રહેલી ત્યારે નનિબાલાએ એનો પત્તો મેળવવાનું બીડું ઝડપી લીધું. નનિબાલાએ રામચંદ્રની પત્નીનો વેશ ધારણ કર્યો. શ્રીમતી મજુમદાર બનીને જેલમાં રામચંદ્રની મુલાકાત લીધી. રિવોલ્વરની માહિતી મેળવી લીધી. ક્રાંતિકારીઓને એ માહિતી પહોંચાડી. એક હિંદુ વિધવા, એ પણ બંગાળની હિંદુ વિધવા માટે આ એક કલ્પનાતીત ક્રાંતિકારી કદમ હતું!
નનિબાલા સાવચેતીથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતી રહી, પણ આખરે પોલીસના શંકાના વર્તુળમાં આવી જ ગઈ. નનિબાલા પોલીસની આંખોમાં ધૂળ નાખીને રઝળપાટ કરવા લાગી. કોલકાતા છોડીને પેશાવર ચાલી ગઈ. કોલેરાના રોગે એનો ભરડો લીધો. દરમિયાન પોલીસના સાણસામાં સપડાઈ.
સામાન્યપણે અંગ્રેજ પોલીસ સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરતી હતી, પણ નનિબાલા સાથે ક્રૂર આચરણ કર્યું. એનાં મોઢામાં, નાકમાં અને શરીરમાં જ્યાં છિદ્ર હોય એમાં લાલ મરચાંની ભૂકી ભરી દીધી. અસહ્ય પીડાથી નનિબાલા ચિત્કારી ઊઠી. બેહોશ થઈને ઢળી પડી. નનિબાલાને કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં લઈ જવાઈ. કોલકાતા જેલની એ પ્રથમ મહિલા કેદી હતી. જેલની વ્યવસ્થાના વિરોધમાં નનિબાલાએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા. જેલમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેના એના લેખિત માગણીપત્રને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ગોલ્ડીએ ફાડીને ફેંકી દીધો. કાળઝાળ નનિબાલાએ સંપૂર્ણ તાકાતથી એના મોં પર એક મુક્કો મારી દીધો.
આ પ્રકારના બનાવો વચ્ચે બે વર્ષ બાદ, ૧૯૧૯માં નનિબાલાનો જેલમાંથી છુટકારો થયો. પરિવારે એને જાકારો આપ્યો. પડતાં પર પાટુની જેમ ક્ષયરોગ વળગ્યો. એક સાધુએ એનો ઉપચાર કર્યો. સાજા થયા પછી નનિબાલાએ પણ ભગવાં વસ્ત્રો ધારણ કરી લીધાં. ૧૯૬૭માં એનું મૃત્યુ થયું એ વખતે એને કોઈ ઓળખતું પણ નહોતું.
કમનસીબી તો જુઓ… એક સમયે ક્રાંતિકારી તરીકે જેનું નામ ઝળહળતું હતું એ નનિબાલાને ગુમનામ મોત મળ્યું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.