‘ગાંધી-બૂઢી’ તરીકે જાણીતી બંગાળી સ્વતંત્રતાસેનાની: માતંગિની હાજરા

લાડકી

ભારતની વીરાંગનાઓ – ટીના દોશી

વંદે માતરમ્… જમણા હાથમાં ત્રિરંગા સાથે ગૌરવભેર, ટટ્ટાર મસ્તકે ચાલી રહેલી બોતેર વર્ષની વૃદ્ધાએ બુલંદીથી નારો લગાવ્યો એટલે એની સાથે ચાલી રહેલા છ હજાર લોકોના સરઘસે જોશ, જોમ અને જુસ્સાથી પડઘો પાડ્યો: વંદે માતરમ્… વંદે માતરમ્…!
૨૯ સપ્ટેમ્બર, ૧૯૪૨નો દિવસ. દેશપ્રેમીઓના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. સૂત્રોચ્ચાર કરતું સરઘસ બંગાળના તામલુક પોલીસ થાણા તરફ આગળ વધ્યું, પોલીસ થાણા પર ત્રિરંગો ફરકાવવા. સરઘસ થાણાની નજીક પહોંચ્યું કે પેલી વૃદ્ધા ઓચિંતી જ આગળ આવી ગઈ. સરઘસને મોખરે. સિંહણની જેમ ગર્જતી બોલી: હું ધ્વજ ફરકાવીશ. આજે મને કોઈ રોકી નહીં શકે…
અંગ્રેજ પોલીસે એકપણ પગલું ન માંડવા ચેતવણી આપી, પણ પેલી વૃદ્ધા પર કોઈ અસર ન થઈ. ‘વંદે માતરમ્…’નો જયઘોષ કરતી મક્કમતાથી થાણા ભણી એ આગળ વધી. પોલીસે એના ત્રિરંગાધારી જમણા હાથ પર ગોળી મારી. વૃદ્ધા ઘાયલ થઈ, પણ ઘાયલ તોયે સિંહણ હતી એ. ધ્વજ એણે હાથમાંથી પડવા ન દીધો. બીજા હાથે ત્રિરંગો ઝાલીને સ્વાભિમાનથી મસ્તક ઊંચું રાખીને ‘વંદે માતરમ્…’ના પોકાર કરતી આગળ વધતી રહી. નિર્દયી પોલીસે બીજા હાથ પર પણ ગોળી ચલાવી. છતાં ‘વંદે માતરમ્…’નો જયઘોષ કરતી વૃદ્ધાએ ત્રિરંગાની આન, બાન અને શાન પર આંચ ન આવવા દીધી. ત્રિરંગો ધ્વજ મજબૂતીથી પકડીને, ઊંચો ઉઠાવીને સમતુલા જાળવતી લથડતે પગે એ ચાલતી રહી, ચાલતી રહી…
હવે પોલીસે ક્રૂરતાની પરાકાષ્ઠા દાખવી. ત્રીજી ગોળી ચલાવી. વૃદ્ધાના માથા પર. કપાળની વચ્ચોવચ. વૃદ્ધા ઢળી પડી. ભોંયભેગી થઈ ગઈ, છતાં ત્રિરંગાને એણે જમીન પર પડવા ન દીધો. ત્રિરંગાને ગળે વળગાડીને જાણે હોઠ ફફડાવી રહેલી: નહીં નમશે, નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું… ભારતની એ ધર્મધજાનું સાચવશું સન્માન…!
ભારતની ધર્મધજા સમા ત્રિરંગાનું સન્માન જાળવવા એને છાતીસરસો ચાંપીને વૃદ્ધા ગર્જી: વંદે માતરમ્… ભારતમાતાની જય…! શરીર પર ગોળીઓ ઝીલતી રહી, પણ વૃદ્ધાએ સરઘસને હિંસા કરવા ઉશ્કેર્યું નહીં. અંતિમ શ્ર્વાસ સુધી મહાત્મા ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને ચુસ્તતાથી વળગી રહી. માતૃભૂમિના ગૌરવ કાજે વૃદ્ધાએ બહાદુરીથી બલિદાન આપ્યું.
એ વૃદ્ધા એટલે ‘ગાંધી-બૂઢી’ તરીકે જાણીતી થયેલી માતંગિની હાજરા… ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’માં તામલુકની સૂત્રધાર. સવિનય કાનૂનભંગની ચળવળમાં અને નમક સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ ભજવનાર.
અહીં સુધી વાંચ્યા, સાંભળ્યા પછી ખબર પડે કે માતંગિની હાજરાને બાસઠ વર્ષની ઉંમર સુધી સ્વતંત્રતાસંગ્રામ વિશે કાંઈ ખબર જ નહોતી તો?
આશ્ર્ચર્ય થાય, પરંતુ એ જ હકીકત છે. માતંગિનીનું આયખું આખું સંઘર્ષમય રહ્યું. જન્મથી મૃત્યુ સુધી. ૧૯ ઓક્ટોબર, ૧૮૭૦ના આજના બંગલાદેશના, ત્યારના પૂર્વ બંગાળના મિદનાપુર જિલ્લાના હોગલા ગામના અત્યંત ગરીબ પરિવારમાં માતંગિની જન્મી. પિતા ખેડૂત હતા. તદ્દન નિરક્ષર. એટલે શિક્ષણનું મહત્ત્વ સમજતા નહોતા. માતંગિનીને ભણાવવાનું સૂઝે નહીં એ સ્વાભાવિક હતું. માસૂમ દીકરી એમના માટે બોજ બની ગયેલી. ઘરમાં ઘર કરી ગયેલી ગરીબીને પગલે સાપના ભારાસમી માત્ર બાર વર્ષની કુમળી દીકરીને, એનાથી પચાસ વર્ષ મોટા, અલીનાન ગામના બાસઠ વર્ષના વિધુર ત્રિલોચન હાજરા વેરે વરાવી દીધી ને વળાવી દીધી. પિયરનો સાથ છૂટ્યો, પણ દુર્ભાગ્ય અને નિર્ધનતા માતંગિનીનો જીવનભર સંગાથ કરવાનાં વચને બંધાયાં. એ વચન એમણે બરાબર પાળ્યું.
લગ્નના માત્ર છ વર્ષ પછી માતંગિનીના પતિ ત્રિલોચન હાજરાનું મૃત્યુ થયું. ત્રિલોચનની પહેલી પત્નીથી થયેલા પુત્રએ માતંગિનીને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી. માતંગિની નિ:સંતાન હતી. નિરાધાર અને નિ:સહાય પણ થઈ ગઈ. મનડું મહિયરમાં હતું, પણ ત્યાં આવકારો મળે એમ નહોતું. પિયરનાં દ્વાર બંધ થઈ ગયેલાં. માતંગિની સ્વમાની હતી. કોઈના પર બોજો બનવા માગતી નહોતી. બંગાળમાં પતિવિહોણી સ્ત્રીઓની તો દુર્દશા જ થતી.
માતંગિની હાજરાની કુંડળીમાં દુર્ભાગ્ય, દરિદ્રતા અને દુર્દશાનો અણગમતો મેળાપ થયો. આવડી મોટી દુનિયામાં એકદમ એકલીઅટૂલી થઈ ગઈ. ઉપર આભ ને નીચે ધરતી. છતાં માતંગિની હાજરા હિંમત ન હારી. મિદનાપુર જિલ્લાના તામલુકમાં એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગી. કમનસીબી ‘માન ન માન, મૈં તેરા મહેમાન’ બનીને ઘરમાં ઘર કરી ગયેલી. માતંગિની મજૂરી કરીને, પારકે ઘેર વાસીદાં કરીને પેટનો ખાડો જેમ તેમ પૂરવા લાગી.
ખાવાના સાંસા હોય, ઘરમાં હાંલ્લાં કુસ્તી કરતાં હોય અને પેટ ભરવાની ચિંતા હોય એવામાં આઝાદીના આંદોલન અંગે તો માતંગિની હાજરાને જાણ પણ ક્યાંથી હોય?
માતંગિની હાજરાને સ્વતંત્રતાસંગ્રામ વિશે કાંઈ જ ખબર નહોતી. કોઈ કહેનાર પણ નહોતું. આ જ રીતે ૪૪ વર્ષ પસાર થઈ ગયાં. માતંગિનીની ઉંમર બાસઠ થઈ. દરમિયાન ૧૯૩૦માં એમના ગામના કેટલાક યુવકોએ આઝાદીના આંદોલનમાં ભાગ લીધો. એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા કરાતા અત્યાચાર અને ગાંધીજીની લડત અંગે થોડી ઘણી વાતો માતંગિનીને કાને પડેલી, પણ ઝાઝું કાંઈ એ જાણતી નહોતી. જોકે એક ઘટનાને પગલે એ જ માતંગિની જોતજોતામાં જાણીતી થઈ ગઈ અને આઝાદીની લડતનો તામલુકનો ચહેરો બની ગઈ.
વર્ષ ૧૯૩૨… એક દિવસ માતંગિની હાજરાની ઝૂંપડી પાસેથી એક સરઘસ નીકળ્યું. માતંગિની કુતૂહલવશ બહાર નીકળી. તપાસ કરતાં ખબર પડી કે સવિનય કાનૂનભંગ માટે અંગ્રેજવિરોધી પ્રદર્શન થઈ રહેલું. એ સરઘસમાં કોઈ સ્ત્રી નહોતી. માતંગિની હાજરાને શું સૂઝ્યું કે એ પણ સરઘસમાં જોડાઈ ગઈ. જીવનનો નવો અધ્યાય શરૂ થયો. માતંગિની આઝાદીના આંદોલનથી સારીપેઠે વાકેફ થઈ. એની દેશભક્તિ જાગી ઊઠી. દુર્દશા તો પડછાયો બનીને પગલે પગલે સાથે જ હતી, પણ એ માતંગિનીને સ્વતંત્રતાસંગ્રામમાં ઝંપલાવતાં રોકી ન શકી. માતંગિનીને જીવનનું ધ્યેય મળી ગયું. આઝાદીના જંગમાં એ સક્રિય થઈ ગઈ. મીઠું બનાવીને નમક સત્યાગ્રહમાં ભાગ લીધો. ધરપકડ વહોરી. અંગ્રેજ સરકારે કેટલાયે કિલોમીટર ઉઘાડા પગે ચાલવાની સજા એને ફટકારી, પણ એનાથી માતંગિનીનું મનોબળ દિવસે ન વધે એટલું રાત્રે ને રાત્રે ન વધે એટલું દિવસે વધે એમ વધ્યું.
એકાદ વર્ષ પછી… ૧૭ જાન્યુઆરી, ૧૯૩૩નો દિવસ. કરવેરા વિરોધી આંદોલન ચાલી રહેલું. આ ‘ના કર’ આંદોલનને કચડવા માટે બંગાળના ગવર્નર એન્ડરસન તામલુક આવ્યા. એમના વિરોધમાં પ્રદર્શન થયું. એમાં માતંગિની હાજરા કાળા વાવટા સાથે સૌથી આગળ ઊભી રહેલી. પોલીસે એની ધરપકડ કરી. છ મહિનાની કેદ થઈ. મુર્શિદાબાદ જેલમાં એને ધકેલી દેવાઈ.
જેલવાસ પૂરો કરીને માતંગિની હાજરા છ મહિના પછી બહાર આવી. આવતાંની સાથે માતંગિનીએ ચરખો લીધો. ચરખો ચલાવવા લાગી. ખાદી પણ ધારણ કરી લીધી. ત્યારથી તામલુકના લોકોમાં ‘ગાંધી-બૂઢી’ તરીકે ઓળખાવા લાગી. દરમિયાન ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મિદનાપુરના સ્વતંત્રતાસેનાનીઓએ બ્રિટિશરાજને સમૂળગું ઉખાડી ફેંકવા તમામ સરકારી કચેરીઓ અને પોલીસ થાણા પર ત્રિરંગો ફરકાવવાની યોજના બનાવી. તામલુકમાં માતંગિની હાજરાએ આ યોજનાને પાર પાડવા આગેવાની લીધી, પણ એમ કરવા જતાં શહીદી વહોરી.
માતંગિની હાજરાની વીરતા વિશે જાણીને ખબર પડે છે કે જેમ ઉંમરને ભણવા સાથે સંબંધ નથી, એમ દેશ માટે ફના થઈ જવાની પણ કોઈ ઉંમર નથી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.