મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ED દ્વારા ધરપકડ, શિક્ષક ભરતી કૌભાંડમાં કાર્યવાહી

દેશ વિદેશ

પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ કરતા, EDએ લગભગ 26 કલાકના દરોડા પછી મમતા સરકારમાં તત્કાલીન શિક્ષણ પ્રધાન અને હાલમાં ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે અને તેમની સહાયક અર્પિતા મુખરજીને પણ કસ્ટડીમાં લીધી છે. એમ જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડો થઇ શકે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખરજીના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા, સોનાના ઘરેણા, ગેરકાયદેસર જમીનના કાગળો સહિત મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને મહાસચિવ પાર્થ ચેટરજીની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને અંતે તેમની ધરપકડ કરી હતી. પાર્થ ચેટરજી મમતા બેનરજીના વિશ્વાસુ નેતાઓમાંના એક ગણાય છે.
પાર્થ ચેટરજી તૃણમૂલ કોંગ્રેસની શરૂઆતથી તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ યુથ કોંગ્રેસના કાર્યકર હતા. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે અને તેઓ મલ્ટીનેશનલ કંપની એન્ડ્ર્યુ યુલમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હતા.
પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાનો વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ સમગ્ર કાર્યવાહી શિક્ષક ભરતી કૌભાંડ સાથે સંબંધિત છે. આ ભરતી પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી. જેમાં નકલી રીતે પ્રવેશ અપાવવા માટે OMR શીટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં નાપાસ થયેલા ઉમેદવારો લાખો રૂપિયાની લાંચ લઈને પાસ થયા હતા. આ મામલામાં શિક્ષણ પ્રધાનની સીધી સંડોવણી હોવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ઘણા લોકો સામેલ હતા, જેમની ધરપકડ ટૂંક સમયમાં થઈ શકે છે.
પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજીના સંબંધોની વાત કરીએ તો પાર્થ ચેટરજી બેહાલામાં નાકટલા ઉદયન સંઘ પૂજા સમિતિના અધ્યક્ષ છે. આ પૂજા સમિતિ કોલકાતાની સર્વોચ્ચ પૂજા સમિતિ માનવામાં આવે છે. અભિનેત્રી અર્પિતા ચેટરજી આ સમિતિના કાર્યક્રમો સાથે સંકળાયેલી હતી. સમિતિના કાર્યક્રમો દરમિયાન અર્પિતા પાર્થના સંબંધો ગાઢ થયા હતા. પાર્થ ઘણી વાર અર્પિતાના ઘરે જોવા મળ્યા છે. ઇડીએ અર્પિતાના ઘરે પણ છાપો માર્યો હતો, જેની તસવીરો વાઇરલ થઇ રહી છે. તસવીરોમાં 500, 2000ની નોટોના પહાડ જોવા મળી રહ્યા છે.
ED મમતાના અન્ય મંત્રી પરેશ અધિકારીના ઘરે દરોડા પાડી રહી છે. આ સાથે તેના નજીકના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે. પાર્થ ચેટરજીની ધરપકડ બાદ હવે ED પૂછપરછ માટે તેમના રિમાન્ડ માંગી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.