છેલ્લા 10 દિવસમાં પશ્ચિમ બંગાળમાં 4 અન્ડરટ્રાયલ કેદીના મૃત્યુ થતા હડકંપ મચી ગયો છે. આ કેસમાં કેદીઓના સગા-સંબંધીઓએ કેન્દ્રીય સુધાર ગૃહમાં તેમની પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. જુલાઈ મહિનાના અંતમાં પોલીસે અલગ-અલગ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી.
મૃતક કેદીઓમાં કુરાલીના અબ્દુલ રઝાક દીવાન, ફકીર પારાના અકબર ખાન ઉર્ફે ખોકન ખાન અને સંતોષપુરના સૈદુલ મુનશીનો સમાવેશ થાય છે. બરુઈપુર સેન્ટ્રલ કરેક્શનલ હોમમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતકોના પરિવારજનોએ કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપ લગાવ્યો છે અને તેમના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે.
એક મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે તેણે 28 જુલાઇના રોજ બરુઈપુર સેન્ટ્રલ કરેક્શનલ હોમમાં એના પતિ સાથે ફોનથી વાત કરી હતી, પરંતુ પછીના પાંચ દિવસ સુધી તેના પતિનો કોઈ ફોન આવ્યો ન હતો. જેલ સત્તાવાળાઓએ તેને 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે પહેલી ઑગસ્ટની રાત્રે તેના પતિનું મૃત્યુ થયું હતું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, “મારા પતિએ મને કહ્યું કે પોલીસ સ્ટેશન અને જેલમાં તેની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. તેના શરીર પર ઈજાના નિશાન હતા. તેથી અમે ન્યાયી તપાસ અને ગુનેગારોની વહેલી તકે ઓળખની માંગ કરીએ છીએ.’
પ. બંગાળની જેલમાં ચાર અન્ડરટ્રાયલના મૃત્યુના મામલે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે અને મૃતકના પરિવારજનોને વળતરનો આદેશ આપ્યો છે. તેમણે આ મામલે સીઆઇડી તપાસના પણ આદેશ આપ્યા છે.

Google search engine