‘ડિજિટલ ઈન્ડિયા’થી ૨૩ લાખ કરોડ રૂપિયા લાભાર્થીઓને મળ્યા: મોદી

દેશ વિદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ડીબીટીના માધ્યમથી વીતેલાં આઠ વર્ષમાં રૂ. ૨૩ લાખ કરોડથી વધારે સીધા લાભાર્થીના બૅંક ખાતામાં મોકલવામાં આવ્યા, ટૅક્નોલોજીને કારણે લગભગ રૂ. ૨ લાખ કરોડ જે કોઈ અન્યના હાથમાં જતાં હતાં તે બચી ગયા છે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં કેટાલાઈઝીંગ ‘ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨’નો મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવતા વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ૨૧મી સદીમાં નિરંતર આધુનિક ભારતની જનક લઈને આવ્યો છે. ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્ર્વ સમક્ષ રાખ્યું છે. મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ કરેલું અભિયાન સમયની સાથે વિસ્તરી રહ્યું છે. બદલતાં સમય સાથે જે આધુનિક ટૅક્નોલૉજીને નથી અપનાવતા સમય તેમને પાછળ છોડીને આગળ નીકળી જાય છે. દર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમ જ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ત્રીજી ઔધોગિક ક્રાંતિ ભારત તેનું ભોગ બની ચૂક્યું છે. પરંતુ ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઈન્ડસ્ટ્રી ૪.૦માં વિશ્ર્વને દિશા આપી રહ્યું છે. ૮-૧૦ વર્ષ પહેલાંની સ્થિતિ યાદ કરો બર્થ સર્ટિફિકેટ લેવા લાઈન, રાશન માટે લાઈન, એડમિશન માટે લાઈન, રિઝલ્ટ અને સર્ટિફિકેટ માટે લાઈન, બૅંકમાં લાઈન. આ બધી સમસ્યાનું તેનું સમાધાન ઓનલાઈન થવાથી આવ્યું છે.
છેલ્લાં આઠ વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાને દેશમાં એ સામર્થ્ય આપ્યું કે કોરોના વૈશ્ર્વિક મહામારી સામે લડવામાં ભારતે ખૂબ મદદ કરી છે. જો ડિજિટલ ઈન્ડિયા અભિયાન ન હોત તો ૧૦૦ વર્ષમાં આવેલા આ સૌથી મોટા સંકટના સમયે આપણે દેશમાં શું કરી શકત? એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
અમે દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બૅંક ખાતામાં એક ક્લિકથી હજારો કરોડો રૂપિયા પહોંચાડી દીધા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે ૮૦ કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં રાશન સુનિશ્ર્ચિત કર્યું છે એવું તેમણે કહ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાનના હસ્તે ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા કેટાલાઈઝીંગ ‘ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડા પ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.