બેન્ચમાર્ક ત્રણ મહિનાની ઊંચી સપાટીએ, તોતિંગ ઉછાળા સાથે સેન્સેક્સ ૫૬,૮૫૦ની ઉપર અને નિફ્ટી ૧૭,૦૦૦ની નજીક

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલના ફફડાટનો દોર પૂરો થતાં કળ વળી હોવાથી શેરબજારમાં સુધારો નોંધાયો હતો. વિશ્ર્વબજારના મિશ્ર હવામાન છતાં સ્થાનિક બજારમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં જોરદાર ઉછાળા આવવાથી સેન્સેક્સ અને નિફ્ટી બંને ગુરુવારે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો અપેક્ષિત વધારો જાહેર થયા બાદ વિશ્ર્વબજારમાં આવેલા સુધારા સાથે સ્થાનિક શેરબજારમાં પણ સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું અને સેન્સેક્સમાં ૧૦૪૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ પણ ૨૮૮ પોઇન્ટની છલાંગ લગાવી છે.
દરમિયાન ૧૦૯૭.૯૦ પોઇન્ટ અથવા તો ૧.૯૬ ટકાના ઉછાળા સાથે ૫૬,૯૧૪.૨૨ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૧૦૪૧.૪૭ પોઇન્ટ અથવા તો ૧.૮૭ ટકાના ઉછાળા સાથે ૫૬,૮૫૭.૭૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૮૭.૮૦ પોઇન્ટ અથવા તો ૧.૭૩ ટકાના ઘટાડા સાથે ૧૬,૯૨૯.૬૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વે તો અપેક્ષિત ધોરણે વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો વધારો જાહેર કરી દીધો છે, હવે રિઝર્વ બેન્ક કેવો નિર્ણય લે છે તેના પર અર્થશાસ્ત્રીઓની નજર છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આરબીઆઇ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો નહીં કરે.
અગાઉ વ્યાજ દરની વૃદ્ધિ માટે ૫૦ બેસિસ પોઇન્ટની ધારણા મૂકાતી હતી પરંતુ હવે રિઝર્વ બેન્કની એમપીસી માત્ર ૨૫ બેસિસ પોઇન્ટનો વધારો કરે એવી સંભાવના બેન્ક ઓફ બરોડના અર્થશાસ્ત્રી વ્યકતર કરે છે. તેમનું કહેવું છે કે ઇન્ફ્લેશન મધ્યસ્થ બેન્કની અપેત્રિત રેન્જમાં જ રહ્યું હોવાથી આગામી ત્રિમાસિક સમયગાળામાં વ્યાજદરને મોરચે કોઇ મોટો વધારો થાય એવી શકયતા જણાતી નથી. ટોચના વધનાર શેરમાં બજાજ ફાઇનાન્સમાં ૧૦.૬૮ ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ત્યાર પછીના ક્રમમાં બજાજ ફિનસર્વમાં ૧૦.૧૪ ટકાનો વધારો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને નેસ્લેનો સમાવેશ હતો.
જ્યારે ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ લેબ, આઇયીસી અને સન ફાર્મા ટોપ લૂઝર શેર રહ્યાં હતાં. બજારની હલચલમાં એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા સ્પાઇસ જેટને તમની સેવા આઠ સપ્તાહ માટે પચાસ ટકા ઘટાડવાનો ઓર્ડર આપ્યો હોવાથી તેના શેરમાં જબરી વેચવાલી જોવા મળી હતી અને તે રૂ. ૩૪.૬૦ની બાવન સપ્તાહ નીચી સપાટીએ પહોંચ્યો હતો. બજાજ ફાઇનાન્સે જૂન ક્વાર્ટરમાં રૂ. ૨૫૯૬ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે આંકડો વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. ૧૦૦૨ કરોડ હતો. કુલ આવક ૩૮ ટકા વધીને રૂ. ૯૨૮૩ કરોડ રહી હતી. હુડકોએ બોન્ડ મારફત રૂ. ૨૨૦૦૦ કરોડ એકત્રિત કર્યા છે. ટેકનોલોજી સોલ્યુશન્સ અને મેમરી પ્રોડક્ટસમાં વર્લ્ડ લીડર કીંગસ્ટન ટેકનોલોજી મેમરી પ્રોડ્કટમાં આક્રમક વિસ્તરણ કરી રહી છે. કંપની આગામી ત્રણ મહિનામાં લગભગ આઠેક નવી પ્રોડ્કટ લાવી રહી છે જેમાં ડેસ્ક ટોપથી માંડીને લેપટોપ અને મોબાઇલમાં પણ કનેક્ટ કરી શકાય એવી એસએસડી અને રેમ મેમરીય યુએસબી, ફ્લેશ મમેરી, એસડી, માઇક્રો એસડી કાર્ડ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. કંપની ૧૭૫ દેશમાં હાજરી ધરાવે છે.
નેસ્લે ઇન્ડિયાએ બીજા ત્રિમાસિકમાં ૪.૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૧૫.૩૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એસબીઆઇ કાર્ડ પ્રથમ ક્વાર્ટરમાં બેગણું વધીને રૂ. ૩૨૭ કરોડનોંધાયું હતું. આર્સેલર મિત્તલની બીજા ક્વાર્ટરની ચોખ્ખી આવક બે ટકા ઘટીને ૩૯૨૩ મિલિયન ડોલર નોંધાઇ હતી. બેઝિક મટિરિયલ્સ ૦.૭૨ ટકા, સીડીજીએસ ૧.૧૩ ટકા, એનર્જી ૦.૭૪ ટકા, એફએમસીજી ૦.૬૬ ટકા, ફાઈનાન્સ ૨.૨૧ ટકા, હેલ્થકેર ૦.૩૦ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૫૬ ટકા, આઈટી ૨.૫૧ ટકા, યુટિલિટીઝ ૧.૦૧ ટકા, ઓટો ૦.૩૭ ટકા, બેન્કેક્સ ૧.૭૨ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૬૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબ્લસ ૦.૬૫ ટકા, મેટલ ૧.૮૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૬૬ ટકા, પાવર ૧.૦૬ ટકા, રિયલ્ટી ૨.૦૩ ટકા અને ટેક ૨.૧૯ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર ટેલિકોમ ૦.૩૭ ટકા ઘટ્યો હતો. સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૧૦.૬૮ ટકા, બજાજ ફિનસર્વ ૧૦.૧૪ ટકા, ટાટા સ્ટીલ ૪.૫૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૪.૨૫ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૯૦ ટકા વધ્યા હતા.
જ્યારે ભારતી એરટેલ ૧.૧૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૯ ટકા, ડો. રેડ્ડી્ઝ લેબોરેટરિઝ ૦.૭૩ ટકા, આઈટીસી ૦.૧૬ ટકા અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૦.૧૨ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બધા ગ્રુપની કુલ ૧૬ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓને ઉપલી અને ૪ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.