(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મેક્રો ઇકોનોમિક ડેટા અને તેને કારણે વિશ્ર્વની સેન્ટ્રલ બેન્કોના નિર્ણય પર પડનારી અસર વચ્ચે અટવાયેલા વૈશ્ર્વિક ઇક્વિટી બજાર સાથે ઝોલા ખાતો સેન્સેક્સ સપ્તાહના અંતિમ દિવસે જોકે એફઆઇઆઇની લેવાલી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા સ્ટીલ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીને આધારે આગેકૂચ જાળવવામાં સફળ રહ્યો હતો.
એશિયાઇ બજારોની નિરસતા વચ્ચે બેન્ચમાર્કે સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રાખી હતી. સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સે પ્રારંભિક નરમાઇ પચાવીને અંતે ૧૩૦.૧૮ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાના સુધારા સાથે ૫૯,૪૬૨.૭૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, નિફ્ટી ૩૯.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાના સુધારા સાથે ૧૭,૬૯૮.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યોે હતો.
એશિયામાં પણ જોકે ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડા અને યુએસ ફ્યુચર્સના સુધારાને પગલે ટોકિયોનો નિક્કી- ૨૨૫ ઇન્ડેક્સ, હોગંકોંગનો હેંગસેંગ અને સિઓલનો બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યાં હતાં. શાંઘાઇ અને સિડનીમાં પીછેહઠ જોવા મળી હતી. દેશના ઇન્ફલેશનના અને ફેકટરી આઉટપુટના ડેટા જાહેર થવાના હોવાથી રોકાણકારોમાં સહેજ સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું. આઇટી અને હેલ્છકેર સેકટરના શેરોમાં વેચવાલીનું દબાણ વધુ જોવા મળ્યું હતું. સીપીઆઇ અને આઇઆઇપીની જાહેરાત અગાઉ રોકાણકારોએ જોકે ફંડામેન્ટલ ધોરણે મજબૂત શેરોમાં લેવાલી નોંધાવી હતી. એનટીપીસી ૩.૨૬ ટકાના ઊછળા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા અગ્રણી શેરોમાં ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, સ્ટેટ બેન્ક અને આઇટીસીનો સમાવેશ હતો.

Google search engine