શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

ભારતનો ૭૫ મો (સ્વાતંત્ર્યદિનનો અમૃત મહોત્સવ) આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૃષ્ટિનાં વિષ પચાવી અમૃત વહેંચી દેનારા શિવજીને કેમ ભુલાય? આજે ઘેર ઘેર ત્રિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે ત્રણની સંખ્યા સાથે જેમને ઘનિષ્ટ સંબંધ છે તે ભગવાન શંકરને પણ યાદ કરી લઈએ. આપણે આ શ્રેણી અંતર્ગત ત્રિનેત્ર અને ત્રિદલીય બીલીપત્ર વિશે વાત કરી, પરંતુ આજે આઝાદીના શુભ અવસર પર ત્રિશૂલધારી મહાદેવની વાત કરવી છે. ત્રિશૂલ ભોળાનાથનું અતિપ્રિય શસ્ત્ર છે. શસ્ત્રો આક્રમણ માટે જ નહીં સંરક્ષણ માટે પણ અતિઆવશ્યક છે. માત્ર શિવજી જ શું કામ દરેક દેવદેવીઓ પાસે કોઈને કોઈ શસ્ત્ર અવશ્ય હોય છે અને હોવું પણ જોઈએ. શસ્ત્રનો પ્રથમ ઉપયોગ આપણે ન કરીએ પણ અધર્મી કે સમાજ વિરોધી આસૂરી તત્ત્વોને વશમાં રાખવા શસ્ત્રોનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી પણ છે.
કુદરતે દરેક જીવોને સંરક્ષણ વ્યવસ્થા આપી છે, ગુલાબને કાંટા તો સર્પને વિષયુક્ત ફૂંફાડો આપ્યો છે. આ જ રીતે માનવ જીવને પણ પોતાના રક્ષણ માટેનો અધિકાર છે. આપણે ગામની કોઈ શેરીમાં લાકડી લઈને જઈએ છીએ તે કૂતરાને મારવા માટે નહીં પણ તેના આક્રમણને ખાળવા માટે હોય છે:
આજે આઝાદી દિન નિમિત્તે એવા ગીત પણ ગવાશે કે
‘દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ,
સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ!’
ગાવા માટે તો આ ગીત ખરેખર સારુ છે, પણ આજે એક વિચાર સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે કે શું માત્ર બાપુના અહિંસાના શસ્ત્ર થી જ આપણને આઝાદી મળી ?
ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવાના બલિદાન એળે ગયાં? ગાંધીજીનું ‘અહિંસા પરમો ધર્મ’ નું આપણા શાસ્ત્રોમાંથી ઉઠાવેલું આ વાક્ય પણ અધૂરુ છે. મૂળ વાક્ય આમ છે.
‘અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ’
અહિસા બેશક મહાન છે. પરંતુ અધર્મને ખાળવા હિંસા આચરવી પણ પડે . અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનના પોખરણમાં અણુપ્રયોગો કરીને વિશ્ર્વને બતાવી દીધું કે અમે અણુબોમ્બ બનાવવા સમર્થ છીએ. સાથે એ પણ કહ્યું કે આનો પ્રથમ પ્રયોગ અમે નહીં કરીએ. આજે ભારત વિશ્ર્વભરમાંથી શસ્ત્રો આયાત કરી રહ્યું છે અને પોતે પણ શસ્ત્રોનું ઉત્પાદન કરી રહ્યું છે તે હિંસા માટે નહી, પરંતુ આસપાસના શત્રુ દેશોને નિયંત્રણમાં રાખવાં પણ જરૂરી છે. થોડો ભય રાખવો પણ જરૂરી છે. ભય બિન પ્રિત નાહી. ભગવાન શંકરનુ ત્રિશૂલ ડમરુ સાથે બંધાયેલું રહે છે તે સૂચવે છે કે શસ્ત્ર જરૂરી છે પરંતુ તેની સાથે વિવેક બંધાયેલો હોવો જોઈએ.
ભારતની ઓળખ સમો ત્રિરંગો અને ત્રિશૂલ બંનેનું સન્માન જળવાવું જોઈએ.

Google search engine