ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
આદત. આ ત્રણ અક્ષરનો શબ્દ માણસને કેવો રમાડી લે છે! ભલભલા રાજપાટ છોડી દેવાનું કૌવત દાખવનારા પણ સામાન્ય આદત છોડવામાં નિષ્ફળ ગયાના દાખલા ઇતિહાસને ચોપડે ક્યાંક નોંધાયેલા હશે જ! આદત સારી હોય કે બૂરી, એક વાર વળગે પછી વ્યસનની જેમ વળગતી હોય છે. કોઈ વાર તો એવું થાય કે માણસની અસલ ઓળખ ભૂંસાઈ જાય, અને એની આદત જ એની ઓળખ બની જાય. એક શાળામાં ગણિતના એક શિક્ષકને છીંકણી સૂંઘવાની ટેવ. એ ટેવ એવી જગજાહેર કે સાહેબનું ઉપનામ જ ‘છીંકણી’ પડી ગયું. પછી તો એવો સમય આવ્યો કે લોકો અસલ નામ ભૂલી ગયા, અને આખું ગામ ’છીંકણી સાહેબ’ને નામે જ ઓળખવા માંડ્યું! ખેર, આજે તો એ સાહેબ હયાત નથી અને છીંકણી સૂંઘનારી પ્રજાતિના લોકો ય વિલુપ્ત થતા જાય છે. પણ આવી તો અનેક આદતો આપણને બધાને હોવાની જ. પણ ‘દુર્ઘટના’ ત્યારે બને, જ્યારે તમે એવી કોઈ આદત પાળી બેસો, જે તમને સાધારણ મનુષ્ય સમાજ કરતા ‘જરા હટકે’ (એટલે કે ભેજાગેપ) સાબિત કરી મૂકે! સ્ટીવ એથરવુડ નામક બ્લોગરનો એક આર્ટિકલ હમણાં જ પબ્લિશ થયો છે, જેમાં આવા ભેજાગેપ માણસો અને એમની સાવ અધ્ધર જેવી આદતોની વાત છે.
અમેરિકામાં ઠેઠ ૨૦૧૦થી એક શૉ શરૂ થયેલો. શોનું નામ હતું “માય સ્ટ્રેન્જ એડિક્શન નામ મુજબ જ આ શૉમાં એવા લોકોની વાત આવે, જે લોકો કોઈક વિચિત્ર પ્રકારની આદત-વ્યસનથી પીડાતા હોય. ઇસ ૨૦૧૨માં બર્થા નામની એક ૨૩ વર્ષીય યુવતીનો એપિસોડ પ્રસારતી થયેલો. બર્થાની સમસ્યા એ હતી કે એને નેઈલ પોલિશ પીવાની ટેવ પડી ગયેલી! વર્ષો પહેલા એક વાર એ બ્યૂટીપાર્લરની મુલાકાતે ગઈ, ત્યાં સ્ત્રીઓના નખ રંગવા માટે વપરાતી નેઈલ પોલિશની ગંધ બર્થાને એવી આકર્ષી ગઈ, કે એણે નેઈલ પોલિશ ઢીંચવાનું શરૂ કર્યું. આ વિચિત્ર ટેવની ખ્યાતિ ચોમેર ફેલાઈ અને એને પ્રતાપે બર્થા જ્યારે ટીવી શૉ પર ઝળકી, ત્યાં સુધીમાં તો એને રોજના પાંચેક બોટલ નેઈલ પોલિશ ઢીંચી જવાની આદત પડી ગયેલી! એ પાણીને બદલે પણ નેઈલ પોલિશ અથવા સ્ટેઇન રીમુવર જ પીતી. અઠવાડિયે સાતેક ગેલન (આશરે ૨૬ લિટર) જેટલું લિક્વિડ બર્થાના પેટમાં પહોંચી જતું! બર્થાનું કહેવું હતું કે આ લિક્વિડ પીતી વખતે એને સરસ મજાનું હુંફાળું દૂધ પીતી હોય એવો અનુભવ થતો. અને એની સુગંધ… ઉફ્ફ, ક્યા કહેને! બોલો, હવે આ બહેનને કઈ રીતે સમજાવવા કે આ બધા સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતા કેમિકલ્સ શરીરના આંતરિક અવયવો માટે કેટલા હાનિકારક હોય છે. અને હા, બર્થા એકલી નથી જેને નેઈલ પોલિશ ગટગટાવવાનો શોખ હોય, એવા બીજા અનેક લોકો છે જે વરસે દહાડે સેંકડો લિટર નેઈલ પોલિશ ગટકી જાય છે!
તમે કદી પેગોફેજીયા (ઙફલજ્ઞાવફલશફ) નામક રોગનું નામ સાંભળ્યું છે? ગરમીની ઋતુમાં કે પછી કોઈક વાર જસ્ટ ફોર અ ચેઈન્જ, બરફનો ઠંડોગાર ગાંગડો ચૂસવાનો બધાને ગમે. પણ ઘણા લોકોને એનું ય વ્યસન થઇ જાય છે! આવા લોકો ‘આઈસ ઈટર’ તરીકે કુખ્યાત છે. ડોક્ટર્સ કમ્પલ્ઝીવ આઈસ ઈટિંગને એક બીમારી ગણે છે, જેનું નામ છે પેગોફેજીયા. આવા લોકોને મોટે ભાગે લોહતત્ત્વની ઉણપથી થતા એનિમિયાની તકલીફ હોય છે. આ પ્રકારના એનિમિયાને કારણે દર્દીને બરફનો ટુકડો ચૂસવા માટે રીતસરનું ક્રેવિંગ થતું હોય છે! જો કે આ પ્રકારના દર્દીઓ સમાજમાં ભાગ્યે જ જોવા મળે. જો કે બરફ ચૂસવો, એ તો પ્રમાણમાં બહુ નિર્દોષ આદત કહેવાય. કેમકે એક સ્ત્રીને તો લોહી ચૂસવાની – ચૂસવાની શું, રીતસર ગટગટાવવાની ટેવ છે! ડ્રેક્યુલાની વંશજ હોય એવો શોખ પાળનારી ટેટુ આર્ટિસ્ટ મિશેલને રોજ સવારે ‘બેડ ટી’ તરીકે કોઈ પશુના બ્લડથી ભરેલો ગ્લાસ ગટગટાવવા જોઈએ! ૧૯ વર્ષની હતી, ત્યારથી એને આ ટેવ વળગી છે. ગૌવંશનું લોહી એને બહુ ભાવતું નથી, એની સરખામણીએ ડુક્કરનું સહેજ સોલ્ટી એવું લોહી મિશેલને વધુ ભાવે! ખરી વિચિત્ર બાબત તો એ છે કે મિશેલને હવે વારંવાર મનુષ્યનું લોહી પીવાની ઈચ્છા ય થઇ આવે છે! હવે આવા લોકોને તો કહેવુંય શું?!
આવા તો કેટલાય ભેજાગેપ લોકો આપણી આસપાસ વસે છે. સ્ટીવ એથરવુડ આ લિસ્ટને લંબાવતા લખે છે કે કેલિફોર્નીયામાં વસતી નતાશા નામની ૪૦ વર્ષની સ્ત્રીને સૌંદર્યપ્રસાધન તરીકે ચહેરા પર ચોપડવામાં આવતા ક્લે માસ્ક (દાખલા તરીકે મુલતાની માટી) ખાવાની આદત પડી ગઈ છે! નતાશાને લાગે છે કે માટીના આ ફેસપેક (અથવા ફેસ માસ્ક) એના મગજના પારાને હાઈ થતો અટકાવે છે! બોલો, ગુસ્સો આવતો રોકવા માટે તમે આ પ્રકારનો ‘ઈલાજ’ ક્યાંય સાંભળ્યો છે?! છેલ્લાં સાતેક વર્ષથી નતાશા દૈનિક ક્રમ મુજબ ભોજન સાથે ક્લે માસ્ક પણ – કોઈ વાનગી હોય એ રીતે – આરોગે છે. ક્યારેક તો જમવાનો મૂડ ન હોય ત્યારે નતાશા માત્ર ક્લે માસ્ક આરોગીને જ પેટ ભરી લે છે! હવે તો નતાશાના નાના બાળકને ય કોઈ કોઈ વાર મમ્મીની પ્રિય વાનગી આરોગવાની મોજ પડવા માંડી છે. બોયફ્રેન્ડે અનેક વખત દબાણ કર્યું એ પછી છેલ્લાં સાત વર્ષો દરમિયાન સેંકડો કિલોગ્રામ જેટલી માટી આરોગી ગયેલી નતાશાએ ડોક્ટર પાસે ચેક અપ કરાવ્યું. આશ્ચર્યજનક રીતે એના તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. તેમ છતાં ભવિષ્યમાં કોઈ જાતના આંતરિક ઇન્ફેકશનથી બચવા માટે ડોક્ટરે નતાશાને માટી ખાવાની ના પાડી છે.
…અને હવે સૌથી વિચિત્ર કિસ્સો. કેસી નામની એક સ્ત્રી પોતાના બોયફ્રેન્ડને દસ મહિના સુધી ડેટ કર્યા બાદ પરણી જાય છે. ફિલ્મી કથા જેવું રોમેન્ટિક જીવન સફળતાથી પસાર થઇ રહ્યું હતું, ત્યાં કાળનો ફટકો વાગ્યો અને કેસીનો પતિ કોઈક કારણોસર મૃત્યુ પામ્યો. કેસી માટે આ આઘાત અસહ્ય હતો, છતાં એ જીરવી ગઈ. બસ, એના જીવનમાં એક વિચિત્ર પરિબળ ઉમેરાઈ ગયું. અને આ પરિબળ એટલે પતિના મૃતદેહની રાખને ખાતા રહેવાની ટેવ! જી, સાંભળીને ય કમકમા આવી જાય અને અઘોરીઓ ય બે ઘડી છોભીલા પડી જાય એવી ટેવ એક નોર્મલ ગૃહિણી ગણાતી કેસીને પડી ગઈ! એણે એક પ્લાસ્ટીકના ડબ્બામાં પતિની રાખ ભરી રાખવાનું શરૂ કર્યું. ડબ્બા ઉપર પતિનો સરસ મજાનો ફોટો ય ચોંટાડ્યો, જાણે અદ્દલ કોઈ ફૂડ ક્ધટેઇનર જ જોઈ લો! પછી તો કેસી જ્યાં જાય ત્યાં એ ડબ્બો સાથે લઇને જ જાય. એટલું જ નહિ પણ દિવસમાં પાંચ-છ વખત એ ડબ્બા ઉઘાડીને એમાંથી થોડી થોડી રાખનું ‘સેવન’ કરતી જાય. કોઈક વખત ખાદ્ય પદાર્થોમાં ભેળવીને, તો કોઈ વખત સીધી આંગળી ચાટીને કેસી આ શોખ પૂરો કરે! આપણા જેવા સામાન્ય માણસોને કદાચ આ બધું જુગુપ્સાપ્રેરક લાગે, પણ આ ટેવ હવે કેસીનું રૂટિન બની ચૂકી છે. આ રીતે મૃત હસબંડને રોજ થોડો થોડો પેટમાં પધરાવીને કેસી પતિ સાથેની નિકટતાનો અનુભવ કરે છે!
અહીં પ્રશ્ર્ન એ છે કે શું માણસનું પોતાના જીવનસાથી સાથેનું ભાવનાત્મક જોડાણ એટલું મજબૂત હોઈ શકે, કે જીવનસાથીના મૃત્યુ બાદ એની રાખ પેટમાં પધરાવે? કે પછી આ આખી બાબત પતિના મૃત્યુ પછી એકલી પડી ગયેલી કેસીના ગંભીર ડિપ્રેશનને દર્શાવે છે? અને માત્ર કેસી જ શું કામ? ફોર ધેટ મેટર, આ લેખમાં જેમનો ઉલ્લેખ કર્યો, એ તમામ ભળતીસળતી વાનગીઓના ‘શોખીન’ લોકો પોતાના અંગત જીવનના ડિપ્રેશન કે તણાવથી બચવા માટે આવી વિચિત્ર આદત પાળી બેઠા હશે?! નતાશાને મગજ ઠંડું રાખવામાં બીજો કોઈ ઉપાય ન જડ્યો?! માણસને કોઈ પણ પ્રકારની આદત કયા કારણોસર પડતી હશે, એ સાયકોલોજીને લાગતો મોટો કોયડો છે. પણ આપણે જે સમાજમાં રહીએ છીએ, એ સમાજની મર્યાદાઓ આપણને સહુને સારી પેઠે ખબર છે. જીવનમાં મોટે ભાગે એવું બને છે કે જ્યારે માણસ કોઈ આંતરિક સંઘર્ષમાંથી પસાર થતો હોય, એવા સમયે એને નૈતિક સથવારો આપવાને બદલે મોટા ભાગનો સમાજ જાણ્યે-અજાણ્યે એને અડચણરૂપ બનતો હોય છે. પછી એક સમય એવો આવે કે પેલો સંઘર્ષરત વ્યક્તિ પોતાની હતાશા અને નિરાશાને દૂર ધકેલવા માટે અમુક સાચી/ખોટી આદતો પાળી બેસે છે. કોઈ નસીબદાર વ્યક્તિ યોગ-ધ્યાન તરફ વળી જાય અને આંતરિક મજબૂતી કેળવી લે. જ્યારે સહેજ નબળા મનના લોકો નશાબાજ બની જાય, અથવા ઉપર ઉદાહરણો જણાવ્યા, એવી કોઈ વિચિત્ર ટેવ પાળી બેસે! કોઈક વળી હતાશામાં એવા સરી પડે કે ઠેઠ મૃત્યુની સન્મુખ જઈને ઊભા રહે!
અહીં વિચિત્ર ફૂડ હેબિટ્સ ધરાવતા જે લોકોની વાત કરી, એમની ખરી સમસ્યા શું છે, એ જાણીને સમયસર ઉપચાર થયો હોત, તો આ નોબત કદાચ ન આવી હોત. એની વે, જગતમાં ભાત ભાત કે લોગ વસે છે… ઔર સબકી એક કહાની હૈ! એકલા બેસીને વિચારીએ તો આપણે બધા ય ઉપરથી દેખાઈએ છીએ એટલા ‘નોર્મલ’ તો નથી જ ને?!