Homeપુરુષપુરુષ હોવું એટલે વ્યસન કરવું જ એવું ક્યાંય નથી લખ્યું

પુરુષ હોવું એટલે વ્યસન કરવું જ એવું ક્યાંય નથી લખ્યું

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આપણે ત્યાં તો ઝાઝી ચહલપહલ નહીં હોય, પરંતુ પરમ દિવસે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવાશે. આ પુરુષ દિવસે પુરુષોની સમસ્યા, તેમના પ્રશ્ર્નો કે તેમની સંવેદનશીલતા બાબતે ઓછું અને તેમની પાસેની અપેક્ષાઓ બાબતે વધુ ચર્ચાઓ થશે અથવા તેમના પર મીમ્સ વધુ બનશે, પરંતુ એક પુરુષ તરીકે આપણે આ દિવસે આપણી જાતને થોડા પ્રોમીસ આપવાના છે કે ભાઈ, પિતા, પતિ કે પુત્રની આખી પ્રક્રિયામાં પુરુષના જે પુરુષત્વને ખોટી રીતે વ્યાખ્યાયિત કરાયું છે એ વ્યાખ્યાને આપણે સમયાંતરે તોડતા રહીશું અને પુરુષ એટલે આમ જ કે પુરુષથી આમ ન જ થાય એવી કોઈએ ઘડી કાઢેલી મિથને તોડી નાખીશું.
પુરુષ માત્ર કઠણ હોય એવું નથી હોતું. પુરુષ પોચટ પણ હોઈ શકે છે અને પુરુષ ક્યારેક તૂટી પણ શકે છે, પરંતુ તૂટી જવાની ક્ષણે જો તેણે કઠણ હોવાનો ડોળ કરવો પડે તો એ પુરુષત્વ નથી. પુરુષત્વને રડી શકવા સાથે કે ભાવુક થઈ શકવા સાથે કોઈ નિસ્બત નથી. પણ જો ભાવુક થવાની ક્ષણે આપણે ભાવુક નહીં થઈશું તો આપણું પુરુષત્વ ઋજુતાના ભાવ સાથે ક્યારેય તાલમેલ નહીં મિલાવી શકે અને એવું કરવું એ આપણી જાત સાથેની છેતરપિંડી છે. આપણે એ પણ શીખવાનું છે કે ક્રૂરતા અને પુરુષત્વને કોઈ નિસ્બત નથી. પુરુષ હોય એ ક્રૂર હોઈ શકે એવી માનસિકતા આપણે ત્યાં ઘડી દેવામાં આવી છે, પરંતુ આપણે આપણા વર્તન દ્વારા અને કેટલીક વાર આપણા શબ્દો દ્વારા એ સાબિત કરતા રહેવું પડશે કે પુરુષ અને ક્રૂરતા એકબીજાના પર્યાય નથી. જેથી જ્યારે પણ ક્યાંક ડોમેસ્ટિક વાયોલન્સના કે દહેજના ખોટા કેસ બને છે ત્યારે પુરુષ સાથે પુરુષ હોવાને કારણે દુર્વ્યવહાર ન થાય. પુરુષને સાંભળવામાં આવે અને પછી જો તેની ભૂલ હોય તો યોગ્ય ન્યાય તોળવામાં આવે.
આપણે એ પણ યાદ રાખવું પડશે કે પરિવારની જવાબદારીની સાથોસાથ આપણે માટે આપણી જાત પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે. આપણે પણ બીમાર પડી શકીએ છીએ અને ખાસ તો આપણને માનસિક બીમારીઓ થઈ શકે છે. એટલે ક્યારેય આપણા સ્ટ્રેસને આપણી વ્યથાઓને કે આપણા પડકારોને રૂટિન ન માની લેવું. આપણી અંદર જરા સરખો ફેરફાર થાય ત્યાં એના નિરાકરણના પ્રયત્નો આદરવા. શું ખબર આપણી અંદરનો એક નાનકડો ફેરફાર સમય જતાં મોટો થાય અને આપણને એકલતા અને વિષાદ તરફ દોરી જાય અને આપણને આપણું અસ્તિત્વ અર્થહીન લાગવા લાગે? આપણું અસ્તિત્વ આપણને અર્થહીન ન લાગે એ માટે બીજું કોઈ ક્યારેય પ્રયત્નશીલ નથી રહેવાનું. એ માટે આપણે જ મથામણો કરતા રહેવું પડશે.
આપણે એ પણ નથી ભૂલવાનું વ્યસન એ આપણી મર્દાનગીનો ભાગ નથી. પુરુષ હોવું એટલે વ્યસન કરવું જ એવું ક્યાંય નથી લખ્યું. માવા ચાવીને વાતો કરવી કે ઓવર ડ્રિંક કરવાથી આપણે ક્યારેય પૌરુષત્વનું પ્રદર્શન કરી શકવાના નથી. બલ્કે આપણે કાળક્રમે ક્ષીણ થતાં જઈશું અને એ ક્ષીણતા આપણને મોટી બીમારીઓ અનેક આર્થિક પ્રશ્ર્નો અને કૌટુંબિક સમસ્યાઓ તરફ દોરી જશે. એટલે આપણે વ્યસનના દુષ્પરિણામોની ગંભીરતા વિશે સજાગ રહેવાનું છે. જેથી આપણે વ્યસનના ખપ્પરમાં હોમાઈ ન જઈએ. તો સાથે જ આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણે બહારની જવાબદારીઓ નિભાવીએ છીએ કે ઘર માટે બ્રેડ વિનર છીએ એટલે આપણું કર્તવ્ય પતી નથી જતું. ઘરમાં કે ઘરનાં અમુક કામોમાં આપણું ઈન્વોલ્વમેન્ટ એટલું વાજબી છે, જેટલું આપણે બહાર યોગદાન આપીએ છીએ. એટલે જ આપણાં વાસણો ઊંચકવામાં કે ક્યારેક ઘરની કોઈ સફાઈ કરવામાં આપણને છોછ ન હોવો જોઈએ. એમાં કોઈ મર્દાનગીનો ભંગ નથી થતો. અર્ધાંગિનીની સહાય કરવી જ મર્દાનગી છે. આખરે પુરુષ એટલે માત્ર કઠણ નહીં. એ જ રીતે પુરુષ એટલે માત્ર ઋજુ પણ નહીં.
હેપી ઈન્ટરનેશન મેન્સ ડે.

RELATED ARTICLES

Most Popular