Homeપુરુષસારા પિતા બનવા સંતાનો માટે સમય આપવો આવશ્યક છે

સારા પિતા બનવા સંતાનો માટે સમય આપવો આવશ્યક છે

ફોકસ-રાજેશ યાજ્ઞિક

અમારા બિલ્ડીંગમાં માત્ર એક વર્ષની એક બાળકી છે. તેના પિતા કામથી ઘરે આવે ત્યાં સુધીમાં લગભગ અગિયારેક વાગી ગયા હોય. પણ પેલી બાળકી જાગતી હોય. તેના પિતા આવે એટલે ખુશખુશાલ થઇ જાય. હજી બોલતા તો આવડતું ન હોય, એટલે કાલીઘેલી ચીસો પાડીને ખુશી વ્યકત કરે અને તાળીઓ પાડવા લાગે. પિતાના આવવાની ખુશી તરત તેના ચહેરા અને વર્તનમાં પ્રતિબિંબિત થાય. એટલું જ નહીં, ગાડીમાં પિતા સાથે બહાર ગઈ હોય તો જ્યાં સુધી પિતા ગાડી બંધ કરીને તેની સાથે ચાલવા ન લાગે ત્યાં સુધી તે ત્યાં જ ઉભી રહે, માતા સાથે આગળ ચાલે પણ નહીં. ક્યાંક પપ્પા પાછા તો નહીં ચાલ્યા જાય!! જો એક વર્ષની બાળકી પણ પોતાના પિતાના આગમન અને હાજરીને આટલું મહત્વ આપતી હોય તો બાળકો માટે પિતાની હાજરી કેટલી આવશ્યક હશે તે આપણને આમાંથી સમજાય છે.
ગયા અંકમાં આપણે જોયું કે પિતાના હોવા કે ન હોવાની બાળકો ઉપર શું અસર પડી શકે છે. પિતા બનવું આસાન નથી. સંતાનો પ્રત્યે પિતાની જવાબદારી માતા જેટલી જ હોય છે, ભલે પછી સંતાનોના ઉછેરમાં બંનેની ભૂમિકા અને કર્યો થોડા અલગ કેમ ન હોય. પણ માતાની જેમ પિતા પણ એક ફુલટાઇમ જોબ છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમારા સંતાનની ઉંમર શું છે અથવા તમારે કેટલા બાળકો છે, પણ આજના આધુનિક પિતાએ એ વાત સમજવી પડશે કે તેમણે પિતા હોવાને નાતે તેમની ફરજ નિભાવવા બાળક માટે હાજર રહેવું પડશે.
પિતાએ બાળકો માટે હાજર રહેવું એટલે શું? માત્ર નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવી, અથવા શૈક્ષણિક કે કાયદાકીય કાગળિયાઓમાં સહી કરવા પિતા હાજર રહે તેમ નહીં, પરંતુ જયારે બાળકને પિતાની જરૂરિયાત હોય ત્યારે હાજર રહેવું, ઉપરાંત બાળકની સાથે પૂરતો સમય વિતાવવો જેથી બાળકને તેના જીવનમાં માતાની જેમ જ પિતાની હાજરીની ખોટ ન સાલે. તો શું કરવું જરૂરી છે આ માટે?
૧. પોતાના બાળકો માટે સમય ફાળવો
બાળકોને એ વાતે કોઈ ફરક નથી પડતો કે તમે તમારી કંપનીમાં કેટલા ઊંચા હોદ્દા ઉપર કામ કરો છો અથવા તમે કોઈ સેલિબ્રિટી છો કે તમારા માથે દેશ-દુનિયાની જવાબદારી છે; બાળકને માટે તો તમે તેના પિતા છો, જેની સાથે તે સમય વિતાવવા માંગે છે. બાળકને તો સાંજ પડે તેના પિતા ઘરે આવે છે કે નહીં? રવિવારે તેમની સાથે રમે છે કે નહીં? અથવા પોતાની સાથે કાર્ટૂન ફિલ્મ જોવા બેસે છે કે નહીં? તેનાથી મતલબ હોય છે. એક સારા પિતા બનવા તમારે તમારા બાળક માટે રોજ થોડો સમય અલાયદો કાઢવો પડશે, અને જો તમે વધારે પડતા વ્યસ્ત હો ટી અઠવાડિયે એક વાર?
– જેમ કામનું એક શિડ્યુલ બનાવો છો, તેમ બાળક સાથે સમય વીતાવવાને તમારા શિડ્યુલનો એક ભાગ બનાવી લો. કોઈ ચોક્કસ દિવસે જો બાળકને તમારી સાથે સમય વિતાવવો ગમતો હોય તો તે દિવસે વિશેષ ધ્યાન આપો.
– એક કરતાં વધુ બાળક હોય તો દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવા સમય પણ કાઢવો જરૂરી છે જેથી તેમની સાથે એક ગહન સંબંધ સ્થાપિત કરી શકો.
– જો ઠામે થાકેલા હો અને બહાર જઈને રમી ન શકો તો પણ ઘરમાં બેસીને તેમની સાથે કોઈ રમત રમવી કે કોઈ રમત આધારિત ફિલ્મ જોવી જેવી પ્રવૃત્તિઓ જેમાં તમે તમારી ક્ષમતા સાથે બાળક માટે હાજર હો, કરવા પ્રયત્ન કરો.
૨. શું બાળકની યાદગાર પળોમાં તમે તેની સાથે
હો છો?
બાળક માટે “ફાધર્સ ટાઈમ” આપવો બહુ જરૂરી છે. તમારા બાળકનો શાળામાં પહેલો દિવસ હોય, કોઈ સ્પર્ધામાં બાળક પહેલીવાર ભાગ લઇ રહ્યું હોય, અથવા દીકરો કે દીકરી સ્નાતક સમારંભમાં હાજરી આપવાની હોય.
બાળકોને આ યાદગારો ક્ષણોમાં તમારી હાજરી જીવનભર યાદ રહેશે. બાળક માટે તેનું ખુબ મહત્વ હોય છે. જયારે તમારું બાળક કોઈ માઈલસ્ટોનને સ્પર્શી રહ્યું હોય તે સમયે જો તમે તમારી વ્યસ્તતામાં ગુમાવ્યો તો પછી તમે જીવનભર તેના માટે પસ્તાશો.
૩. બાળકોને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવો
મોટેભાગે બાળકને શીખવવાની જવાબદારી માતા ઉપર છોડી દેવાય છે. સવારે ઉઠવા થી રાત્રે ઊંઘવા સુધીની દિનચર્યામાં બાળકોને તમે શું શીખવ્યું? અથવા શું શીખવી શકો? તેવો વિચાર કોઈ દિવસ કર્યો છે?
બાળકોને સવારે અને રાત્રે બ્રશ કરતાં શીખવવું, બાળક નાનું હોય ત્યારે તેને નવડાવવું અને પછી જાતે નહાતા શીખવવું, જાતે બાથરુમ જવા અને સાફ કરતા શીખવવું જેવા કાર્યોમાં તમે બાળક સાથે સામેલ થઇ શકો છો. તમારા સંતાનને સાયકલ ચલાવતા શીખવી શકો, મોટા થાય ત્યારે મોટરસાયકલ કે ગાડી ચલાવતા પણ શીખવી શકો છો. આ રીતે સંતાનો સાથે તમારી વાતચીત અને મિત્રતા વધશે, અને સંતાનો પણ તમારી સકારાત્મક હાજરી અનુભવી શકશે.
દીકરો યુવાન થાય ત્યારે દાઢી કરતા શીખવો, પહેરવેશમાં પ્રસંગો પ્રમાણે પહેરવેશમાં કેવા બદલાવ કરવા તેની ચર્ચા કરો, આવું કરવાથી બાળક તમારી સાથે તેની વાતો શેર કરતા શીખશે
બાળકોને તેમની ભૂલોમાંથી શીખવામાં મદદ કરો. જો તેઓ કંઈક ખોટું કરતા હોય તો તેમને વઢવા – મારવાથી બહેતર એ જાણવાની કોશિશ કરો કે તેમણે એવું શામાટે કર્યું? અને તેમની સાથે વાત કરો કે ભવિષ્યમાં એ ભૂલ ફરી ન થાય તેના માટે તેમણે શું કરવું જોઈએ.
૪. બાળકો સાથે મજબૂત સંપર્ક સ્થાપિત કરો
રાત્રે કામ પરથી પાછા આવ્યા બાદ, આજનો દિવસ કેવો ગયો? તેનો સંવાદ પણ બાળકો સાથે કરવાથી પિતા અને બાળક વચ્ચે સંવાદનો સેતુ રચાય છે. કિશોરાવસ્થામાં કે યુવાનીમાં પ્રવેશેલા સંતાનો કદાચ બધીજ વસ્તુઓ ઉપર તમારી સાથે વાત ન પણ કરવા માંગે તો પણ રોજ નહીંતો ક્યારેક ડિનર ટેબલ પર, ટીવી જોતાં જોતાં તેમની સાથે “બધું બરાબર ચાલે છે ને?”, કોઈ મુશ્કેલી તો નથી? શાળા કે કોલેજમાં થતાં અનિચ્છનીય બનાવો છાપામાંથી ટાંકીને આવું કાંઈ બને તો “તું અચકાયા વિના મને કહી શકે છે.” તેવો ભરોસો આપો, નિષ્ફ્ળતા મળે તો પણ નિરાશ ન થઈને કે તેના ઉપર ગુસ્સો કરવાને બદલે “જીવનમાં આવો સમય તો આવે, પણ આપણી મહેનતથી સફળતા મળશે. ચિંતા ન કર.” તેવો ભરોસો આપો. સંતાનોને સમજણ પૂર્વક કોઈ પણ સંજોગોમાં હતાશ થયા વિના મહેનત કરતા રહેવાની સલાહ આપો અને જરૂર પડે તમે તેની સાથે ઉભા છો અને રહેશો તેવો ભરોસો આપો.
બાળકને એવું લાગવું જોઈએ કે મારા પિતાને કોઈ પણ ખચકાટ વિના કહી શકાય છે અને તેઓ મારી પડખે ઉભા છે. ટૂંકમાં બાળકને એવું લાગવું જોઈએ કે કોઈ તેમની પરવાહ કરે છે. પિતા અને સંતાન વચ્ચે મજબૂત સંપર્કનો સેતુ સ્થપાય તે માટેની પહેલ અને પ્રયત્ન પિતાએ કરવાનો રહે છે.
૫. સંતાનો સાથે પ્રવાસ કરો
કહેવાય છે કે પ્રવાસ દરમ્યાન એકમેક ને જાણવાનો સૌથી સારો મોકો મળે છે. તમે પત્ની સાથે અથવા તેના વિના પણ બાળકો સાથે નાના નાના પ્રવાસો નું આયોજન કરો. કોઈ સમુદ્ર કિનારે, કોઈ પર્વતના ટ્રેકિંગ પર કે કોઈ તીર્થસ્થળ, જેવા કોઈપણ સ્થળે; પણ સંતાનો માટે તે પ્રવાસ યાદગાર અને આનંદદાયક બને તેનો પૂરો પ્રયાસ કરો. તમારા સંતાનો વર્ષો સુધી આ અનુભવોને ખુબ પ્રેમથી યાદ કરશે.
આ તો થઇ બાળક માટે હાજર રહેવાની વાત. એક સારા પિતા બનવા પુરુષે બીજું શું કરવું જોઈએ? તેની ચર્ચા આગળ ચાલુ રાખીશું. ત્યાં સુધી યુવાન પિતાઓ જે આ વાંચી રહ્યા છે તે આમાંથી કોઈ મુદ્દાને અમલમાં મૂકીને સારા પિતા બનવાની દિશામાં પોતાના કદમ માંડવાનો પ્રયત્ન તો કરી જુઓ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular