Homeવેપાર વાણિજ્યવિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનું રૂ. 574 ઘટીને રૂ. 59,000ની અંદર, ચાંદી...

વિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનું રૂ. 574 ઘટીને રૂ. 59,000ની અંદર, ચાંદી રૂ. 249 ઘટી

આજે સમાપન થતી ફેડરલની બેઠક પર રોકાણકારોની નજર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે મોડી સાંજે સમાપન થનારી નીતિવિષયક બેઠક પર રોકાણકારોની નજર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ આસપાસ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 572થી 574નો ઘટાડો આવ્યો હતો, જેમાં 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાએ 10 ગ્રામદીઠ રૂ. 59,000ની સપાટી ગુમાવી હતી. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 249નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક ચાંદીમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 249ના ઘટાડા સાથે રૂ. 68,250ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજારના ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા મધ્યસત્ર દરમિયાન 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 572ના ઘટાડા સાથે રૂ. 58,379 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 574ના ઘટાડા સાથે રૂ. 58,614ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ગુડી પડવા અને પ્રવર્તમાન લગ્નસરાની મોસમને કારણે સોનામાં રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા ખાતે બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી સપાટીને ખાળવા માટે ઑથૉરિટીઓએ અમુક અંશે બાંયધારી આપી હોવા છતાં કટોકટી વણસવાની ચિંતા રોકાણકારોને સતાવી રહી છે. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને ખાળવા માટે આજે સમાપન થનારી બેઠકમાં કેવો અભિગમ અપનાવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતી અપનાવતા હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ જ અનુક્રમે ઔંસદીઠ 1940.20 ડૉલર અને 1940.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકા ઘટીને ઔંસદીઠ 22.33 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે ફેડરલની બેઠક પશ્ર્ચાત્ યોજાનારી પત્રકાર પરિષદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. જોકે, બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા છે, જ્યારે બજારનો બહુ થોડો વર્ગ વ્યાજદર યથાવત્ રાખે તેવું અનુમાન ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -