(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકાના જીડીપીના ડેટા બજારની અપેક્ષા કરતાં સારાં આવ્યા હોવાથી આજેવિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્ન્ઝમ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટા પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગઈકાલની પ્રજાસત્તાક દિનની જાહેર રજા બાદ ખાસ કરીને ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 456નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 75થી 76નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ગઈકાલની રજા બાદ ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગ અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 456 વધીને ફરી રૂ. 68,000ની સપાટી પાર કરીને રૂ. 68,350ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ રહેતાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 75 ઘટીને રૂ. 56,834 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76 ઘટીને રૂ. 57,062ના મથાળે રહ્યા હતા.
વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકગાળામાં અમેરિકાના જીડીપીમાં બજારની અપેક્ષા કરતાં સારી વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક વધારાની ગતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું. તેમ જ આજે મોડી સાંજે જાહેર થનારા પીસીઈ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા ઘટીને ઔંસદીઠ 1923.33 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 1923 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.6 ટકા ઘટીને ઔંસદીઠ 23.76 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સોનામાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 76નો ઘટાડો, ચાંદી રૂ. 456 વધી
RELATED ARTICLES