કોઈ વ્યક્તિ વિશે ખરાબ અભિપ્રાય બાંધી લેતાં પહેલાં પૂરી વાત જાણી લેવી જોઈએ

ઉત્સવ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

વર્ષો અગાઉ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાના મધ્યમ વર્ગીય કુટુંબની એક યુવતીએ મને કોલ કરીને કહ્યું કે મારે ભણવું છે, પણ મારાં માતા-પિતા મને પરણાવી દેવા માગે છે. તેઓ કહે છે કે તારી ઉંમર થઈ ગઈ એટલે આ વર્ષે તો તારાં લગ્ન કરાવી જ દેવાં પડે.
તે યુવતી વાત કરતાં કરતાં રડી પડી. મેં તેને કહ્યું કે તું ચિંતા ન કર. આપણે કશોક રસ્તો કાઢીએ. મેં તેને કેટલાક મિત્રોની મદદથી થોડી મદદ કરી. જોકે એમ છતાં તે વિદ્યાર્થિનીને જરૂર હતી એટલા રૂપિયા એકઠા ન થયા. એટલે મેં તેને કહ્યું, તું રાજકોટ જા અને મારા એક પત્રકાર મિત્ર છે તેમને મળજે. હું તેમને કોલ કરી દઉં છું. તેઓ તને મદદ કરશે. મેં મારા તે પત્રકાર મિત્રને વિનંતી કરી.
તે પત્રકાર મિત્રએ તે યુવતીને પોતાના મિત્રવર્તુળમાંથી આર્થિક સહાય તો અપાવી જ, પણ વ્યક્તિગત રીતે પણ તે યુવતીને મદદ કરી અને રાજકોટના કેટલાક સામાજિક કાર્યકરોને કહ્યું કે આ દીકરીને આગળ ભણવા માટે આપણે મદદ કરવાની છે અને તેના કહેવાથી અનેક સામાજિક કાર્યકરોએ તે યુવતીને આર્થિક સહાય કરી.
તે યુવતી મારા પત્રકાર મિત્રને મળીને આવી પછી તેણે મને કોલ કર્યો અને ગદ્ગદ સ્વરે કહ્યું કે મેં તે સરને કહ્યું કે હું ભણીગણીને નોકરીએ વળગીશ એટલે પહેલું કામ આ બધાના પૈસા ચૂકવવાનું કરીશ. એ વખતે તે સરે મને કહ્યું કે તું ભણીગણીને આગળ વધે એટલે બધું ચૂકવાઈ ગયું એમ માનજે અને ભવિષ્યમાં તારા જેવી બીજી કોઈ વ્યક્તિને મદદ કરજે! તે સર મને ભગવાન જેવા લાગ્યા!
એ જ પત્રકાર મિત્રને મેં અન્ય એક પરિચિત વ્યક્તિની એક સમસ્યા ઉકેલવા માટે મદદરૂપ થવાની ભલામણ કરી હતી. તે વ્યક્તિએ મારા પત્રકાર મિત્રને કોલ કર્યો ત્યારે પત્રકાર મિત્રએ કહ્યું કે ‘મને કાલે સવારે કોલ કરજો. અત્યારે સાંજનો સમય છે અને હું ઑફિસના કામમાં થોડો વ્યસ્ત છું.’
એ પછી બીજે દિવસે પેલી પરિચિત વ્યક્તિએ મારા પત્રકાર મિત્રને કોલ કર્યો તો તેમના નંબર પર રિંગ વાગતી હતી. મારા પત્રકાર મિત્ર તરફથી રિપ્લાય ન મળ્યો એટલે તે વ્યક્તિએ બીજી વાર કોલ કર્યો તો આ નંબર સ્વિચ્ડ ઓફ છે એવો રેકોર્ડેડ મેસેજ સાંભળવા મળ્યો. એટલે તે પરિચિત વ્યક્તિએ પછી મને કોલ લગાવીને આક્રોશ વ્યક્ત કર્યો કે તમારા આ ભાઈબંધને મારું કામ ન કરવું હોય તો ના પાડી દે, પણ આ રીતે કોલ રિસીવ ન કરીને તેને મારું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. હવે તેઓ ફોન બંધ કરીને બેસી ગયા છે. તેઓ ગઈ કાલથી મને રમાડે છે!
એ પછી તેણે સૌરાષ્ટ્રના ઘણા માણસો ત્રાગાં કરતા હોય છે એ રીતે કહ્યું, મારા નસીબમાં જે થવાનું હશે એ થશે, પણ હવે આ માણસનું નામ મારી સામે ક્યારેય લેતા નહીં. અમે કંઈ વધારાના નથી. આવા, પોતાની જાતને રાવણ કે તીસમારખાં સમજતા માણસો સાથે મને નહીં ફાવે!
મેં તે વ્યક્તિને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું, ‘ભાઈ, તમે થોડી ધીરજ રાખો. તે પત્રકાર મારા દાયકાઓ જૂના મિત્ર છે. હું તેમને બરાબર ઓળખું છું. તેઓ કોઈ અગત્યના કારણથી કોલ રિસીવ નહીં કરી શક્યા હોય.’
જોકે તે પરિચિત વ્યક્તિ કશું સાંભળવાના મૂડમાં નહોતી. તેણે દલીલ કરી કે ‘હમણાં મારા બદલે મુખ્ય પ્રધાને કોલ કર્યો હોત તો તેણે ઉપાડ્યો જ હોતને? આવા લેભાગુ માણસોને હું બરાબર ઓળખું છું!’
તેમના એવા શબ્દોથી મને થોડો ગુસ્સો આવી ગયો, છતાં મેં સંયમ જાળવીને કહ્યું, ‘હું તમને થોડી વારમાં કોલ કરું છું.’
એ પછી મેં તપાસ કરી ત્યારે ખબર પડી કે મારા પત્રકાર મિત્રની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા!
એક જ માણસ એક વિદ્યાર્થિનીને ભગવાન સમો લાગ્યો હતો અને બીજી એક વ્યક્તિને લેભાગુ લાગ્યો હતો!
સાર એ છે કે કોઈ વ્યક્તિ વિશે ખરાબ અભિપ્રાય બાંધી લેતાં અગાઉ પૂરી વાત જાણી લેવી જોઈએ. સામેવાળી વ્યક્તિના સંજોગો જાણ્યા વિના તેના પર દોષારોપણ કરવું યોગ્ય ન ગણાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.