પોતાની કોમેડીથી બધાને હસાવનાર બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર બોલિવૂડમાં સોંપો પડી ગયો છે. ફિલ્મોમાં કામ કરવું અને સફળતા મેળવવી એટલી સહેલી બાબત નથઈ, ખાસ કરીને તમે જ્યારે નોન-ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી આવતા હો. સતીશ કૌશિક પણ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હતા. સંઘર્ષ કરીને અવ્વલ મુકામે પહોંચવા માટે તેમણે પણ ઘણા પાપડ વણવા પડ્યા હતા. આંખમાં ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાના સપના આંજીને આવેલા સતીશ કૌશિકે એક સમયે ટકી રહેવા માટે કેશિયર તરીકે પણ કામ કરવું પડ્યું હતું, પરંતુ તેમણે તેમના સપનાનો પીછો કરવાનું છોડ્યું નહોતું.
1979ની સાલની આ વાત છે. સતીશ કૌશિક ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. પરંતુ તેમની સફર એટલી સરળ નહોતી. મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મોમાં તો તરત કામ મળે એવું હતું નહીં. એ સમયે ખિસ્સા ખાલી હોવાને કારણે સ્ટેશન પર રાત પસાર કરીને પણ તેમણે દિવસો કાઢ્યા હતા. ખઆધાખોરાકીનો ખર્ચ કાઢવા માટે સતીશે એક જગ્યાએ કેશિયર તરીકે નોકરી સ્વીકારી હતી. તેમને મહિને 400 રૂપિયા મળતા હતા. જ્યાં તેઓ સવારે કામે જતા હતા. કામ પરથી પાછા આવ્યા બાદ તેઓ સીધા જ પૃથ્વી થિયેટરમાં પહોંચીને નાટકોમાં કામ કરતા હતા. અહીંથી જ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કમાં આવવા લાગ્યા.
સતીશ કૌશિકે તેમની કારકિર્દી સહાયક અભિનેતા તરીકે શરૂ કરી હતી. પછી તેમણે ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. તેમની પ્રથમ ફિલ્મ ‘રૂપ કી રાની ચોર કા રાજા’ હતી. સતીષે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ તેમની પહેલી જ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ હતી. આ કારણે તેઓ ખૂબ જ નિરાશ હતા. પણ સતીશ કૌશિક પ્રતિભાની ખાણ હતા. તેમણે અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઘણા પાત્રોથી દર્શકોનું મનોરંજન કર્યું. સતીશ કૌશિકે તેમની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેમણે ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી, સંવાદો લખ્યા અને દિગ્દર્શન પણ કર્યું. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને FTIIમાંથી અભિનયની તાલીમ લીધી હતી. તેઓ હજુ પણ ફિલ્મોમાં સક્રિય હતા. છેલ્લે ફિલ્મ ‘છત્રીવાલી’માં તેઓ ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. આ સિવાય હવે તેઓ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’માં પણ જોવા મળશે.