ધ્યાન માટે કોઈ ચોક્કસ સમય જ હોય એ એક મિથ છે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આજના પુરુષ પાસે બધું જ છે. અથવા આજનો પુરુષ બધું જ મેળવી લેવા માટે સક્ષમ છે, પરંતુ તેના જીવનમાં એક બાબતનો હંમેશાં અભાવ રહે છે અને એ બાબત છે માનસિક શાંતિ. અથવા તો એક આગવો આંતરીક ઠહેરાવ, જે ઠહેરાવથી તે પોતાના જીવનને કે પોતે મેળવેલી નાની-મોટી સફળતાઓને માણી શકે. જોકે એવું નથી કે પુરુષ તેની આંતરિક શાંતિ પામી નથી શકતો. જેમ તે ભૌતિક સંપદા એકત્રિત કરી શકે એ જ રીતે એ તેની અધ્યાત્મિક સંપદા પણ મેળવી જ શકે છે. અને તેની અધ્યાત્મિક સંપદા એટલે જ માનસિક શાંતિ અને પોતાની પાસે જે કંઈ છે એ પ્રત્યેનો સંતોષ અને ગ્રેટિટ્યુડ.
પરંતુ આ ગ્રેટિટ્યુડ હોય, સંતોષ હોય કે પછી આંતરિક શાંતિ હોય એ બધીય બાબતો આવે મનની સ્થિરતાથી. અને આપણી તકલીફ જ છે કે સાલું મન ક્યાંય સ્થિર રહેતું જ નથી. મન તો ઈન્સ્ટાગ્રામ ડીએમથી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી સ્નેપચેટ સુધી અને સ્નેપચેટથી વળી પાછું ઈન્સ્ટાગ્રામ રિલ્સ સુધી અટવાતું જ રહે છે. અને અટવાતું શું? રીતસરનું એક એપથી બીજી એપ સુધી ભટકતું રહે છે, જેને કારણે મન સ્થિર થવાની વાત તો દૂર રહી, પરંતુ મનની વ્યગ્રતામાં વધારો થતો રહે છે અને એ વ્યગ્રતાથી જ પછી કામ પર પણ અસર થાય છે, રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી અને મેન્ટલ- ફિઝિકલ હેલ્થ પર આડઅસરો થાય છે.
એટલે આપણે એટલું તો સમજી જ લેવાનું છે કે સ્પિરિચ્યુઅલ વેલ્થ માટે તો ખરું જ, પરંતુ સામાન્ય રીતે પણ જીવનમાં શાંતિ જોઈતી હોય તો આપણા મનનું સ્થિર રહેવું કે તેનું અહીંતહીં ન ભટકવું એ આપણી પ્રાથમિક આવશ્યક્તા બની ગઈ છે. એટલે જ આખા દિવસમાં નહીં નહીં તોયે દસ મિનિટ કોઈ પણ રીતે ધ્યાન કરવાનું થાય છે. ધ્યાનના અધ્યાત્મિક લાભો તો અસંખ્ય છે, પરંતુ કંઈ નહીં અને માત્ર તમારે માત્ર માનસિક શાંતિ જોઈતી હોય તોય ધ્યાન એ રોજિંદા જીવનનું મહત્ત્વનું અંગ છે.
જોકે જેને ફરિયાદ કરવી હોય એની પાસે જાતજાતનાં કારણો છે. એટલે કોઈ કહેશે કે અમારે તો મુંબઈમાં રાત્રે પરવારતા જ બાર સાડાબાર થઈ જાય ત્યાં સવારે વહેલા કોણ ઊઠે? કોઈ કહે વહેલા તો ઊઠી જઈએ, પણ આ કોલાહલમાં કંઈ ઈફેક્ટિવ ધ્યાન થોડું થાય? તો કોઈ તો જાણે આખી મહારાષ્ટ્ર સરકાર ચલાવવાની જવાબદારી તેમના પર જ હોય એમ ધરાર કહી દે કે તેમની પાસે શ્ર્વાસ લેવાનો સમય નથી, ત્યાં ધ્યાન ક્યાં કરવાના? પણ ભાઈ, શ્ર્વાસ લેવા માટે તમે ખરેખર સમય કાઢો છો ખરા? તો પછી આ દંભ શેનો? શ્ર્વાસ લેવાનો પણ સમય ન હોય તો આ ગ્રહ પર રહેવાનો અધિકાર જ નથી. પણ આપણે છીએ કે બહાના કાઢવા બાબતે પણ ફેંકાફેંક કરતા રહીએ છીએ.
પરંતુ ધ્યાન માટે કોઈ ચોક્કસ સમય જ હોય એ અત્યંત મિથ છે. હા, એ સાચું કે બ્રહ્મમુહૂર્તમાં થતું કોઈ પણ કાર્ય આપણને ચોક્કસ લાભ કરાવે છે તો સવારે થતું ધ્યાન પણ આપણને વધુ લાભ તો કરાવે જ, પરંતુ આખા દિવસમાં સમય મળ્યે ગમે ત્યારે આપણે દસ મિનિટ તો કાઢી જ શકીએ, જે દસ મિનિટમાં આપણે મોબાઈલને અડતા સુધ્ધાં નથી અને માત્ર આંખો બંધ કરીને આપણા મનને સ્થિર કરવાના પ્રયત્નો કરીએ. અલબત્ત, જે મનને ઈન્સ્ટાગ્રામથી લઈ સ્નેપચેટ અને વોટ્સેપથી લઈ ફેસબુક સુધી કારણ વિનાની કૂદાકૂદ કરવાની આદત થઈ ગઈ હોય એ મન તરત કંઈ થોડું સ્થિર થાય?
મન તો તમે ધ્યાનમાં બેસશો એટલે દસમી સેક્ધડે તમારા શરીરમાંથી ભાગી છૂટશે અને ફરી એવા દ્વારે ટકોરા મારશે, જ્યાં તમારી વ્યગ્રતામાં વધારો થશે. એટલે તમને બે-ત્રણ દિવસોમાં જ એમ થઈ જશે કે તમારે માટે ધ્યાન કરવું મુશ્કેલ છે. અથવા તો તમે ધ્યાન નથી કરી શકતા! પરંતુ બે-ત્રણ દિવસો તો શું, તમને પંદર દિવસ- મહિનો સુધી એવો ઉચાટ થયાં કરશે કે તમારું મન સ્થિર તો રહેતું નથી તો પછી ધ્યાનનો શું અર્થ? પણ તમારી જીત જ ત્યાં છે, જ્યાં તમે મન અસ્થિર હોવા છતાં ધ્યાન કરવાની ક્રિયા છોડતા નથી અને ધીમેધીમે એ ક્રિયાને તમારી આદત બનાવી દો છો. કારણ કે ધ્યાન આદત કે રૂટિન બને એ અત્યંત મહત્ત્વનું છે.
એકવાર રૂટિન બને છે પછી તમે મન પર અનેક અખતરા કરી શકો છો અને તેને ધીમે ધીમે સ્થિર થવાની આદત પાડી શકો છો. પછી તો જો મન ધીમેધીમે સ્થિર થવા માંડ્યું એટલે તમારો બેડો પાર સમજો, કારણ કે સ્થિર મનથી કશું પણ જીતી શકાય છે. અને આપણે તો અહીં સ્પિરિચ્યુઅલ વેલ્થ મેળવવા નીકળ્યા છીએ. બહુ આસાની આપણને એ સ્પિરિચ્યુઅલ વેલ્થ મળી શકશે.