Homeમેટિનીકારકિર્દી, પૈસા અને સંબંધોના કારણે મારા જીવનમાં તણાવ હતો: અરબાઝ ખાન

કારકિર્દી, પૈસા અને સંબંધોના કારણે મારા જીવનમાં તણાવ હતો: અરબાઝ ખાન

અરબાઝ ટૂંક સમયમાં ‘તનાવ’ નામની વેબ સિરીઝમાં જોવા મળશે. અરબાઝ ખાન તેની આગામી વેબ સિરીઝ ‘તનાવ’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. ખૂબ જ જોવાયેલી ઇઝરાયલી થ્રિલર ‘ફૌદા’ની સત્તાવાર હિન્દી રિમેક અગિયાર નવેમ્બરના રોજ રજૂ થશે. અરબાઝ ખાને તાજેતરમાં નિર્માતા તરીકે તેની આગામી ફિલ્મ ‘પટના શુક્લા’ની પણ જાહેરાત કરી હતી. અત્યારે તેનું વ્યસ્ત શેડયૂલ હોવા છતાં અરબાઝ કબૂલ કરે છે કે તેના જીવનમાં એક એવો સમય હતો, જ્યારે તે તેની કારકિર્દી વિશે તણાવ અનુભવતો હતો. તણાવ વિનાની એક ક્ષણ ક્યારેય નથી રહી. પછી તે પૈસાની હોય, સ્વાસ્થ્યની હોય કે સંબંધને લઇને હોય.
અરબાઝે પહેલાં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. પૂર્વ દંપતી ડિસેમ્બર, ૧૯૯૮માં લગ્નગ્રંથીથી જોડાયા હતા અને અઢાર વર્ષથી વધુ સમયના લગ્નજીવન બાદ મે, ૨૦૧૭માં તેમના છૂટાછેડા થયા હતા. અરબાઝે તેના જીવનમાં આવેલી તણાવપૂર્ણ ક્ષણોનો સામનો કરવા વિશે વાત કરી હતી.
આપણે તણાવભરી ક્ષણો સામે લડતા રહીએ છીએ. કોઈના પણ જીવનમાં ક્યારેય એવો તબક્કો આવતો નથી કે તેના જીવનમાં કોઈ તણાવ ન હોય. કામ, પૈસા, સંબંધ અથવા સ્વાસ્થ્ય કે કોઇ અન્ય બાબતોને લીધે હંમેશાં કોઈને કોઈ તણાવ રહેતો હોય છે. આ આખી જિંદગી આમ જ ચાલે છે. તમે તમારા જીવનના તમામ પાસાઓમાં કાયમ તણાવમૂક્ત ક્યારેય રહી શકતા નથી. પણ ખરો મુદ્દો એ છે કે દરેક પરિસ્થિતિમાં બધી વસ્તુઓને હંમેશાં સંતુલિત કરો…
અરબાઝે તેના જીવનની તણાવભરી પરિસ્થિતિ સંભાળવા અને સંતુલન જાળવવા વિશે વાત કરી. ‘મેં સંતુલન જાળવવાનું શીખી લીધું છે. હું જ્યારે મારી યુવાવસ્થામાં હતો, ત્યારે મને ઘણી બધી બાબતો માટે ખૂબ જ તણાવનો અનુભવ થતો હતો. જ્યારે તમે તમારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હોવ, ત્યારે તમારે તમારી કારકિર્દી વિશે, તમારા જીવન વિશે વિચારવું જોઇએ. એ સમયે તણાવ સ્વાભાવિક હતો. સમય સાથે તમારે વધુ સારી વસ્તુઓ જોવાની જરૂર છે.હવે હું ઘણી બધી વસ્તુઓ સ્વીકારું છું અને આગળ વધુ છું’, એમ અરબાઝે જણાવ્યું હતું. અરબાઝ ખાનની આગામી ફિલ્મ ‘પટના શુક્લા’માં અભિનેત્રી રવિના ટંડનની સાથે-સાથે સતીશ કૌશિક, માનવ વિજ, ચંદન રોય સાન્યાલ, જતીન ગોસ્વામી અને અનુષ્કા કૌશિક પણ છે અને તે આવતા વર્ષે રિલીઝ થવાની છે.

RELATED ARTICLES

Most Popular