સાઉથની સુંદરીની સવારી

મેટિની

સાઉથની ફિલ્મો દર્શકોને મોજ કરાવી રહી છે ત્યારે વધુ એક દક્ષિણની દામિની હિન્દી ફિલ્મોમાં ત્રાટકવા સજ્જ થઈ રહી છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

દક્ષિણ ભારતમાં જન્મેલી અને સાઉથની ફિલ્મોમાં પદાર્પણ કરી હિન્દી ફિલ્મોમાં ગજ વગાડનારી અભિનેત્રીઓની વાત નીકળે ત્યારે વૈજયંતીમાલા, રેખા, હેમા માલિની, શ્રીદેવી વગેરે નામ પહેલાં યાદ આવે. આજે તો એવી પરિસ્થિતિ છે કે મૂળ હિન્દી ભાષી પણ સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી હિન્દી ફિલ્મોમાં પગ જમાવનારી હિરોઈનોની લાંબી યાદી છે. અલબત્ત, સાઉથની હિરોઈન આજે પણ હિન્દી ફિલ્મોમાં પ્રતિભા દેખાડવા અને નસીબ અજમાવવા તત્પર જોવા મળે છે. હવે એમાં એક નવું નામ ઉમેરાયું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ખાસ્સી લોકપ્રિયતાને વરેલી વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ સીઝન-૨માં રાજલક્ષ્મી શેખરન – રાજીના પાત્રમાં દર્શકોમાં હિટ થઈ ગયેલી સામંથા રુથ પ્રભુ હિન્દી ફિલ્મમાં પદાર્પણ કરવા સજ્જ થઈ રહી છે. ખબરીએ આપેલી માહિતી અનુસાર સામંથા રણવીર સિંહ, અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાના સામે અલગ અલગ ફિલ્મોમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. કરણ જોહરે પણ એની સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હોવાની ચર્ચા છે. અમેરિકન ટીવી સિરીઝ ‘સિટાડેલ’ પરથી હિન્દી ફિલ્મ બનાવવાની વાત થઈ રહી છે અને એમાં વરુણ ધવન સાથે સામંથાને સાઈન કરવામાં આવશે. આમ પહેલી હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થાય એ પહેલાં સામંથા છવાઈ રહી છે. દર્શકો એને કેવો આવકાર આપે છે એ તો આવનારો સમય જ કહેશે.
કોવિડ ૧૯ની મહામારીને પગલે અનેક સ્તરે અનેક પ્રકારની પરેશાનીનો અનુભવ દુનિયા આખીએ કર્યો. જોકે ઓટીટી પ્લેટફોર્મ જેવું મનોરંજનનું સાધન પણ એ જ સમયમાં વધુ હાથવગું થયું. એનો લાભ અનેક કલાકારોને થયો જેમાં એક છે સામંથા. ‘ધ ફેમિલી મેન – સીઝન-૨’માં મનોજ બાજપાઈ જેવા સશક્ત એક્ટરની હાજરીમાં સામંથા રાજીના પાત્રમાં અત્યંત પ્રભાવી સાબિત થઈ એ વાતની નોંધ લેવાઈ. એને પગલે જ કરણ જોહરના બેનરથી ઓફર આવવાની શરૂઆત થઈ. આ સિવાય ગયા વર્ષે દેશભરના સિનેપ્રેમીઓને ઘેલું લગાડનાર ‘પુષ્પા: ધ રાઈઝ’માં ત્રણ મિનિટના એક ડાન્સ સોન્ગમાં ચમકવા માટે તેને પાંચ કરોડ રૂપિયા જેવી તગડી રકમ ચૂકવવામાં આવી હોવાની વાત છે. એના પરથી સામંથાની લોકપ્રિયતાનો અંદાજ આવે છે.
મલયાલી માતા અને તેલુગુ પિતાની પુત્રી સામંથાનો જન્મ તમિળનાડુમાં થયો હતો. માતાની કડક શિસ્તને પગલે શિક્ષણને પ્રાધાન્ય મળ્યું પણ બી. કોમ.ની ડિગ્રી હાથમાં આવે એ પહેલાં મોડલિંગનું મહેનતાણું પર્સમાં આવી ગયું. મોહક વ્યક્તિત્વ ધરાવતી સામંથા ફિલ્મમેકરોની નજરે ચડી ગઈ અને ૨૦૧૦માં તેની પાંચ ફિલ્મ રિલીઝ થઈ. પહેલી જ તેલુગુ ફિલ્મChesave ફિલ્મફેર અવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ ડેબ્યુ – સાઉથનો પુરસ્કાર મળ્યો અને સામંથાની ગાડી શરૂઆતમાં જ સડસડાટ દોડવા લાગી. આ ફિલ્મ તમિળમાં પણ રજૂ થઈ હતી. બંને ભાષામાં સારો આવકાર મળતાં સામંથાને સાઈન કરવા પડાપડી થવા લાગી. મહેશ બાબુ સાથેની બિગ બજેટ ફિલ્મDookudu (2011)ની સફળતાને પગલે એસ. એસ. રાજામૌલી, મણિરત્નમ અને શંકર જેવા સાઉથના નામી ફિલ્મમેકર તેનાથી પ્રભાવિત થયા. જાણવા જેવી વાત એ છે કે ૧૦ વર્ષ પહેલાં સામંથાએ તમિળ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં એકસાથે બની રહેલી ફિલ્મમાં કામ કર્યું હતું. કમનસીબે આદિત્ય રોય કપૂર સાથેની હિન્દી ફિલ્મનું ૬૦ ટકા શૂટિંગ થયા પછી પડતી મૂકવામાં આવી હતી. અલબત્ત, સફળતા સામંથાને શોધતી ફરતી હતી અને તમિળ અને તેલુગુમાં તેની ફિલ્મો નિયમિતપણે રજૂ થઈ રહી હતી.
———-
હિન્દી ડબ્ડ ફિલ્મોમાં સફળતા
સાઉથની કોઈ પણ રિમેક ક્યારે હિન્દીમાં બને અને ક્યારે દર્શકો એ જુએ એનો અંદાજ બાંધવો આસાન નથી. અલબત્ત, સિનેપ્રેમીઓ માટે હિન્દીમાં ડબ થયેલી સાઉથની ફિલ્મો જોવાનો દરવાજો તો વર્ષોથી ખુલ્લો છે. સાઉથની અનેક ફિલ્મો આ રીતે દર્શકોએ માણી છે. સામંથાની પહેલી હિન્દી ફિલ્મ ક્યારે થિયેટરમાં આવશે એ ખબર નથી, પણ સિનેપ્રેમીઓએ તેને ડબ્ડ ફિલ્મોમાં જોઈ છે, જાણી છે. એક નજર સામંથાની સફળ ડબ્ડ ફિલ્મો પર.
Ramayya Vasthavayya (2013):તેલુગુ એક્શન મસાલા ફિલ્મમાં સામંથાના સહકલાકાર હતા એન. ટી. રામારાવ જુનિયર અને શ્રુતિ હસન. તેલુગુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સાધારણ રહી હતી અને હિન્દીમાં મર મિટેંગે ૨ (૨૦૧૫) તરીકે રિલીઝ થઈ હતી.Janatha Garage (2016): તેલુગુમાં બનેલી આ ક્રાઈમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. મોહનલાલ અને એન. ટી. રામારાવ જુનિયર મુખ્ય કલાકાર હતા, જ્યારે સામંથા સપોર્ટિંગ રોલમાં હતી. આ ફિલ્મ હિન્દીમાં જનતા ગેરેજ (૨૦૧૭) નામે ડબ થઈ હતી. Dookudu (2011): બોક્સ ઓફિસ પર સફળ સાબિત થયેલી તેલુગુ ભાષાની આ એક્શન કોમેડી ફિલ્મ હિન્દીમાં ‘ધ રિયલ ટાઈગર’ નામથી રજૂ થઈ હતી. મહેશ બાબુ અને સામંથા લીડ રોલમાં હતાં. Seethamma Vakitlo Sirimalle Chettu (2013)માં બે હીરો અને બે હિરોઈન હતાં. હિન્દીમાં આ ફિલ્મ ‘સબસે બઢકર હમ ૨’ (૨૦૧૫) ટાઈટલ સાથે રજૂ થઈ હતી. તેલુગુ કોમેડી ફિલ્મ Attarintiki Daredi (2013) બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં બમન ઈરાની પણ હતા અને હિન્દીમાં ‘ડેરિંગ બાઝ’ (૨૦૧૪) તરીકે રજૂ થઈ હતી. આ સિવાય ‘દસ કા દમ’ (૨૦૧૫), ‘ખતરનાક ખિલાડી ૨’ (૨૦૧૬), ‘ધ સુપર ખિલાડી ૨’ (૨૦૧૮), ‘મર્દ કા બદલા’ (૨૦૨૦), ‘ધ સુપર ખિલાડી’ (૨૦૧૧), ‘સન ઓફ સત્યમૂર્તિ’, ‘ટાઈમ સ્ટોરી’, ‘મખ્ખી’ ડબ્ડ ફિલ્મોમાં પણ સામંથાએ દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.