તન ભી સુંદર, મન ભી સુંદર…

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. આ બન્નેના ગુરુ શિવ. જેમ કોઇ એક ઉત્પાદક કોઇ વસ્તુનું ઉત્પાદન કરે તો તેનો સારો-નરસો બન્ને પ્રકારનો ઉપયોગ કરવાવાળા હોય એમ શિવ પાસે દેવો સાથે દૈત્યો પણ જ્ઞાન-વરદાન લે. શિવજી બન્ને પ્રકારના લોકોને જેવાં કર્મો કરવાં હોય તેવાં કર્મ કરવાની છૂટ આપે છે, પણ અંતે સત્યનો વિજય થાય એની તકેદારી પણ રાખે. શિવજીને તમે આ દુનિયાના સહુ પ્રથમ શિક્ષક કહી શકો. શિવજીના અનેક સ્વરૂપથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ચાલો, ૧ ઑગસ્ટ ને શ્રાવણિયા સોમવારથી શરૂ થયેલી આ શ્રેણીને આગળ ધપાવીએ.
પદાર્થ પાઠ ૫
તન ભી સુંદર, મન ભી સુંદર…
શંકર ભગવાનની પ્રશંસા આપણે કર્પૂરગૌરં કહીને કરીએ છીએ. કર્પૂરગૌરં અર્થાત્ કપૂર જેવા શ્ર્વેત વર્ણવાળા. જોકે દેવાદિદેવ મહાદેવની વિશેષતા એ છે કે તેઓ તનથી તો સુંદર છે જ, સાથે સાથે મનથી પણ સુંદર છે. ઘણાના તન ઊજળા હોય છે પણ મનના મેલા હોય છે. શંકર ભગવાન તન-મનથી ઊજળા છે. તેઓ તનથી ધોળા છે તો મનથી ભોળા છે. એટલે તેમને ભોલેનાથથી પણ નવાજવામાં આવે છે. દેવ હોય કે દાનવ તમામને વરદાન આપી બેસે છે. તેમને ખબર છે કે કોઇ છેતરપિંડી કરીને ક્ષણિક સુખ મેળવી શકે છે, પણ પોતાના કર્મથી છૂટકારો મળવાનો નથી.
ભગવાન શંકરને શ્ર્વેત કપૂર સાથે સરખાવ્યા છે તે યોગ્ય જ છે. કપૂર દેખાવે તો સુંદર છે જ સાથે સાથે ગુણમાં પણ સુંદર છે. કપૂર પ્રગટાવવાથી પૂરા વાતાવરણમાં સુગંધ તો ફેલાય જ છે સાથે સાથે વાતાવરણમાં રહેલા અનિષ્ટ તત્ત્વો કે હાનિકારક જંતુઓને મારી હટાવી વાતાવરણને શુદ્ધ કરે છે. પોતે બળીને બીજાને મદદ કરે છે. કપૂર અનેક બીમારીઓમાં માણસને રાહત આપે છે. કપૂરના અનેક આયુર્વેદિક ગુણ છે. તે તન અને મન બેઉથી સુંદર છે ભગવાન શંકરને જેમણે કર્પૂરગૌરં કહીને નવાજ્યા છે તેમણે ખરેખર યોગ્ય કામ કર્યું છે.
આજના યુગમાં તનમનથી ઊજળી કપૂર જેવી અર્થાત્ ભગવાન શંકર જેવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે. નામ બડે ઔર દર્શન ખોટે- જેવા ઘાટ સર્જાય છે. રાજકારણીઓ ઉપર ઉપરથી શ્ર્વેત વસ્ત્રોમાં સજ્જ થઇને ફરે છે પણ કામ કાળા કરતા હોય છે. માત્ર રાજકારણીઓ જ શું કામ દરેક ક્ષેત્રોમાં દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ એવી સ્થિતિ છે. કાળા-ધોળા ચાલ્યા કરે છે. કાળા નાણાંને ધોળા કરવા મની લોન્ડરિંગ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની જવાબદારી વધતી ચાલી છે. અનેક લોકો વર્ષોથી બ્લેક એન્ડ વાઇટ કરી રહ્યા છે. જો કાળાનાણાનું ચલણ ઓછું થાય અને ધોળાનાણાનું ચલણ વધે તો દેશનો આર્થિક, સામાજિક અને સાર્વત્રિક વિકાસ શક્ય બને. માત્ર વસ્ત્રો કે શરીર નહીં કર્મો અને ગુણો પણ ઊજળા હોવા જોઇએ એ આપણને કર્પૂરગૌરં મહાદેવ પાસેથી શીખવા મળે છે.
મહાદેવના આ સ્વરૂપને જોઇને આપણને એક ગીત યાદ આવે છે તે શ્રાવણ મહિનામાં તેમની સમક્ષ મમળાવવા જેવું છે.
હે શ્રી કર્પૂરગૌરં,
તન ભી સુંદર મન ભી સુંદર
તૂ સુંદરતા કી મૂરત હૈ,
કિસી ઔર કો શાયદ કમ હોગી,
મુઝે તેરી બહુત જરૂરત હૈ!
સાચે જ આજે જે કાળા ધોળાનો કારોબાર જે રીતે ચાલી રહ્યો છે તેમાં નિયંત્રણ આવે. દેશ અને સમગ્ર સૃષ્ટિનો વિકાસ થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના તનમનથી ધોળા એવા મહાદેવને કરવી જોઇએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.