ડૉલરની તેજી સાથે વૈશ્ર્વિક સોનામાં સતત છઠ્ઠા સત્રમાં મંદીની રેલી સોનામાં રૂ. ૨૫૨નો અને ચાંદીમાં રૂ. ૭૧૫નો ઘટાડો

ટૉપ ન્યૂઝ બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સતત છઠ્ઠા સત્રમાં સોનામાં રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલી નિરસ રહેતાં ભાવમાં મંદીની રેલી આગળ ધપી હતી. તેમ જ વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૧થી ૨૫૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૧૫નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી અને નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં મધ્ય સત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૧ ઘટીને રૂ. ૫૧,૩૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૨ ઘટીને રૂ. ૫૧,૫૫૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૭૧૫ ઘટીને રૂ. ૫૫,૧૬૬ના મથાળે રહ્યા હતા.
આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને એક મહિનાની ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૪ ટકા ઘટીને ૧૭૪૧.૭૯ ડૉલર અને વાયદામાં ૦.૪ ટકા ઘટીને ૧૭૫૫.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ પ્રવર્તી રહી હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું એસીવાય સિક્યોરિટીઝનાં ચીફ ઈકોનોમિસ્ટ ક્લિફોર્ડ બૅનૅટે જણાવતા ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારના રોજ વ્યોમિંગ ખાતેના જેક્શન હૉલ ખાતે યોજાનારી વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોના પરિસંવાદમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. જોકે, ફેડ ફ્યુચર્સના ૪૬.૫ ટકા ટ્રેડરોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે, જ્યારે ૫૩.૫ ટકા ટ્રેડરો ૫૦ બેઝિસ પૉઈન્ટના વધારાની ધારણા મૂકી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.