મતલબ વગર સારા બનીએ, મતલબ સાથે ઘણા સારા બનતા જ હોય છે

મેટિની

અરવિંદ વેકરિયા

ગયા સપ્તાહે લાડીલા અખબાર ‘મુંબઈ સમાચાર’નો ૨૦૧મો જન્મ-દિવસ ઊજવાયો, તો આજે ‘સાત્વિકમ શિવમ’ ત્રણ વર્ષ પૂરાં કરી ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આપ વાચકોએ વરસાવેલી પ્રેમની હેલી બદલ આપ સૌનો આભાર. મને તક આપનાર ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી નીલેશ મહેન્દ્ર દવેનો જો આભાર ન માનું તો હું નગુણો જ કહેવાઉં. એમનો હૃદયપૂર્વક હું અહીં આભાર વ્યક્ત કરું છું. પહેલાં તો મને આ લેખનની જવાબદારી વજનદાર દેખાતી હતી, ભરેલા બાચકા જેવી, પણ ઉપાડી લીધી. જોતો રહ્યો હોત તો વજનદાર જ લાગત. વાચકોનો પ્રેમ મળ્યો ને ઉપાડી, મળેલા પ્રેમે હળવીફૂલ બનાવી દીધી. ફરી આપ વાચકોના પ્રેમ બદલ આભાર…
તો…
તિરાડ નાટકના જી.આર. એક દિવસ માટે બંધ રાખ્યાં, રાખવાં પડ્યાં. સહાયક વિદ્યુત શાહ અને નેપથ્ય સંભાળનાર જગદીશ માસ્તરને વિઘરામ હોલમાં ‘રીડિંગ’ અને ‘ફ્લોર રિહર્સલ’નો હવાલો સોંપી, હું માત્ર ‘અકસ્માત’નો એક શો કરવા અમદાવાદ ઊપડી ગયો.
‘નાટક’ મારો જીવ, મારું પેશન… જેને માટે મેં બીજાં મોટાં પ્રલોભનો પણ છોડ્યાં છે. આજના કલાકારોની તાસીર જુદી છે. બધા ‘સો કોલ્ડ પ્રેક્ટિકલ’ બની ગયા છે. આજના કલાકારોને શતરંજની રમત સરસ ફાવી ગઈ છે. મને તો આજે પણ નથી આવડતી. જોકે આવડવી જોઈએ, કારણ ઘણી વાર સામેવાળો ચાલ ચાલતો હોય અને આપણે (મારા જેવા) સંબંધ નિભાવવામાં રહી જઈએ. મારું એ વખતે આવું જ હતું. આ વાતનો અફસોસ ત્યારે પણ નહોતો અને આજે પણ નથી. હું માનું છું કે મતલબ વગર સારા બનીએ, મતલબ સાથે ઘણા સારા બનતા જ હોય છે.
‘અકસ્માત’નો શો અચાનક આવ્યો હતો. રિપ્લેસમેન્ટ, શૈલેશ દવેના કહેવા મુજબ સમય મર્યાદાને ધ્યાનમાં લઇ શક્ય નહોતું અને એ હું પણ સમજતો હતો. રિપ્લેસમેન્ટ નાટકની આવરદા ઓછી કરી નાખે છે. એક દિવસ માટે ગ્રાંડ રિહર્સલ રદ કરી બીજા દિવસે હિન્દુજા હોલ ખાલી હોવાથી એ દિવસ માટે નક્કી કર્યું. મેનેજર-નિર્માતા જે. અબ્બાસે ભાડું એડજસ્ટ કરી આપ્યું એટલે નિર્માતાની કેડે એ ભાર ન પડ્યો.
કૌસ્તુભ ત્રિવેદી, આજનું ખૂબ જાણીતું નામ, આ વાત હું નહિ, લાઈન સાથે સંકળાયેલા સર્વે સ્વીકારશે. એ વખતે કૌસ્તુભ નાટકોમાં અભિનય કરતો. કાકાશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી ત્યારે ગુજરાતી ફિલ્મોમાં સર્વેસર્વા. કૌસ્તુભ એમની નાઝ કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસમાં પણ જતો-આવતો. ફિલ્મોની પણ નાડ એણે પકડી લીધેલી. એનું વાચન પણ ગજબ.
આજે પણ એની ઓફિસની લાઇબ્રેરીમાં જાણીતા લેખકોનાં પુસ્તકો તમને મળે જ મળે. પ્રસ્તુતકર્તા કે નિર્માતા તરીકે એ નિખર્યો નહોતો, પણ હું માનું છું કે એનો સંઘર્ષ ચાલુ હતો, કંઈક બનવાનો જે નામને ચમકાવે. એણે મારા નાટક ‘તિરાડ’નો પ્રથમ શો એક સામાજિક સંસ્થાને વેચી આપેલો. ચાર દિવસ પછી મલાડમાં આવેલા
ઓપન-એર થિયેટર (??), રામલીલા મેદાનમાં એ શો કરવાનો હતો જ્યાં સાઉન્ડ, લાઈટ વગેરે બધી જ વ્યવસ્થા નિર્માતાએ કરીને જવી પડે.
હું ‘તિરાડ’ની ચિંતામાં હતો. શરૂ કરેલા જી.આર.માં અકસ્માતે એક-દોઢ દિવસની બ્રેક લાગી ગઈ હતી. વિચાર્યું, શો રાત્રે પૂરો થાય પછી ગુજરાત એક્સપ્રેસ, જે સવારે અમદાવાદથી ઊપડતો હતો (એ સમયે આજના જેટલી ટ્રેનો નહોતી) એમાં નીકળું, જે ૪ કે ૪.૩૦ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચે. રિહર્સલ સવારે ૯થી શરૂ કરવાનું વિદ્યુત અને રાધાશ્રીને જણાવી દીધું અને સાંજે ૫ વાગ્યા સુધીમાં હિન્દુજા હોલમાં પહોંચી જઈશ એ પણ જણાવી દીધું. મારો સ્વભાવ જરા અલગ. હું હાજર હોઉં તો જ કામનો સંતોષ લઇ શકું. બાકી મારો જીવ સળવળ્યા જ કરે. અત્યારે બીજો કોઈ ઈલાજ તો હતો નહિ. જીવનની સૌથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે જ લડતો હોય છે, નિમિત્ત બનેલા સંજોગો સાથે તો એ પછી.
મારી આ ચિંતા દિગ્દર્શક તરીકે શૈલેશ દવે બરાબર સમજતા હતા. કદર અને સમય આમ તો કમાલનાં હોય છે, જેની કદર કરો એ સમય ન આપે અને સમય આપો એ કદર ન કરે, પણ શૈલેશ દવે આ વાતમાં અપવાદ હતા.
‘અકસ્માત’ નાટકનો શો શરૂ થતાં પહેલાં મને કહ્યું, ‘જો દાદુ, તું શો પતાવી, બધા કલાકારો સાથે ગુજરાત એક્સપ્રેસમાં સવારે નીકળીશ. હું સવારની વહેલી ફ્લાઈટ પકડવાનો છું. સવારે આઠેક વાગે ઘરે પહોંચી જઈશ. (ત્યારે તેઓ અલંકાર સિનેમાની સામે, ટાઉનમાં રહેતા.) હું નવ-સાડાનવ વાગે હિન્દુજા હોલમાં પહોંચી જઈશ. તું સાંજના આવીશ ત્યાં સુધી તારા જી.આર. હું એટેન્ડ કરી લઈશ. તું આવીશ પછી જ હું નીકળીશ એ મારું પ્રોમિસ.’
મારે એમની આ ખેલદિલીનો શું પ્રતિભાવ આપવો એ મને એ વખતે સમજાયું જ નહિ. આટલા મોટા લેખક-દિગ્દર્શક-કલાકાર માત્ર પોતાના એક સાથી કલાકાર માટે આટલું બધું કરી શકે? અમુક માણસો હોય છે, મળીએ ત્યારે હરખ અને અલગ પડતી વેળાએ આંખમાં ઝાકળ બાજે, દવે એવા જ હતા.
મારી આંખમાં આંસુ આવી ગયાં. મારો ખભો થપથપાવતાં કહે કે તું મારા નાટક માટે આટલું કરે તો હું પણ કંઈ કરુંને? અત્યારે આવા ‘જણ’ મળવા અઘરા છે. આગળ કહ્યું એમ ‘સો કોલ્ડ પ્રેક્ટિકલ’, પણ જવા દો સ્વીકારી લેવું પડે કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે.
‘અકસ્માત’નો શો પતાવી શૈલેશ દવે ચિંતા ન કરતો, બધું સારું જ થશે, તું પહોંચ કહી ફ્લાઈટ પકડવા નીકળી ગયા. અમે બાકીના કલાકારો બધા ગુજરાત એક્સપ્રેસમાં નીકળ્યા. ટ્રેન તો ઊપડી, પણ મારા વિચારો મારા નાટકમાં જ અટવાયા હતા. બધા સાથી કલાકારો આ વાત જાણતા હતા એટલે જ કદાચ, કોઈએ મને વતાવ્યો
નહિ. હું આવી જ વિચારધારામાં મુંબઈ સેન્ટ્રલ પહોંચી, ટેક્સીમાં હિન્દુજા હોલ પહોંચી ગયો. દવે કોઈ સીન કલાકારો પાસે કરાવી રહ્યા હતા.
હું પહોંચ્યો એટલે મને કહ્યું કે ‘મેં મારી રીતે બધું કરાવી લીધું છે. એક પૂરું જી.આર. પતી ગયું છે. મ્યુઝિક, લાઈટ્સ, સીનના ફેડ-આઉટ, ફેડ-ઇન બધું જ પરફેક્ટ થઇ ગયું છે. વિદ્યુત અને રાધાશ્રીએ બહુ મહેનત કરી. હવે તું ડ્રેસ સાથે ફાઇનલ જી.આર. શરૂ કર, કોઈ પ્રોબ્લેમ નથી… હવે હું નીકળું?’
હું તો ગળગળો થઇ ગયો. એમને પગે લાગી આભાર માનવા ગયો તો મને ઊભો કરી ગળે લગાડ્યો અને કહ્યું, ‘કલાકારો સારું કરે છે, ઓફકોર્સ પોતાની કેપેસિટી મુજબ. તું ચિંતામાં આવ્યો છે, પણ રિલેક્સ! ગુસ્સે થતો નહિ. ગરમ ચા જેવા મગજને ઠંડું રાખવા એને પ્રેમની પહોળી રકાબીમાં રેડી દેજે.
આટલું કહી તેઓ બધા કલાકારોને ‘આવજો… ગુડ-લક’ કહી નીકળી ગયા. હું પાંચ મિનિટ હિન્દુજા હોલની પહેલી રોની એક સીટમાં બેઠો. એ પછી કહ્યું કે ‘ચાલો રિહર્સલ શરૂ કરીએ, બધા કોસ્ચ્યુમ પહેરી લો.’
* * *
કોઈ ખુશીમાં રડ્યું છે, તો કોઈ દુ:ખમાં રડ્યું છે,
ગજબ છે ખેલ જિંદગીનો-
કોઈ વિશ્ર્વાસ માટે રડ્યું છે, તો કોઈ વિશ્ર્વાસ કરીને રડ્યું છે.
——–
બંધ દુકાનના ગલ્લા પર બેઠેલા બે વેપારીઓ હસી હસીને વાતો કરી રહ્યા હતા. એક જિજ્ઞાસુ નેતાએ પૂછ્યું, ‘કેમ ભાઈઓ, શું વાત છે?’ એક વેપારીએ હસતાં હસતાં કહ્યું, ‘અમારી પાસે દેશની સમસ્યાઓ હલ કરવાની એક યોજના છે.’ નેતાએ ઉત્સાહથી પૂછ્યું, ‘કેવી યોજના?’ વેપારીએ કહ્યું, ‘અમારા જેવા બધા વેપારીઓને જેલમાં નાખી દો અને સાથે એક ગધેડાને પણ જેલમાં નાખો.’ નેતાને નવાઈ લાગી કહે, ‘બધા વેપારીઓ સાથે ગધેડાને કેમ જેલમાં નાખવાનો?’ બંને વેપારીઓ ફરી જોર જોરથી હસવા માંડ્યા. બંનેમાંથી એક વેપારીએ કહ્યું, ‘જોયું? હવે બેઠોને વિશ્ર્વાસ મારી વાત પર! હું કહેતો જ હતો કે વેપારી માટે કોઈ કંઈ નહિ પૂછે, બધાને ગધેડાની ચિંતા છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.