ફાઈનાન્સિયલ જગતમાં મિસ-સેલિંગનું વધતું જતું ગંભીર દૂષણ
સ્પેશિયલ -જયેશ ચિતલિયા
શેર, મ્યુચ્યુઅલ ફંડસની યોજના, વીમા પૉલિસી, વગેરે સહિત ગ્રાહકોને પટાવીને-ગેરમાર્ગે દોરીને પધરાવવામાં આવતી પ્રોડકટસ કે સર્વિસનું ચલણ જોરમાં હોવાથી ગ્રાહકોએ વધુને વધુ જાગ્રત-સજાગ થવું જરૂરી છે, અરે, કેટલાંક તો રમ્મી જેવી ગેમ રમાડીને પણ રમાડી જાય છે, પાછાં કહેતા પણ રહે છે કે આમ કરવામાં જોખમ છે.
શું તમે બૅંકમાં તમારા કામ માટે જાવ ત્યારે તમને બૅંકનો કોઈ અધિકારી પાસે બોલાવી મ્યુચ્યુઅલ ફંડની યોજના સમજાવે છે? તમને એ યોજનામાં રોકાણ કરવા પ્રેરે છે? તેના લાભ ભારપુર્વક જણાવે છે. તમારી સમક્ષ એ મ્યુચ્યુઅલ ફંડની યોજનાનું ગુલાબી અને આકર્ષક ચિત્ર રજૂ કરે છે? તો સમજી લો કે એ મોટેભાગે તમને એની જાળમાં લેવા પ્રયાસ કરી રહયો છે. એ કાયમ ખોટું કરે છે એવું માની લેવાની પણ જરૂર નથી, કિંતુ આવા મામલે સાવચેત-જાગ્રત રહેવું આવશ્યક છે. કારણ કે એ જે યોજના સમજાવે છે તે સારી હોય તો પણ બની શકે તમારા કામની ન હોય, તમારા ધ્યેયને અનુરૂપ ન હોય.
વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરો, આ કહેવત સદીઓ જુની, પરંતુ આજે પણ એટલી જ જીવંત અને પૂરજોશમાં ચલણમાં ચાલતી. હા, પોતાના લાભ માટે કોઈને પણ કંઇપણ પધરાવી દેવું એ માનવ સહજ સ્વભાવ છે, તેમાં પણ જયારે બિઝનેસની વાત આવે ત્યારે દરેક ધર્મ, જ્ઞાતિ, સમાજના લોકો એક થઈ જાય. આપણો ધંધો ચાલતો હોય, કમાણી થતી હોય તો બીજાને -ગ્રાહકોને ગમેતેવું (ગમે તેવું નહી) પધરાવો. ફાઈનાન્સિયલ ક્ષેત્રમાં આને મિસ-સેલિંગ કહે છે. વીમા પૉલિસીથી લઈ શેર્સ, મ્યુચ્યુઅલ ફંડથી લઈ કોઈપણ રોકાણ યોજનામાં મોટાભાગના વેચનાર-એજન્ટો પોતાના લાભમાં આ વલણ અપનાવે છે. ગ્રાહક સાવધ-જાગ્રુત ન હોય તો તેનો સહેલાઈથી શિકાર થઈ જાય છે. આમ પણ આપણા દેશમાં હજી ફાઇનાન્સિયલ લિટરસી શિક્ષિત વર્ગ સુધી પણ પહોંચી નથી. કારણ કે ભલભલા ભણેલા, ઉચ્ચ ડિગ્રીધારીઓ પણ ફાઈનાન્સિયલ યોજનામાં બચત-રોકાણ કરતી વખતે મુંઝાઇને ફસાઈ જાય છે.
બૅંકોનાં મ્યુચ્યુઅલ ફંડ્સનું વેચાણ
તાજેતરમાં એક રસપ્રદ અહેવાલ ધ્યાનમાં આવ્યો છે. જે-જે બૅંકોએ પોતાની મ્યુચ્યુઅલ ફંડ કંપની લોન્ચ કરી છે અને પુરજોશમાં ચલાવે છે તેઓ પોતાની બૅંકો મારફત એ મ્યુચ્યુઅલ ફંડની પ્રોડકટસ ગ્રાહકોને યેનકેન પ્રકારેણ પધરાવવાનો પ્રયાસ કરતી રહે છે. આ બાબત રેગ્યુલેટર સેબીના ધ્યાનમાં આવતા સેબીએ આ વિષયની તપાસ હાથ ધરી છે. સેબીએ આ હેતુસર બૅંકો દ્વારા સ્પોન્સર થયેલા મ્યુચ્યુઅલ ફંડસ પાસેથી તેમની પ્રોડકટસનું વેચાણ બૅંકો મારફત કેટલું થાય છે તેની વિગતો માગી છે. આ માટે બૅંક ડિસ્ટ્રિબ્યુટર્સને કેટલી ફી અપાય છે, તેનું કમિશન સ્ટ્રકચર બીજા કરતા કેટલું જુદું હોય છે, એવી વિગતો પણ એકઠી કરવાનું આરંભી દીધું છે.
બૅંકો દ્રારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડસમાં એ સબંધિત બૅંકોનો ઈક્વિટી હિસ્સો હોય છે, તેથી એ ફંડ પ્રગતિ કરે, વધુ ગ્રાહકો મેળવે, કમાણી કરે એ બૅંકના પણ હિતમાં રહે એ સહજ છે. આવી બૅંકોમાં આઈસીઆઈસીઆઈ બૅંક, કોટક બૅંક, એસબીઆઈ, યુનિયન બૅંક, એકિસસ બૅંક અને બૅંક ઓફ બરોડા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી બૅંકો આમ કરે છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અથવા તેમને મિસ-સેલિંગ કરે છે એવું કહેવાનો અહી કોઈ ઈરાદો નથી, કિંતુ ગ્રાહકોને જાગ્રત કરવાનો ઈરાદો ખરો. સેબી પોતે પણ આ જ કારણસર ગ્રાહક-રોકાણકાર વર્ગના હિતોની રક્ષા માટે આ તપાસ કરતું હોવાનું કહેવાય છે, જે રેગ્યુલેટરની ભૂમિકા અને જવાબદારી છે. મજાની વાત એ પણ ખરી કે જે ફંડ બૅંકો દ્વારા સ્થપાયા નથી એ ફંડ હાઉસિસે બૅંકોની આવી કથિત પ્રવૃતિ સામે સેબીનું ધ્યાન દોર્યુ છે.
વાસ્તવમાં ગ્રાહક રોકાણકારે બૅંકોના અધિકારીઓથી અંજાઈને ફંડની સ્કિમમાં રોકાણ કરવાને બદલે એ સ્કિમ પોતાના લક્ષ્યોમાં કેટલી ઉપયોગી છે, તેની સાર્થકતા પોતાને માટે કેટલી છે. તેને પોતાને એ રોકાણ કરવાથી ખરેખર શું લાભ થશે, કયારે થશે? એ તેની વાસ્તવિક જરુરીયાતને પૂર્ણ કરે છે એ બધાં મુદાઓ ચકાસીને રોકાણનો નિર્ણય લેવો જોઈએ. કોઈપણ વ્યકિત હોય કે કંપની હોય, રોકાણકારોનું ધ્યાન પોતાના ગોલ્સ પર વિશેષ હોવું જોઈએ.
ઈન્સ્યોરન્સ પૉલિસીના નામે પણ પોલમપોલ
મિસ-સેલિંગનો મુદો ઊભો થાય ત્યારે વીમા પૉલિસીની વાત તો ભુલાય જ નહી, આમ પણ વીમા એજન્ટોને અન્ય કોઈપણ મધ્યસ્થીની તુલનાએ સૌથી વધુ કમિશન મળતું હોવાથી આ વર્ગ મિસ-સેલિંગમાં વધુ રસ લે છે. આ ફરિયાદ પણ વરસોથી ચાલતી રહી છે. અલબત્ત, ખાનગી વીમા કંપનીઓના આગમન બાદ સ્પર્ધા વધી છે, અને તેને લીધે અગાઉ કરતા મિસ-સેલિંગનું દૂષણ ઘટયું હોવાનું કહેવાય છે. અહી એ યાદ રાખવું પણ મહત્વનું છે કે વીમા પૉલિસીની શરતો-ધોરણો આમ પણ ગૂંચવણભર્યા હોય છે. જેમાં સામાન્ય ગ્રાહકો તો અટવાય એ સ્વાભાવિક છે, તે તેના એજન્ટ પર સૌથી વધુ નિર્ભર હોય છે. અલબત્ત, અહી પણ એ સ્પષ્ટતા આવશ્યક છે કે બધાં જ એજન્ટ લેભાગુ હોતા નથી, અને હવે ગ્રાહકોમાં પણ અવેરનેસ વધી રહી છે. વીમા ક્ષેત્રનું નિયમન તંત્ર ઈરડાઈ પણ સક્રિય બન્યું છે.
અલ્ગો ટ્રેડિંગના નામે
આ બધાં સંજોગો વચ્ચે હવે શેરબ્રોકરો પર પણ સેબીનું ધ્યાન ગયું છે. ખાસ કરીને અલ્ગો ટ્રેડિંગની સુવિધા ઓફર કરતા બ્રોકરો ગ્રાહકોને મિસ-સેલિંગ કરતા હોવાની ફરિયાદ સેબીને પહોંચી હોવાથી સેબીએ એવા બ્રોકરોને ચેતવણી આપી છે. સેબીએ આવા બ્રોકરોને કહ્યું છે કે તેમણે ગ્રાહકોને અલ્ગોરિધેમિક ટ્રેડિંગ ઓફર કરતી વખતે ભૂતકાળ યા ભવિષ્યના વળતરની વાત જણાવવી નહીં. આ ટ્રેડિંગ સુવિધામાં ઓટોમેટિક ઝડપી સોદા થતા હોય છે, ઘણા અનરેગ્યુલેટેડ બ્રોકરો પણ આ સર્વિસ ઓફર કરીને ગ્રાહકોને ઊંચા વળતરની આશા અપાવી આકર્ષતા હોય છે, જેની સેબીએ નોંધ લીધી છે.
રમાડીને રડાવી જતા લોકો
આ મિસ-સેલિંગ શેર-સિકયોરિટીઝ, મ્યુચ્યુઅલ ફંડસ, કોમોડિટીઝમાં તો ચાલે જ છે, કિંતુ હવે તો જાત-જાતની ગેમ્સમાં પણ આ તત્વ પ્રવેશી ગયું છે. રમ્મી રમો અને લાખો-કરોડો રૂપિયા જીતો એવી જાહેરાત વિવિધ સેલિબ્રિટીઝને લઈને આખો દિવસ સતત લોકોના માથે મરાતી રહે છે, આ માટે યુટયુબને સરળ માધ્યમ બનાવાયું છે. કરુણતા એ છે કે પોતાને પૈસાની કમાણી થતી હોવાથી અગ્રણી કલાકારો પણ પોતે આવી જુગારની રમતના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવે છે. પોતાની કળા મારફત લાખો કમાતા અમીરો અને જાણીતા લોકો પણ જયારે પ્રજાને છેતરવામાં માધ્યમ બને તો બીજાનું શું કહેવું? કરોડ કમાતા હીરો-સેલિબ્રિટીઝ સ્ટાર્સ તમાકુ, ગુટખા, લિકર, હાનિકારક ઠંડા પીણા અથવા જંક ફૂડઝ, વગેરેનો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરતા હોય ત્યારે સામાન્ય માનવીનું થાય શું? આ પણ એક પ્રકારનું મિસ-સેલિંગ જ કહેવાય.
———
મિસ-સેલિંગ એટલે શું?
મિસ-સેલિંગ એટલે ગ્રાહકને એવી વસ્તુ કે સર્વિસનું વેચાણ કરવું, જે ખરેખર તેના કામ-ઉપયોગની નથી અથવા તેને બદલે એ બીજી વસ્તુ યા સર્વિસ મેળવે તો વધુ ઉપયોગી થઈ શકે. ગ્રાહકને પટાવીને કે ગેરમાર્ગે દોરીને વેચવામાં આવી છે.