બે હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચવામાં આવી રહી છે, અને લોકો બેંકમાં તે નોટ જમા કરાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આ તકનો લાભ ઉઠાવવા રૂ.2 હજારના નોટના બદલામાં રૂ.500 અને 100ની નકલી નોટ છાપવાનું શરૂ કરી અને બજારમાં તેને ધાબડવાનો કારસો રચ્યો હતો, પોલીસે ત્રણ શખ્સને રૂ.23,44,500ની નકલીનોટ સાથે ઝડપી લીધા હતા અને અગાઉ કેટલા લોકોને નકલીનોટ ધાબડી હતી તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
શહેરના સાધુ વાસવાણી રોડ પર દૂધનું પાર્લર ચલાવતા બે શખ્સો પાસે રૂ.500 અને રૂ.100ના દરની જાલીનોટનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી. જાડેજા અને એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી. પોલીસે દૂધ પાર્લરમાં હાજર બાલાજીપાર્કમાં રહેતા વિશાલ બાબુ ગઢિયા અને પાટીદાર ચોક પાસેના પામસિટી એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વસંત બુદ્ધદેવને સકંજામાં લઇ તલાશી લેતા બંને પાસેથી રૂ.500ના દરની 200 નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આ મામલે બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં વિશાલ ગઢિયાએ કેફિયત આપી હતી કે, નકલી નોટનો જથ્થો મોરબી રોડ પરના અમૃતપાર્કમાં રહેતા નિકુંજ અમરશી ભાલોડિયા પાસેથી ખરીદ કરી હતી.
આ માહિતી મળતાં જ પીઆઇ જાડેજા સહિતનો કાફલો અમૃતપાર્કમાં દોડી ગયો હતો, નિકુંજ ભાલોડિયાના મકાને પહોંચતા જ પોલીસ ચોંકી ઊઠી હતી, નિકુંજ ભાલોડિયાના ઘરેથી પોલીસને રૂ.500ના દરની 4422 તથા રૂ.100ના દરની 335 નકલી નોટ મળી આવી હતી, પોલીસે નિકુંજ ભાલોડિયાને પણ ત્યાંથી ઉઠાવી લીધો હતો, અને તેના ઘરેથી સ્કેનર, પ્રિન્ટર, કમ્પ્યૂટર સિસ્ટમ અને 3 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આગવીઢબની પૂછપરછમાં નિકુંજ ભાલોડિયા ભાંગી પડ્યો હતો.
અને તેણે કબૂલાત આપી હતી કે, પોતે અગાઉ પ્રિન્ટિંગનું કામ કરતો હતો, પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી નકલી નોટ બનાવી તેને બજારમાં વહેતી કરવાનો વિચાર આવ્યો હતો, છેલ્લા ત્રણેક પ્રહિનાથી નવી નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને વિશાલ ગઢિયાને રૂ.35 હજારના બદલામાં રૂ.1 લાખની નોટ આપી હતી, વિશાલ ગઢિયા અને વિશાલ બુદ્ધદેવે જાલીનોટ ગ્રાહકોને આપવાનો અગાઉ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ધારી સફળતા મળી નહોતી. દરમિયાન રૂ.2 હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવા માટે હાલમાં રૂ.2 હજારની નોટ બેંકમાં જમા કરાવવાનું શરૂ થતાં રૂ.2 હજારની નોટના બદલામાં લોકોને રૂ.500 અને રૂ.100ની નકલી નોટ ધાબડવાનું સહેલું બનતા તેવા વિચાર સાથે જાલીનોટ છાપવાનો ધંધો પૂરપાટ ઝડપે આગળ ધપાવ્યો હતો, જોકે તેમાં સફળતા મળે તે પહેલા પોલીસ આંબી ગઇ હતી. ત્રિપુટીએ અગાઉ મોટો જથ્થો બજારમાં વહેતો મૂકી દીધો હોવાની શંકા સેવાઇ રહી છે અને તે મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસે ત્રણેયની પૂછપરછ શરૂ કરી હતી.