નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવા માટે ગળાકાપ હરિફાઈ જોવા મળી રહી છે અને સારી ગેમ હોવા છતાં અનેક પ્લેયરને ટીમમાં સ્થાન મળતું નથી, જેને કારણે હતાશ થઈને ખેલાડી નાની વયે જ રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવે એક ભારતીય ખેલાડી બીજા દેશમાંથી રમવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, આ પહેલી વખત નથી કે કોઈ ભારતીય ખેલાડી આ રીતે બીજા દેશ તરફથી રમવાનો હોય.
ઉન્મુક્ત ચંદ આવું જ એક નામ છે. પણ હવે વધુ એક ભારતીય ખેલાડીનું નામ આ યાદીમાં જોડાશે અને આ ખેલાડી એટલે ટીમ ઈન્ડિયાનો મુરલી વિજય…મુરલી વિજય ભવિષ્યમાં બીજા દેશ તરફથી રમે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે ડેબ્યુ કર્યું હતું. પણ છેલ્લાં કેટલાય સમયથી તેને ટીમમાં સ્થાન જ નથી આપવામાં આવ્યું.
38 વર્ષીય મુરલીએ હવે તેની કારકિર્દી બાબતે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને તેણે એવો ઈશારો આપ્યો છે કે હું રમવા માટેની બીજી તક શોધી રહ્યો છું અને ભવિષ્યમાં કદાચ હું બીજા કોઈ દેશ માટે ક્રિકેટ રમી શકું છું. એક ઈન્ટરવ્યુમાં તેણે આ ઈશારો આપ્યો હતો.
મુરલીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે બીસીસીઆઈ સાથેનો મારો સંબંધ લગભગ પૂરો થવાને આરે છે અને એટલે હવે હું વિદેશમાં ચાન્સ શોધી રહ્યો છું. મને હજી પણ ક્રિકેટ રમવું છે. આપણે ત્યાં એવી માનસિકતા છે કે એક વખત ખેલાડી 30 વર્ષની ઉંમર વટાવે એટલે તેના વિશે ખાસ વિચાર કરવામાં આવતો નથી. રસ્તે પસાર થનારા લોકો પણ મારી પાસે હું 80 વર્ષનો વૃદ્ધ હોઉં એ રીતે જુએ છે. લોકોની સાથે સાથે મીડિયાએ ખેલાડી સામે જોવાનો નજરિયો બદલવો જોઈએ
2018માં મુરલી છેલ્લી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. 61 ટેસ્ટ મેચમાં મુરજીએ 3,982 રન કર્યા છે, જેમાં 12 સેન્ચ્યુરી અને 15 હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. આ સિવાય મુરલી ભારત તરફથી 17 વનડે મેચ પણ રમી ચૂક્યો છે.