આવકવેરા વિભાગે આજે મંગળવારે સવારે દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા વિભાગની ટીમ હજુ પણ બીબીસી ઓફિસમાં હાજર છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે કર્મચારીઓના ફોન પણ ઓફિસમાં જમા થઈ ગયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બીબીસી ઓફિસને સીલ કરવામાં આવી છે. જો કે આ દરોડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં બીબીસી ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે.
દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. હવે બીબીસી પર આઇટીના દરોડા, આ અઘોષિત કટોકટી છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસી પર આવકવેરાની કાર્યવાહી પર કહ્યું કે અમે અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસી પાછળ પડી છે.
ઉલ્લેખનીય છે કે, બીબીસીએ ગુજરાત રમખાણોમાં પીએમ નરેન્દ્ર મોદીની સંડોવણી અંગે એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરી હતી. કેન્દ્ર સરકારે થોડા દિવસો પહેલા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો હતો. ડોક્યુમેન્ટ્રીને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગની કાર્યવાહીને પણ આની સાથે જોડવામાં આવી રહી છે.
BBCની દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITના દરોડા, કર્મચારીઓના ફોન જપ્ત
RELATED ARTICLES