BBC એ 2002ના ગુજરાત રમખાણો પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુકવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતી બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે હવે એપ્રિલમાં સુનાવણી થશે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેંચે વરિષ્ઠ પત્રકાર એન રામ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, એડવોકેટ પ્રશાંત ભૂષણ અને એડવોકેટ એમએલ શર્માએ પ્રતિબંધના વિરોધમાં કરેલી અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સીયુ સિંહે ટ્વિટર પરથી લિંક હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર કોર્ટે કહ્યું- અમે સરકાર પાસેથી પ્રતિબંધના આદેશની ફાઈલ મંગાવી રહ્યા છીએ.
બેન્ચે કહ્યું કે અમે સરકારને નોટિસ જારી કરી રહ્યા છીએ. એપ્રિલમાં સુનાવણી થશે. સીયુ સિંહે કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી હતી અને દલીલ કરી હતી કે ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ કરવા બદલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજી પર બેન્ચે કહ્યું કે આ એક અલગ મુદ્દો છે. લોકો હજુ પણ ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છે.