2002ના ગુજરાત રમખાણો માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી રીતે જવાબદાર ઠેરવતી બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટ આ મામલાની સુનાવણી કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 6 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. એડવોકેટ મનોહર લાલ શર્માએ પ્રતિબંધ વિરુદ્ધ જાહેરહિતની અરજી(PIL) દાખલ કરી છે.
એડવોકેટ મનોહર લાલ શર્માએ ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરી છે. ચીફ જસ્ટિસે આગામી સોમવારે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ સુનાવણીનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં સર્વોચ્ચ અદાલતને વિનંતી કરવામાં આવી છે કે તે બીબીસી ડોક્યુમેન્ટરીના બંને ભાગો મેળવે અને તેની તપાસ કરવામાં આવે. અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે 2002ના ગુજરાત રમખાણો માટે જેઓ પ્રત્યક્ષ અને આડકતરી રીતે જવાબદાર હતા તેમની સામે પણ પગલાં લેવામાં આવે.
એડવોકેટ મનોહર લાલ શર્માએ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધને બંધારણીય વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે કે નાગરિકોને કલમ 19(1)(2) હેઠળ 2002ના ગુજરાત રમખાણો અંગેના સમાચાર, તથ્યો અને અહેવાલો વિષે જાણવાનો અધિકાર છે કે કેમ? શું કેન્દ્ર સરકાર પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકે છે? જે બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત અધિકાર છે.