વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણો માટે સીધી રીતે જવાબદાર ઠેરવતી બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને લઈને હંગામો દિવસેને દિવસે વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો હોવા છતાં હૈદરાબાદ યુનિવર્સિટી, JNU અને જામિયામાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગનું કરવામાં આવ્યું હતું. હવે દિલ્હી યુનિવર્સિટી(DU)માં BBCની ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને DUમાં પણ હંગામો થઈ શકે છે.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI), ભીમ આર્મી અને અન્ય વિદ્યાર્થી સંગઠનોએ શુક્રવારે સાંજે 4 અને 5 વાગ્યે નોર્થ કેમ્પસની આર્ટસ ફેકલ્ટી બહાર “ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન” ના સ્ક્રીનિંગનું એલાન કર્યું છે. જોકે DU પ્રશાસને કહ્યું છે કે તેમણે સ્ક્રીનિંગને રોકવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે.
દિલ્હી યુનિવર્સિટી પ્રશાસનના સત્તાવાર નિવેદન અનુસાર, “ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ માટે પરવાનગી લેવામાં આવી નથી. તેને કેમ્પસમાં મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કોઈ ઉપદ્રવ ન થાય. જો ડોક્યુમેન્ટરી કેમ્પસની બહાર સ્ક્રીનીંગ કરવામાં આવશે, તો પોલીસની જવાબદારી રહેશે.”
કેન્દ્ર સરકારે પહેલાથી જ ઈન્ટરનેટ પર બીબીસી ડોક્યુમેન્ટ્રીની લિંકને બ્લોક કરવાની સૂચના આપી દીધી છે. ડોક્યુમેન્ટ્રી અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે ડોક્યુમેન્ટ્રી સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. વિરોધ પક્ષોએ સેન્સરશિપ બદલ સરકારની ટીકા કરી છે.