ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ગત સપ્તાહે આપણે સાઉથ આફ્રિકામાં રહેતા ભારતીયો વિશે વાત માંડેલી. દુનિયાના અનેક સ્થળોએ ગોરા-કાળા વચ્ચેનો રંગભેદ આજેય છે જ. પશ્ર્ચિમના દેશો ભલે ગમે એટલી ડાહી ડાહી વાતો કરે, પણ અમેરિકા જેવા ‘સુધરેલા’ ગણાતા દેશમાં આજેય “Black Lives Matter’ના હેશટેગ ચાલે, એ જ દર્શાવે છે કે પ્રજામાનસમાં રંગદ્વેષ બહુ ઊંડે સુધી ઉતરી ગયો છે. ખેર, આપણે ગોરા-કાળાના સંઘર્ષમાં ઘઉંની માફક પીસાઈ રહેલા ‘ઘઉંવર્ણ’ ધરાવતા લોકોની વાત કરેલી. દક્ષિણ આફ્રિકામાં ઘઉંવરણી ચામડી ધરાવતા ભારતીય સહિતના એશિયન લોકો ગોરી અને કાળી, એમ બન્ને પ્રજાના દ્વેષનું કારણ બની રહ્યાં છે. અને આ સિલસિલો કંઈ આજકાલનો નથી. ઠેઠ ૧૯૪૯માં જ ભારતીય પ્રજાને આ બેવડા રંગદ્વેષનો અત્યંત આકરો અનુભવ થઇ ચૂક્યો છે. એ વિષે જાણતા પહેલા જરા દક્ષિણ આફ્રિકામાં થયેલ પ્રથમ મોટા સંઘર્ષની વાત જોઈએ. એમાંય આડકતરી રીતે ભારતનો ઉલ્લેખ છે જ.
બેટલ ઓફ દીવ
પંદરમી અને સોળમી સદી દરમિયાન અંગ્રેજોની સાથે જ પોર્ટુગીઝ પ્રજા પણ એશિયાના જુદા જુદા પ્રદેશોમાં વેપાર વિકસાવવા મથી રહી હતી. એ સમયે વેપાર માટે સૌથી મહત્ત્વની બાબત હતી લશ્કરી કબજો. જિસકી લાઠી, ઉસકી ભેંસનો નિયમ એ જમાનામાં ખુલ્લેઆમ પાળવામાં આવતો. ઇસ ૧૪૯૮ના મે મહિનામાં પોર્ટુગીઝ દરિયાખેડુ વાસ્કો-ડી-ગામા યુરોપથી ભારત સુધીની પ્રથમ નેવી-ટ્રીપ પૂરી કરે છે. (વાયા કેપ ઓફ ગુડ હોપ-સાઉથ આફ્રિકા). વાસ્કો-ડી-ગામા ભારત આવ્યો એ સાથે જ યુરોપિયન્સ માટે એક અત્યંત મહત્ત્વનો જળમાર્ગ શોધાઈ ગયો, જે ભવિષ્યમાં મોટો ખજાનો સાબિત થવાનો હતો. પરંતુ એમાં આડખીલી રૂપ હતા તત્કાલીન ઇન્ડિયન વેસ્ટ કોસ્ટ પર આણ ધરાવતા મુસ્લિમ શાસકો. પોર્ટુગીઝોએ વેપારની શરૂઆત કરી પણ ગુજરાતના સુલતાનથી માંડીને ઇજીપ્તના સુલતાન સુધીના લોકોને એમાં પોતાના હિત જોખમાતાં લાગ્યાં. આ લોકોએ પોર્ટુગીઝ વેપારીઓ અને એમના જહાજો પર હુમલાઓ અને લુંટફાટ ચાલુ કરી દીધા. એમાં પોર્ટુગીઝો અને મુસ્લિમ ગઠબંધન વચ્ચે તણખા ઝરવાની શરૂઆત થઇ. આખરે ૩ ફેબ્રુઆરી, ૧૫૦૯ના દિવસે દીવના દરિયામાં જંગ ખેલાયો. એક તરફ પોર્ટુગીઝ નૌકાદળ હતું. બીજી તરફ ગુજરાત અને ઇજીપ્તના સુલતાનોનું લશ્કર, વેનીસનું લશ્કર અને ઓટોમન સામ્રાજ્યની કુમકનુ ગઠબંધન હતું! તમે જુઓ, વેપારની વાત આવે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે કેવો ‘ઇન્ટરનેશલ જંગ’ ખેલાઈ ગયો! આ યુદ્ધમાં પોર્ટુગીઝોએ મુસ્લિમ ગઠબંધનને હરાવી દીવનો ઘણો પ્રદેશ જીતી લીધો.
હવે વિચાર આવશે કે દક્ષિણ આફ્રિકાના રંગભેદવાળી વાતમાં દીવના સંઘર્ષની કથા ક્યાં ઘૂસી ગઈ? ઇતિહાસ અદભૂત વિષય છે. અહીં દૂરસુદૂરના પ્રદેશોમાં બનતી તદ્દન જુદી ઘટનાઓના તાણાવાણા એકબીજા સાથે વણાયેલા હોય છે. એ તાણાવાણા ઉકેલતા જાવ તો ઘણી ગુથ્થી આપોઆપ ઉકલી જતી હોય છે. એ માટે જ આજના હપ્તામાં થોડો ઇતિહાસ જાણી લઈએ.
દીવનું યુદ્ધ જીત્યા પછી પોર્ટુગીઝ નૌકાકાફલો ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેઈડા નામક કેપ્ટનના નેતૃત્વ હેઠળ પોર્ટુગલ પાછો ફરી રહ્યો હતો. ડિસેમ્બર, ૧૫૦૯માં આ કાફલો દ. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ નજીકની ‘ટેબલ બે’ (Table Bay) પાસે પહોંચે છે. ત્રણ જહાજો અહીં થોડા મહિના માટે રોકાઈ જાય છે, જેમાં કેપ્ટન ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેઈડાનું જહાજ પણ સામેલ છે. એ જમાનામાં લાંબી દરિયાઈ મુસાફરી દરમિયાન જહાજો આ રીતે દિવસો લાંબા વિસામા લેતા, જેની પાછળ અનેક ટેક્નિકલ કારણો જવાબદાર છે. આ જહાજો ફેબ્રુઆરી, ૧૫૧૦ સુધી અહીં રોકાયા. આ દરમિયાન સ્થાનિક સાઉથ આફ્રિકન આદિવાસી પ્રજા સાથે જહાજના ક્રૂ મેમ્બર્સને કોઈક વાતે વાંધો પડી ગયો. ક્રૂ મેમ્બર્સનું કહેવું હતું કે સ્થાનિકોએ એમનો સામાન ચોરવાની કોશિશ કરી. જ્યારે સ્થાનિકોનો આરોપ હતો કે પોર્ટુગીઝ નૌકા કાફલો સ્થાનિક વિસ્તારમાં પગપેસારો કરીને આખો પ્રદેશ પચાવી પાડવાની ફિરાકમાં છે! ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેઈડા પોતે પણ અંદરખાને એવું જ માનતો હતો કે સ્થાનિકોની વાત સાચી છે. પરંતુ પોર્ટુગીઝ કાફલામાં કેટલાક લોકો કેપ્ટનની વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા. સૌથી મહત્ત્વની બાબત એ હતી કે દીવના જંગમાં ગઠબંધન સેનાને માત આપ્યા બાદ પોર્ટુગીઝ નૌકા કાફલો જુદા જ તાનમાં હશે. અને એ તોરમાં એમણે દ. આફ્રિકાની સ્થાનિક પ્રજાને છંછેડી હોય, એ બનવા જોગ છે! (આપણી વાતમાં ‘બેટલ ઓફ દીવ’નું આટલું જ મહત્ત્વ છે.)
‘બેટલ ઓફ સોલ્ટ રીવર’
વાત વધી પડી અને બન્ને પક્ષો વચ્ચે નાનું એવું યુદ્ધ ખેલાઈ ગયું! શરૂઆતમાં તો અદ્યતન હથિયારો ધરાવતા પોર્ટુગીઝોનો હાથ ઉપર રહ્યો, પરંતુ એ પછી સ્થાનિક આદિવાસીઓએ પોતાનું આગવું યુદ્ધ કૌશલ અમલમાં મૂક્યું. પોર્ટુગીઝ સેના ઉપર ઝેર પાયેલાં તીરોનો વરસાદ વરસાવી દેવાયો. સાથે જ ફિલ્મ ‘બાહુબલી’માં દેખાડ્યું છે એ રીતે આદિવાસીઓએ પોતાના ઢોર છૂટા મૂકી દીધા. સેંકડોની સંખ્યામાં મારકણી ગાય-ભેંસ પોર્ટુગીઝ સેના તરફ ધસી ગઈ! આ બધી યુક્તિપ્રયુક્તિઓને કારણે પોર્ટુગીઝ નૌસૈનિકોનો ખુરદો બોલી ગયો! ૬૪ પોર્ટુગીઝ સૈનિકો અને નૌકા કાફલાના ૧૧ જેટલા કેપ્ટન્સ સહિત ખુદ ચીફ કેપ્ટન ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેઈડા પણ આ યુધ્ધમાં હણાયો. આ યુદ્ધ ‘બેટલ ઓફ સોલ્ટ રીવર’ તરીકે પ્રખ્યાત થયું.
આમ જુઓ તો જગતના ઈતિહાસની સાપેક્ષે આ યુદ્ધ બહુ નાનું હતું, પરંતુ એનાં પરિણામો બહુ મહત્ત્વના હતા. એક સૌથી મોટું પરિણામ તો થોડા જ સમયમાં દેખાયું. એ સમયે પોર્ટુગીઝ, ડચ (હોલેન્ડ), અંગ્રેજો અને ફ્રેંચ શાસકો વચ્ચે વિશ્ર્વમાં ઠેર ઠેર વ્યાપારિક થાણાઓ ઊભા કરવાની હોડ ચાલતી હતી. એમાં પોર્ટુગીઝો ખાસ્સા આગળ હતા. વાસ્કો-ડી-ગામાએ ભારત શોધ્યું અને ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેઈડાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝ નૌકાદળે બેટલ ઓફ દીવમાં વિજય મેળવ્યો, એ પછી પોર્ટુગીઝો એશિયન દેશો – ખાસ કરીને સોને કી ચીડિયા ગણાતા ભારત સાથે બહુ આસાનીથી વેપાર વિકસાવી શકે એમ હતા. પરંતુ બેટલ ઓફ સોલ્ટ વોટરને પગલે પોર્ટુગીઝોએ પોતાની આખી નીતિ બદલવી પડી. કેપ ઓફ ગુડ હોપના વિસ્તારની સ્થાનિક આદિવાસી પ્રજા પોર્ટુગીઝોને પોતાના દુશ્મન માનતી થઇ ગયેલી. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે પોર્ટુગીઝ જહાજો સ્થાનિક આદિવાસી પ્રજા સાથેનું ઘર્ષણ ટાળવા દક્ષિણ આફ્રિકાના કિનારાઓ સુધી નહિ જાય.
આ નીતિનું પરિણામ એ આવ્યું કે આ વિસ્તારોમાં અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચોની સરખામણીએ પોર્ટુગીઝોનો દરિયાઈ વેપાર બહુ મર્યાદિત થઇ ગયો, જેને પરિણામે સમય જતા અંગ્રેજો આ વિસ્તારમાં બળુકા બનતા ગયા. દીવ જીતીને પાછા ફરી રહેલા પોર્ટુગીઝ નૌકાકાફ્લાના સભ્યોએ સ્થાનિકો સાથે માથાકૂટ ન કરી હોત, તો કદાચ ઇતિહાસ જરા જુદા પ્રકારનો હોત! (જો બેટલ ઓફ સોલ્ટ રીવર ન થઇ હોત, તો શું ભારત પર અંગ્રેજોને બદલે પોર્ટુગીઝોએ રાજ કર્યું હોત?! હાલ તો આ માત્ર કલ્પનાનો વિષય છે.)
હવે ફરીથી વાત મૂળ વિષય – રંગભેદ તરફ વળીએ. ભારતીયો માટે આ બેટલ ઓફ સોલ્ટ રીવરનું કોઈ સીધું મહત્ત્વ નથી. પણ કાળી પ્રજાની માનસિકતા ઉપર આ યુદ્ધની ઘેરી અસર છે. દક્ષિણ આફ્રિકન પ્રદેશોના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ હતો, જેમાં કાળી પ્રજાએ ગોરી પ્રજાને હણી નાખી હોય! આ ઘટના પછી સ્થાનિક આદિવાસી પ્રજા ગોરાઓને પોતાના દુશ્મન તરીકે જોતી થઇ. દક્ષિણ આફ્રિકાની સ્થાનિક પ્રજા માટે આ યુદ્ધ કેટલું મહત્ત્વનું છે, એનો અંદાજો ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ થાબો મબેકીના સ્ટેટમેન્ટ પરથી આવશે. નેલ્સન મંડેલા પછી દક્ષિણ આફ્રિકાના બીજા અશ્વેત પ્રમુખ બનનાર મબેકીએ બેટલ ઓફ સોલ્ટ વોટરને first moment of black anti-colonial struggleગણાવ્યું છે! ગોરી પ્રજા ચાલાક હતી, અને પહેલેથી જ કાળી ચામડી ધરાવતી આદિવાસી પ્રજાને ‘ગુલામ’ તરીકે જોતી હતી. પણ કેપ ઓફ ગુડ હોપ ખાતે ખેલાયેલ બેટલ ઓફ સોલ્ટ રીવર પછી દક્ષિણ આફ્રિકાની કાળી પ્રજા પણ ધોળિયાઓને પાકા દુશ્મન ગણતી થઇ. પોર્ટુગીઝો સામેનો રોષ સમયાંતરે બીજી યુરોપિયન પ્રજા તરફ પણ ફંટાયો. જો કે એમાં છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન ઘટેલી અનેક ઘટનાઓ જવાબદાર છે. સ્થાનિક પ્રજાએ લાંબો સમય ગુલામી વેઠવી પડી. આ ગુલામીએ કાયમી દુશ્મનાવટ ઊભી કરી. ભારતીય પ્રજાએ આ બધામાં જે વેઠવું પડ્યું, એની વાત હવે પછી.