દોઢ કરોડ લોકોનું પવિત્ર સ્નાન: પ્રયાગરાજમાં શનિવારે ‘મૌની અમાસ’ નિમિત્તે ‘માઘમેળા’ દરમિયાન લાખો હિન્દુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદી અને તેના સંગમમાં સ્નાન કર્યું હતું. (એજન્સી)
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે મૌની અમાવસ્યા – ચાલુ માઘમેળાના ત્રીજા સ્નાન ઉત્સવ પ્રસંગે લગભગ દોઢ કરોડ લોકોએ કડકડતી ઠંડીમાં ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી.
માઘમેળામાં ગંગા, યમુના તથા અદશ્ય સરસ્વતી નદીના સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. મૌની અમાવસ્યા હોવાથી ડૂબકી લગાવી હતી. મધરાતથી જ હજારો લોકો ઊમટવા લાગ્યા હતા. આજે પારંપરિક વિધિ સાથે જ પવિત્ર સંગમ સ્થળે ડૂબકી લગાવી હતી. મા ગંગાની પૂજા કરીને દીપદાન અર્પણ કર્યું હતું. ડિવિઝનલ કમિશનર (પ્રયાગરાજ) વિજય વિશ્ર્વાસ પંતે જણાવ્યું હતું કે મૌની અમાવસ્યા અને શનિ અમાવસ્યા માટે શુક્રવારે સંગમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ’મેળા’ વિસ્તારમાં પહોંચ્યા હતા.
શુક્રવારે મધરાતે ૧૨ વાગ્યાથી શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં દોઢ કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી.
મેળામાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા માટે ૫૦૦૦થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કડકડતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓની આસ્થા અડગ હતી અને ઉત્સાહમાં કોઈ કમી માલૂમ પડી ન હતી. પવિત્ર સ્નાનનો દિવસ હોવાથી માઘમેળામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. અર્ધ લશ્કરી દળો તૈનાત કરાયા હતા. દૂર્ઘટના ન બને તે માટે તરવૈયા જવાનો પણ સામેલ હતા. સર્વાર્થ સિદ્ધિ યોગમાં ડૂબકી લગાવવા જબરી ભીડ થઈ હતી
નદી એમ્બ્યુલન્સ અને તરતી પોલીસચોકીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી, બોડી કેમેરા અને ડ્રોન કેમેરા દ્વારા ભીડ પર નજર રાખવામાં આવી રહી છે.
મૌની અમાવસ્યા પર મેળામાં અનેક જાણીતા સંતો આવ્યા હતા.
નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ સંગમમાં ડૂબકી લગાવી હતી.
આગામી સ્નાન ૨૬મી જાન્યુઆરીએ બસંત પંચમી અને પાંચમી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમાના રોજ થશે.
માઘમેળાનું સમાપન ૧૮મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના રોજ અંતિમ સ્નાન સાથે થશે. (એજન્સી)