ઉઘાડ પગે -ઉઘાડે છોગે

પુરુષ

તન-દુરસ્તી મન-દુરસ્તી – મુકેશ પંડ્યા

ઘરમાંય ચંપલ પહેરીને ફરતી નવી પેઢી આ લેખ ખાસ વાંચે
—-
ગૌરી-ગણપતિના વિસર્જન સમયે રસ્તા પર સારા ઘરના પુરુષ મહિલાઓમાંથી કેટલાક લોકો ખુલ્લે પગે નજીકના તળાવ કે દરિયા કિનારે ઉબડ ખાબડ રોડ પર નાચતા-નાચતા પહોંચતા હતા ત્યારે લાગ્યું કે ભારતમાં ઉત્સવ નિમિત્તે હજી પણ ઘણા લોકો ડાઉન ટુ અર્થ થાય છે ખરા. ધરતી માતા સાથે તેમને સીધો સંપર્ક છે ખરો. એક સમય હતો જ્યારે તમારી-મારી દાદીને નાની ગામની વચ્ચે આવેલા કૂવા-વાવમાં પાણી ભરવા જતી હતી કે તળાવ સુધી કપડા ધોવા જતી ત્યારે ઉઘાડપગે જતી. ચંપલનો વપરાશ જ્વલ્લે જ થતો. છતાંય ૯૦-૧૦૦ વર્ષ સારી રીતે જીવતી. આજની પેઢી બાથરૂમ જાય કે કિચનમાં કે પછી દિવાનખાનામાં હોય અલગ અલગ પ્રકારના ફેશનેબલ જૂતા પહેરે છે. આ જૂતા એવા હોય છે જે તેઓ ઘરમાંય બહાર નીકળે ત્યારે પહેરીને ફરતા હોય છે. ઘરની બહાર નીકળે ત્યારે તો પાછા અલગ જૂતા હોય જ.
૨૩ ઑગસ્ટે મુંબઇના વિલેપાર્લામાં એક મહિલા મંડળમાં પ્રવચન આપીને નીકળતો હતો ત્યારે એક પ્રૌઢ મહિલાએ કહ્યું કે અમે નાના હતા ત્યારે નિશાળેથી ઘરે આવીને દફતર લટકાવી બહાર ખુલ્લા પગે રમવા નીકળી જતાં. લંગડી, ખોખો, દોરડાકૂદ, સંતાકુકડી જેવી રમતો રમવા ડામરની ગલીઓ પર દોડાદોડ કરતાં, આજે મારા છોકરાંઓ ઘરમાંય ચંપલ પહેરીને ફરે છે. હું તેમને ઘરમાં ચંપલ કાઢીને ફરવા કહું તો તેઓ મને જૂનવાણી કહે છે.
ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેન એક વાર મુંબઇની એક જાણીતી ક્લબમાં વગર ચંપલે પહોંચી ગયા હતા તેમને પ્રવેશ અપાયો ન હતો. તેઓ ૯૨ વર્ષ જીવ્યા. તેમણે તેમના લાંબા આયુષ્યનો શ્રેય બે બાબતોને આપ્યો હતો. એક મિતાહાર અને બે ખુલ્લા પગે ચાલવું.
એક ભૂતપૂર્વ મેડિકલ ઇન્ચાર્જ ડૉક્ટરના જણાવ્યા મુજબ જ્યારે જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે શરીર અને મનને સારી અનુભૂતિ થાય છે. સવારે ભીની જમીન કે ઝાકળથી ભીંજાયેલ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી કંઇક અલગ જ ખુશી મળે છે. અત્યારે ઘણા લોકો ઘરમાં પણ ચંપલ પહેરીને ફરતા હોય છે તેને બદલે ઘરની અંદર ખુલ્ લા પગે ચાલવું જોઇએ. સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ખુલ્ લા પગે રસોડામાં જવું જોઇએ જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. હા કોઇ મોટી સમસ્યા હોય તો બાથરૂમમાં ચંપલ પહેરી શકાય.
ખુલ્લા પગે ચાલવાથી
ક સ્ટ્રેસ, ડિપ્રેશનમાં ફાયદો થાય છે.
ક સાઇટિકા કે કમરદર્દમાં પણ ખૂબ રાહત થાય છે.
ક ખુલ્લી હવામાં પગની પાનીને ખૂબ પ્રમાણમાં ઑક્સિજન મળે છે.
ક લોહીનું પરિભ્રમણ સારું રહે છે જેના કારણે થાક લાગતો નથી.
જર્નલ ઓફ એનવાયરનમેન્ટ એન્ડ પબ્લિક હેલ્થના એક અહેવાલ મુજબ માનવીમાં ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ફક્ત એટલા માટે થાય છે કે તેઓ પર્યાવરણ અને પૃથ્વીના સંપર્કમાં નથી રહેતા. ધરતીમાં નેચરલ હિલિંગ પાવર હોય છે. આપણે ત્યાં તો ધરતીને માતા કહીને બોલાવીએ છીએ. એક સંશોધન મુજબ પૃથ્વીના ઇલેક્ટ્રોન્સ સાથે સીધા સંપર્કમાંથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. પૃથ્વીમાતા પર ઉગેલા લીલાછમ ઘાસ પર ચાલવાથી આંખને ઘણો ફાયદો થાય છે. લીલો રંગ અતિ ઉષ્ણ નથી અને અતિ શીતળ પણ નથી. જમીન અથવા ઘાસ પર ખુલ્લા ચાલવાથી આપણા હૃદયના ધબકારા સામાન્ય થઇ જાય છે તેના કારણે શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ નીકળે છે જે આપણા શરીરનું તાપમાન બરાબર રાખે છે.
આપણે કોરોનાકાળમાં જીવતા હતા ત્યારે ડૉક્ટરો રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કહેતા હતા. રોગપ્રતિકારક શક્તિ વધારવા સૌથી સારી બાબત એ છે કે ઘાસ અથવા જમીન પર ખુલ્લા પગે ચાલવું, પણ આજકાલના યુવાનો ઘરે પણ ચંપલ પહેરીને ફરે છે.
જો તમે સવારે વહેલા ઊઘાડા પગે ચાલશો તો તમને સૂર્યમાંથી વિટામિન ડી પણ મળશે. આ વિટામિન ડી ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પરંતુ તમને ઘણી મોટી બીમારીઓથી પણ બચાવે છે.
ઘણા લોકો સવારની કસરતના એક ભાગરૂપે કાંકરા પર ચાલે છે. કાંકરા એ કુદરતી માલિશ છે. તે પગના નાના સ્નાયુઓનો મસાજ કરે છે. તેમને મજબૂત બનાવે છે. સાંધા ખેચાય છે અને મજબૂત થાય છે.
એક્યુપ્રેશરની થિયરી મુજબ પગની પાની પર ઘણા એવા ચાર્જિંગ પોઇન્ટ્સ છે જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલા છે. ખુલ્લા પગે કાંકરિયાળી જમીન પર ચાલવાથી આ પોઇન્ટ્સ સક્રિય થાય છે જેનો લાભ શરીરના બધા ભાગોને મળે છે.
ડૉક્ટરો પણ ભલામણ કરે છે કે સપાટ પગથી પીડાતા દરેક વ્યક્તિએ શક્ય તેટલીવાર તેમના જૂતા ઉતારી દેવા. કારણ કે આ રીતે ચાલવાથી પગના અસ્થિબંધન, હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આંકડા એવું દર્શાવે છે કે પુખ્ત વસ્તીના લગભગ નેવું ટકા લોકો સપાટ પગથી પીડાય છે. કોઇપણ ઓર્થોપેડિક વિકૃતિઓના નિવારણ માટે પણ ખુલ્લા પગે ચાલવું એક શ્રેષ્ઠ કસરત છે.
બહાર ખુલ્લા પગે ચાલતાં પગની પાની મેલી થાય છે. અસંખ્ય બેક્ટેરિયા અને વાયરસ પણ જમા થાય છે એટલે ઘરે આવીને પગની પાનીને સારી રીતે ધોઇ નાખવી જોઇએ. બને તો તેલનો માલિશ કે મોઇશ્ર્ચરાઇઝર લગાડી શકાય. અતિશય ઠંડી કે અતિશય ગરમ જમીન પર ચાલવાનું ટાળવું જોઇએ. જો ચાલવું જ હોય તો ધીરેધીરે ઉષ્ણતામાનમાં ઘટાડો કે વધારો કરવો જોઇએ. કોઇ નિષ્ણાતોની મદદ લેવી જોઇએ.
એક સમય હતો કે કોઇ ભારતીય ભક્ત મંદિરમાં કે ઘરમાં ભગવાનના મંદિર સામે સાષ્ટાંગ પ્રણામ કરીને ઊર્જા મેળવતા હતા. આજે પગની પાનીને પણ જમીન સાથે સ્પર્શ કરાવવામાં સંકોચ અનુભવે છે. જો કોઇ ખાસ બીમારી કે એલર્જી ન હોય તો ખુલ્લા પગે ચાલીને તનદુરસ્તી-મનદુરસ્તી મેળવવાનું ભૂલશો નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.