બગદાણા ધામ ખાતે બાપાના દર્શનાર્થે જનમેદની ઊમટી

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જિલ્લામાં આવેલા બગદાણામાં બે વર્ષ બાદ ગુરુપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બગદાણા ખાતેના ગુરૂ આશ્રમમાં વહેલી સવારથી ભીડ ઊમટી પડી હતી. સાંજ સુધીમાં લાખો ભગતોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે ધાર્મિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં બગદાણા ધામ ખાતે દર વર્ષે ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે આ મહાપર્વની ઉજવણી થઈ શકી ન હતી, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં રહેતા સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈનના પાલન સાથે મહાપર્વની ઉજવણી કરવાની છૂટછાટ જાહેર કરી છે ત્યારે માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં વિખ્યાત સંત શિરોમણી બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.
બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે બાપાને સવારે પાંચ વાગે મંગળા આરતી, સાત વાગે ધ્વજ પૂજન, ૭:૩૦ ધ્વજા રોહણ તથા ૮:૩૦ વાગે ગુરુપૂજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
જિલ્લાના સ્વયંસેવક મંડળના ૮૭ ગામોના ૨૦૦૦ થી વધુ ભાઈઓ અને ૫૦૦થી વધુ મહિલાઓ દ્વારા ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત ૧૩૦ પોલીસ કોન્સ્ટેબલ, એક પીઆઈ, પાંચ પીએસઆઈ તેમ જ ૯૦ હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.