ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને હાલાકી, મોટરમેન્સની સતર્કતાને કારણે હોનારત ટળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં મસ્જિદ બંદર અને સેન્ડહર્સ્ટ રોડની વચ્ચે ઓવરહેડ ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ (ઓએચઈ) પર બેનર પડવાને કારણે બુધવારે મધ્ય રેલવેની ટ્રેનસેવા પર અસર પડી હતી, પરંતુ મોટરમેન્સની સતર્કતાને કારણે મધ્ય રેલવેમાં મોટી હોનારત ટળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે સવારના ૧૦.૫૮ વાગ્યાના સુમરો મસ્જિદ બંદર અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની વચ્ચે કલ્યાણ દિશાની સ્લો લાઈન (૩/૧૦૨ કિલોમીટર)માં ઓવરહેડ વાયર પર એકાએક બેનરનું કપડું પડી ગયું હતું. ઓએચઈ પર બેનરનું કપડું પડવાને કારણે વીજવ્યવહાર ખોટકાયો હતો, પરંતુ એ જ ક્ષણે ટ્રેક પરની લોકલ ટ્રેનોના મોટરમેનોને જાણ થયા બાદ ઈમર્જન્સીમાં ઊભી થયેલી પરિસ્થિતિને અંકુશમાં લાવ્યા હતા અને મોટી હોનારત ટળી ગઈ હતી, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ઓવરહેડ વાયર પર બેનર તૂટી પડવાને કારણે ડાઉન લાઈનની ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી તથા લગભગ ૧૧.૨૩ વાગ્યાના સુમારે ટ્રેનસેવા ચાલુ થઈ હતી. આમ છતાં આ સમય દરમિયાન ડાઉન લાઈન અને અપ લાઈનના મોટરમેને પરિસ્થિતિની જાણ થવાને કારણે ઈમર્જન્સી બ્રેક મારીને અકસ્માતને ટાળી દીધો હતો. આ મુદ્દે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે કહ્યું હતું કે ૧૦.૫૮ વાગ્યાના સુમારે ઓવરહેડ વાયર બેનર તૂટવાને કારણે ટ્રેનવ્યવહાર ખોટકાયો હતો, પરંતુ ત્રણેક લોકલ ટ્રેનના મોટરમેન (પી. એસ. સકપાલ, વી. એસ. જકાતે, મિલિંદ શેળકે)ની સતર્કતાને કારણે હોનારત ટળી ગઈ હતી. સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક ડાઉન લાઈનમાં ઓએચઈ પર બેનર તૂટ્યું હોવાની જાણ થયા બાદ સકપાલે સૌથી પહેલા ટ્રેન (થાણે-સીએસએમટી)ને રોકી હતી. એની પાછળની બીજી અપ લાઈનની ટ્રેનના મોટરમેન પી. એસ. સકપાલે ઈમર્જન્સી બ્રેક મારીને ટ્રેન રોકી દીધી હતી, જ્યારે ડોંબિવલી લોકલના મોટરમેન અને ગાર્ડને તેની જાણ કરી હતી. મોટરમેન અને ગાર્ડની સમયસૂચકતાને કારણે હોનારત ટળી ગઈ હતી, પરંતુ ટ્રેનસેવા પર દિવસભર અસર પડી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ સહિત ઉપનગરમાં દિવસભર ભારે વરસાદની સાથે પવન ફૂંકાવવાની સાથે દિવસભર મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનો દિવસભર પંદરથી વીસ મિનિટ મોડી દોડતા પ્રવાસીઓને હાલાકી પડી હતી, જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી.

 

Google search engine