Homeઉત્સવડેટ ફંડ પરની કરવેરાની અસર સમજયા વિના બૅંક એફડી પાસે દોડી જવાય...

ડેટ ફંડ પરની કરવેરાની અસર સમજયા વિના બૅંક એફડી પાસે દોડી જવાય નહીં

નિયમોના પાલનમાં વધતી જતી જવાબદારી બિઝનેસમેનથી લઈ સામાન્ય ગ્રાહકોને પણ પજવે છે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા શુક્રવારે ફાઈનાન્સ બિલ (બજેટ) ૨૦૨૩ને આશરે ૪૫ જેટલાં સુધારા સાથે સંસદમાં પસાર કરવા રજૂ કર્યું હતું. જાણે કે એક માઈક્રો મિનિ બજેટ બહાર પાડયું હોય એવું લાગે તે પ્રકારની કેટલીક જાહેરાત તેમાં કરાઈ, જેમાં મુખ્યત્વે તો કાનૂની કે કરવેરાની જોગવાઈઓમાં સુધારા કરાયા છે. આ કરવેરાની જોગવાઈના સુધારા અને તેની અસરો સમજવી મહત્ત્વની છે.
ડેટ ફંડના લાભ એફડીના લાભ કરતા વધુ
આમાં સૌથી ચર્ચાસ્પદ બનેલી જાહેરાતમાં મ્યુચ્યુઅલ ફંડના ડેટ ફંડને ખાસ ટાર્ગેટ કરાયા છે. જેમાં એવું કહેવાયું છે કે જે ડેટ ફંડ ૩૫ ટકાથી ઓછું રોકાણ ઈક્વિટીમાં કરશે તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસનો લાભ મળશે નહીં, જે હાલ ૨૦ ટકા અને ઈન્ડેકસેશન સાથે મળે છે. કિંતુ હવે પછી તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાગુ થશે. જોકે આ નવો નિયમ તા.૧ એપ્રિલ ૨૦૨૩ બાદના ડેટ ફંડમાં કરાયેલા રોકાણને લાગુ થશે. હાલના હોલ્ડિંગને નહીં. આને કારણે ઘણાં મ્યુચ્યુઅલ ફંડસે ફટાફટ કેટલીક ડેટ યોજનાઓ જાહેર પણ કરી દીધી હતી. મ્યુચ્યુઅલ ફંડ માટે બોન્ડસ વગેરે જેવા ડેટ સાધનોમાં રોકાણનું આગવું મહત્વનું છે. સરકારે એ ભૂલવું જોઈએ નહીં. કોર્પોરેટસ આ માર્ગે સારું એવું ભંડોળ મેળવે છે. જેને રોકવાથી બિઝનેસના વિકાસને અસર થઈ શકે છે. બીજીબાજુ વધુને વધુ લોકોને ઈક્વિટી તરફ વાળવામાં જોખમ પણ વધે છે એ નોંધવું રહ્યું.
ટેકસ માટે લાંબો સમય મળે છે
ડેટ ફંડ પર નાણાં ખાતાએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસને સ્થાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ લાગુ કરવાની જાહેરાત કરી છે તેને જરાં અલગ રીતે પણ જોઈ શકાય છે. માત્ર આને કારણે બૅંક એફડી તરફ દોડી જવાની જરૂર હોવી જોઈએ નહીં. ડેટ ફંડના અન્ય લાભ પણ સમજવા જોઈએ. જેમ કે ડેટ ફંડના કરનો લાભ ઓછો થયો છે, નાબૂદ થઈ ગયો નથી. બીજી વાત, એફડી પર તમારે દર વરસે મળતા વ્યાજ પર ટેકસ ભરવાનો થાય છે, જયારે કે ડેટ ફંડમાં જયારે તમે નાણાં ઉપાડો ત્યારે જ ટેકસ ભરવાનો થાય, તમે ડેટ ફંડનું રોકાણ દસ વરસ રાખી મૂકો તો દસ વરસ સુધી ટેકસ લાગુ થતો નથી. લાંબા ગાળા માટે કરજવાબદારી પાછળ ઠેલવાનો આ એક વિકલ્પ છે. ડેટ ફંડનું રોકાણ એક પ્રકારનું ડાઈવર્સિફિકેશન પણ છે, જે તમારા રોકાણના જોખમને અંકુશમાં રાખે છે.
બેલેન્સિંગ અને આંશિક ઉપાડ સંભવ
વધુમાં ડેટ ફંડમાં તમે વચ્ચેથી પણ આંશિક નાણાં ઉપાડી શકો છો, જેમાં તમને કોઈ પેનલ્ટી લાગતી નથી, જયારે કે એફડીમાં તમે વચ્ચેથી નાણાં ઉપાડવા જાવ તો પ્રિમેચ્યોર ઉપાડ બદલ પેનલ્ટી લાગુ થાય છે. ડેટ ફંડમાં તમે કયારે પણ નાણાં ઉપાડી શકવાનો વિકલ્પ પણ ધરાવો છો, અચાનક તમને જરૂર પડી અને નાણાં જોઈતા હોય તો તમે આંશુક રિડમ્પશન કરાવવાની સવલત મેળવી શકો છો. આમ પણ પોર્ટફોલિયો બેલેન્સિંગ માટે પણ ડેટ ફંડ મહત્ત્વનું બની રહે છે. બૅંક એફડીના વ્યાજદરનો એક આધાર વ્યાજદરના ઓવરઓલ માહોલ પર રહે છે. જેમાં એફડીના વ્યાજદર ઘટી પણ શકે, જેમ હાલ સંજોગોને આધિન વધ્યા છે. ઈન શોર્ટ, ડેટ ફંડ પરના ટેકસેસનમાં ફેરફારને સમજયા વિના સીધા બૅંક એફડી પાસે દોડી જવાની આવશ્યકતા નથી.
સતત નવા નિયમોના પાલન
હવે પછી એપ્રિલથી તમે ડેરિવેટિવ્ઝના સોદા કરશો ત્યારે તમારે સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ (એસટીટી) વધુ ભરવો પડશે. એપ્રિલથી તમે મ્યુચ્યુઅલ ફંડની ડેટ યોજનાઓમાં રોકાણ કરશો તો તમારો કરબોજ વધશે. તમે આધાર અને પેનને લિન્ક નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, તમે બૅંક એકાઉન્ટમાં નોમિનેશન નહીં કરાવો તો પણ તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, આવા જાત-જાતના ફતવા સરકારી સંસ્થાઓ, નિયમન સંસ્થાઓ બહાર પાડીને બેસી જાય છે અને આ ક્ષેત્રમાં કામ કરતા તમામ વર્ગ એ વિધિ પૂરી કરવામાં મુંઝાય છે અને સમયની મર્યાદામાં કરવાનું હોવાથી હેરાન-પરેશાન થઈ જાય છે. અલબત્ત, હાલ તો સેબીએ શેર ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ માટેની પેન – આધાર લિન્કની મુદત લંબાવી દીધી છે. જોકે આ દરમ્યાન બધાં હેરાન થતા રહ્યા એ વાત જુદી છે. મ્યુચ્યુઅલ ફંડના નોમિનેશન વિશેની મુદત પણ લંબાવી દેવાઈ છે. ખૈર, દેર આયે દુરસ્ત આયે, નિયમન સંસ્થાના વ્યવહારું અભિગમને આવકારવો રહ્યો.
બિઝનેસ કરવો કે કમ્પલાયન્સ
વાસ્તવમાં નિયમન સંસ્થા-સરકાર તરફથી બિઝનેસ વર્ગ પર કમ્પલાયન્સ એટલા બધાં વધતા જાય છે કે માર્કેટ મધ્યસ્થીઓ બિઝનેસના કામકાજ કરતા કમ્પલાયન્સના કામકાજમાં મહત્તમ વ્યસ્ત રહે છે. પરિણામે આ કમ્પલાયન્સ જરૂરી હોવા છતાં તે બોજરૂપ અને અવ્યવહારું બની જાય છે. સત્તાવાળાઓ નિયમ પાલનની જાહેરાત તો કરી દે છે, કિંતુ તેના પાલનમાં કેવી અવ્યવસ્થા ચાલતી હોય છે તેની સરકારને ખાસ જાણ હોતી નથી અને જેમણે પાલન કરાવાનું છે તેમની પાસે આદેશને માન્યા સિવાય કોઈ છૂટકો નથી. દાખલા તરીકે બૅંકોમાં નોમિનેશન માટેના ફોર્મ ભરવા લોકો જાય ત્યારે બેંકોના સ્ટાફની શોર્ટેજ અને માળખાંકીય વ્યવસ્થાના અભાવમાં આખરે તો સામાન્ય ધારકો જ સહન કરે છે. કયાંક કોઈ બરાબર જવાબ આપતું નથી, માર્ગદર્શન કરતું નથી. ફોર્મ ભરીને આપો તો તેને ચકાસ્યા વિના સીધા કબાટ યા ટેબલના ખાનાઓમાં ઠાલવે છે. સરકારી બેંકોમાં તો લગભગ દરેક શાખામાં ઓવરલોડ વર્ક છે, પરિણામે ગ્રાહકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. સંસ્થાના બિઝનેસના રૂટિન કામો અટવાયા કરે છે. માની લઈએ કે આ નોમિનેશનના પાલનથી લાભ ગ્રાહકોને થવાનો છે, કિંતુ અચાનક આવી પડતા નિયમો અને તેને પૂરા કરવાની મુદતની હાયમાં ગ્રાહકો અને માર્કેટ મધ્યસ્થીઓ બંને પિસાય છે.
ડેરિવેટિવ્ઝના સોદાને ડંડો
બીજીબાજુ ફાઈનાન્સ બિલમાં કરાયેલી જાહેરાત મુજબ શેરબજારમાં ફયુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગમાં ઓપ્શન્સ કોન્ટ્રેકટના વેચાણ પર એસટીટી અગાઉના રૂ. એક કરોડ પર રુ.૧૭૦૦ સામે વધારીને રૂ. ૨૧૦૦ અને ફયુચર્સ કોન્ટ્રેકટસના વેચાણ પર અગાઉના રૂ. એક કરોડ પર રૂ.૧૦૦૦૦ સામે વધારીને રુ.૧૨૫૦૦ કરી દીધા છે. આમ ટ્રેડર્સ વર્ગને મોટો ફટકો અને આંચકો આપ્યો કહી શકાય. આ દરમ્યાન એનએસઈએ કેશ ઈક્વિટી માર્કેટ સેગમેન્ટ અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પહેલી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કરાયેલા ૬ ટકાના વધારાને પહેલી એપ્રિલ, ૨૦૨૩થી પરત ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, આમ એકસચેંજે બીજા માર્ગે ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. એનએસઈ હવે ઈન્વેસ્ટર્સ પ્રોટેકશન ફંડમાં
પદ્ધતિસરનો વધારો કરવા માટે કેશ ઈક્વિટી માર્કેટ, ઈક્વિટી ફ્યુચર્સ સેગમેન્ટમાં પ્રતિ કરોડના વોલ્યુમ પર રૂ.૦.૦૧ને બદલે કરોડદીઠ રૂ.૧૦નો અને ઈક્વિટી ઓપ્શનમાં રૂ.૦.૦૧ને બદલે કરોડદીઠ રૂ.૫૦નો ચાર્જ વસૂલ કરશે.
ડેરિવેટિવ્ઝ ડેન્જરસ છે તો પણ…
નાણાં ખાતું એફ એન્ડ ઓ ના સોદાઓ પર આમ પણ અંકુશ આવે યા આ સેગમેન્ટનો સટ્ટો ઘટે તેવું માને છે અથવા આ સટ્ટોડિયા વર્ગ વધુ કરબોજ ઊઠાવે એવું માને છે. ડેરિવેટિવ્ઝમાં આમ પણ મોટાભાગના ટ્રેડર્સ લોસ કરતા હોય છે ત્યાં વળી આ કરવેરાનો બોજ વધારાયો છે, શું સરકાર લોકો ડેરિવેટિવ્ઝમાં ઓછો ભાગ લે તેવું ઈચ્છે છે? એક અહેવાલ મુજબ દસમાંથી નવ ટ્રેડર્સ ડેરિવેટિવ્ઝમાં લોસ કરે છે, તેમ છતાં સેબી કેમ નવા-નવા કોન્ટ્રેકટને મંજૂરી આપે છે એ સવાલ થાય છે. આમ પણ આ કેવળ સટ્ટો છે અને અનેક લોકોને બરબાદીના માર્ગે લઈ જાય છે. વોરેન બફેટ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ તો ડેરિવેટિવ્ઝને ફાઈનાન્સિયલ માર્કેટના વિનાશક શસ્ત્રો કહે છે.
અર્થકારણ અને રાજકારણ
આ પહેલાંના ગુરુવારે લોકસભામાં સરકારે રૂ. ૪૫ લાખ કરોડના ખર્ચનું બિલ પસાર કર્યું હતું. બીજીબાજુ વિરોધ પક્ષો અદાણી-હિન્ડનબર્ગ કેસમાં જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી) ની તપાસની માગણી કરી રહ્યા હતા. આ શોરબકોર વચ્ચે નાણાં પ્રધાને બિલ પાસ કરાવી લીધું હતું. આ બધાં વચ્ચે રાહુલ ગાંધીનું પ્રકરણ ગાજયું. આપણા દેશની કમનસીબી એ છે કે અહીં અર્થકારણની ઉપર વારંવાર રાજકારણ સવાર થઈ જાય છે. તેમાં વળી કૌભાંડો, ગેરરીતિઓ, વગેરેથી બચવા વધતા જતા નીતિ-નિયમોના અનુપાલનથી એક સાંધો ને તેર તૂટે જેવો ઘાટ સર્જાય છે. ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ઉપર ડિફિકલ્ટ ટુ ડુ બિઝનેસ છવાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -