તમે પણ તમારા મોબાઈલ પર આવેલા મેસેજની કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વિના લિંક પર ક્લિક કરો છો? જો આ સવાલનો જવાબ હામાં હોય તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. મુંબઈમાં હાલમાં જ એક પ્રાઈવેટ બેંકના 40 જેટલા ગ્રાહકોને લાખો રૂપિયાનો ચુનો લગાવવામાં આવ્યો છે. આ 40 ગ્રાહકોની એક જ ભૂલને કારણે ત્રણ દિવસમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મોબાઈલ પર આવેલી મેસેજની લિંક પર ક્લિક કરીને તેમણે મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો હતો. મુંબઈ પોલીસે આ ઘટનાની નોંધ લઈને નાગરિકોને સતર્ક રહેવાનો ઈશારો આપ્યો છે.
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો 40 ગ્રાહકોને કેવાયસી અને પેન કાર્ડની માહિતી અપડેટ કરવા માટેનો એક બનાવટી મેસેજ મોકલવામાં આવ્યો હતો. એકાઉન્ટ હોલ્ડરોએ મેસેજની પૂરી તપાસ કર્યા વિના જ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું અને બસ આ એક ભૂલને કારણે તેમના એકાઉન્ટ સાફ થઈ ગયા હતા.
આ ઘટના બાદ મુંબઈ પોલીસે નાગરિકોને સતર્ક કહેવાની સૂચના આપી છે. પોતાની પર્સનલ માહિતી પૂછતી લિંક પર ક્લિક કરતાં પહેલાં સતર્ક રહો એવી ભલામણ પણ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે. છેતરપિંડી કરનારા લોકો ગ્રાહકોને બોગસ મેસેજ ફિશિંગ લિંક સાથે મોકલાવે છે અને આ મેસેજમાં તમે કેવાયસી કે પેનકાર્ડની માહિતી અપડેટ નહીં કરો તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવે છે.
આ લિંક પર ક્લિક કરો એટલે તમે બનાવટી બેંકની વેબસાઈટ પર જાવ છો અને ત્યાં તમને તમારો કસ્ટમર આઈડી, પાસવર્ડ અને બીજી પર્સનલ ઈન્ફોર્મેશન પૂછવામાં આવે છે. આ માહિતી આપ્યા બાદ તમે આ ધૂતારાઓની જાળમાં ફસાઈ જાવ છે. આ જે 40 લોકોની છેતરપિંડી કરવામાં આવી છે તેમાં ટીવી એક્ટ્રેસ શ્વેતા મેમણનો પણ સમાવેશ થાય છે.
શ્વેતા મેમણ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેંક દ્વારા આ મેસેજ મોકલવામાં આવ્યો હોવાનું સમજીને મેં લિંક પર ક્લિક કરીને મારી પર્સનલ ઈન્ફોર્મેશન શેર કરી હતી. ત્યાર બાદ મને એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ બેંક કર્મચારી તરીકે આપી હતી અને એણે મને મારા ફોન પર આવેલો નવો ઓટીપી આપવા જણાવ્યું હતું. જેવું મેં ઓટીપી આપ્યું એટલે તરત જ મારા એકાઉન્ટમાંથી 57,636 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
તમે પણ આવી ભૂલ તો નથી કરતાં ને? ચેતી જજો નહીંતર થશે આવા હાલ
RELATED ARTICLES