અમેરિકામાં ફરી એક વાર બેંકિંગ કટોકટી જોવા મળી રહી છે. યુએસ રેગ્યુલેટરે મુખ્ય બેંકોમાંની એક સિલિકોન વેલી બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશનએ આ બેંકને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે, ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને બેંક રીસીવરની જવાબદારી સોંપાઈ છે. ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવાની જવાબદારી પણ આપવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને પણ એક ટીમની રચના કરી છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ ભારતીય રોકાણકારો અને કંપનીઓના સ્થાપકોની ચિંતા વધી ગઈ છે.
સિલિકોન વેલી બેંક અમેરિકાની 16મી સૌથી મોટી બેંક છે. 2008ની નાણાકીય કટોકટી પછી આટલી મોટી બેંક બંધ થઇ હોવાની પ્રથમ ઘટના છે અને સિલિકોન વેલીની ટેક ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. બેંક પાસે $209 બિલિયનની સંપત્તિ અને $175.4 બિલિયનની થાપણો હતી. આ બેંક નવા યુગની ટેક કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડતી હતી.
છેલ્લા 18 મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને કારણે ટેક કંપનીઓમાં રોકાણકારોનો રસ ઘટ્યો છે. તેમજ રોકાણકારો માટે જોખમ ઉભું થયું છે. સિલિકોન વેલી બેંકની પેરેન્ટ કંપની SVB ફાયનાન્સિયલ ગ્રુપના શેર્સ ટ્રેડિંગ બંધ થતાં પહેલા લગભગ 70 ટકા ગબડ્યા હતા.