દક્ષિણી રાજ્યોમાં અભિનેતાની પૂજા થતી હોય છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ ટેકનોસિટી બેંગલુરુમાં ટેસ્લાના CEO અને અમેરિકાના અબજપતિ એલન મસ્કની પૂજા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્વીટર પર વીડિયો પણ જોવા મળે છે. સેવ ઈન્ડિયન ફેમિલી ફેડરેશન (SIFF)નામની સંસ્થા દ્વારા ફ્રીડમ પાર્કમાં મસ્ક માટે પૂજાનું આયોજન કરાયું છે. SIFF એક NGO છે જે પુરુષોના અધિકારો માટે કામ કરે છે. આ લોકોએ મસ્કને ટ્વિટરના માલિક બનવાને લઈને તેમની પ્રશંસા કરી. SIFF દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરાયો છે જેમાં કેટલાંક લોકો એલન મસ્કની તસવીરની સામે ઊભા છે. અન્ય એક વીડિયોમાં એક વ્યક્તિ મસ્કના ફોટોની સામે અગરબત્તી કરી રહ્યો છે.
SIFF members are worshipping guru @elonmusk in Bengaluru, India for purchasing Twitter and allowing men to express their views against the oppression of authorities.@realsiff pic.twitter.com/hXQcflJsKd
— Sriman NarSingh 🌪 (@SigmaINMatrix) February 26, 2023
આ રીતે વીડિયો ફુટેજ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે- કેટલાંક લોકોએ ભારતના બેંગલુરુમાં એલન મસ્કની પૂજા કરવાનું શરુ કર્યું છે. ટ્વીટર તેમણે ખરીદ્યું છે અને સત્તાધારીઓની જોહુકમી સામે પુરુષોને અવાજઉઠાવવાનો મોકો મળે છે.
થોડાં દિવસથી SIFFના મેમ્બર્સ વૈવાહિક બળાત્કાર પર સુપ્રીમ કોર્ટમાં જાહેર જનહિતની અરજીઓ વિરૂદ્ધ બેંગલુરુના ફ્રિડમ પાર્કમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ લોકોનું કહેવું છે કે બળાત્કાર, ઘરેલૂ હિંસા અને દહેજ પર કાયદા પહેલાંથી જ પુરુષોના વિરુદ્ધમાં અને પક્ષપાતપૂર્ણ છે, જેના કારણે અનેક ખોટા કેસ થયા છે.
જેમને આશંકા વ્યક્ત કરી કે નવા કાયદાનો ઉપયોગ વાસ્તવિક પીડિતોને ન્યાય અપાવવાને બદલે દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. એવામાં પુરુષોના અધિકારોનું પણ ધ્યાન રાખવું જોઈએ. SIFFનું કહેવું છે કે તેઓ લગ્ન કે સંબંધમાં યૌન હિંસા વિરૂદ્ધ કાયદાના પક્ષમાં છે, પરંતુ ભારતમાં એવા કાયદાનો દુરુપયોગ વધુ હોય છે અને પુરુષો માટે મુશ્કેલી ઊભી થઈ જાય છે.
પોતાની આ હૈયાવરાળ તેઓ ટ્વીટર પર ઠાલવી શકે છે, આથી તેમને મસ્ક ગમવા લાગ્યા છે, પણ માત્ર ટ્વીટર પર ઠાલવવાથી તેમની સમસ્યા ઉકેલાઈ જશે કે કેમ તે ખબર નથી, પણ હા, દરેકને પોતાની વાત કહેવાનો હક સંવિધાને આપ્યો છે અને તેનો ઉપયોગ દરેક નાગરિકને કરવાનો હક છે.