આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ જ સોશિયલ મીડિયા પર આપણે અનેક એવી વસ્તુ, ફોટો કે વીડિયો જોતા હોઈએ છીએ જેના વિશે જાણીને આપણને કંઈ નવું શીખવા, જાણવા મળતું હોય છે.
આજે અમે અહીં તમારા માટે ભારતના જ એક એવા શહેરના કેટલાક ફોટોઝ લઈને આવ્યા છીએ કે જે જોઈને પહેલી નજરે તો તમારા ચહેરા પર ખુશીની લહેર છવાઈ જશે અને તમે કહી ઉઠશો કે હોય નહીં, આ દ્રશ્ય ભારતના હોઈ જ ના શકે ભાઈસા’બ… પણ બોસ ભલે તમારું મન આ વાત માનવા તૈયાર ના હોય, પણ હકીકત એ જ છે કે આ દ્રશ્યો ભારતના જ છે અને એ પણ ટેક્નોસિટી, આઈટી હબ તરીકે ઓળખાતા બેંગ્લોરના…
માર્ચ મહિનામાં બેંગ્લોરના રસ્તાઓએ ગુલાબી રંગની ચાદર ઓઢી લીધી છે એવો આભાસ થાય છે આ ફોટો જોઈને… બેંગ્લોરના રસ્તા બંને બાજુએ ગુલાબી રંગના ફૂલો ખીલી ઉઠ્યા છે અને એ જોઈને કોઈ પણ વ્યક્તિ આ શહેરના પ્રેમમાં ના પડે તો જ નવાઈ… સોશિયલ મીડિયા પર આ પિંક કલરના રંગે રંગાયેલા બેંગ્લોરના રસ્તાઓના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
આ ઝાડનું શાસ્ત્રીય નામ ટેબ્યુબિયા રોઝિયા છે, જેને હિંદીમાં બસંત રાનીના નામથી પણ ઓળખવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં આ ઝાડને પિંક ટ્રમ્પેટ, પિંક પાઉલ જેવા નામે ઓળખવામાં આવે છે. આ ફૂલના વૃક્ષ મુખ્યત્વે ઉષ્ણકટિબંધવાળા પ્રદેશમાં જોવા મળે છે અને આ ઝાડનું ઉદ્મસ્થાન મેક્સિકોનું દક્ષિણ વિસ્તાર છે, એવું કહેવાય છે. બેંગ્લોરવાસીઓ પોતાના શહેરને પિંક સિટી બનતું જોઈએ હરખાઈ ઉઠ્યા છે…