બાંગ્લાદેશના પીએમ ભારતના પ્રવાસેઃ PM મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું ભવ્ય સ્વાગત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતાં. શેખ હસીના આઠમી સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે.
મળતી માહિતી અનુસાર બંને દેશોના વડા પ્રધાનની અધ્યક્ષતામાં હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મોદીએ જણાવ્યું હતું કે, ભારતના વિકાસમાં બાંગ્લાદેશનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આતંકવાદ અને કટ્ટરવાદ સામે એકજૂટ થઈને લડવા અંગે પણ ભાર આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાજીની યાત્રા આપણા આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન થઈ રહી છે અને મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃતકાળમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઉંચાઈઓ સર કરશે. બંને દેશોના સંબંધો સમયની સાથે ગાઢ થયા છે. વેપાર ક્ષેત્રે પણ બાંગ્લાદેશ તરફથી સહાયતા મળતી રહે છે.
મોદીએ બાંગ્લાદેશ સાથેના સમજૂતી કરાર વિશે જણાવ્યું હતું કે, આઈટી, અંતરિક્ષ અને ન્યુક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં સહયોગ વધારવાનું નિશ્ચિત કર્યું છે જે આપણી યુવા પેઢી માટે ફાયદાકારક સાબિત થશે. આજે અમે કુશિયારા નદીના વોટર પાર્ટિશન અંગે પણ મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને કારણે ભારતના આસામ અને બાંગ્લાદેશના સિલહટને લાભ થશે.
શેખ હસીનાએ પણ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાનો વિકાસ અને લોકોની જીવનાવશ્યક જરૂરતોને પૂરી કરવાનો છે. મિત્રતા હોય તો કોઈપણ સમસ્યાનું સમાધાન નીકળી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.