બેંગલૂરુ બન્યું વેનિસ: ભારતમાં ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે?

રોજ બરોજ

રોજ બરોજ – અભિમન્યુ મોદી

ભારતમાં ટીકટોકના અધ:પતન બાદ ઇન્સ્ટાગ્રામે રીલ્સનું ફીચર એડ કર્યું અને વાઇરલ વીડિયોનું પૂર આવ્યું. દૈનિક સ્માર્ટફોનમાં ઢગલાબંધ વાઇરલ વીડિયો નજર સામે તરી આવે છે. કોઈ વીડિયોમાં વિષાદ હોય છે તો કોઈ વીડિયોમાં નર્યું હાસ્ય. એવો જ એક વીડિયો ઘણાં સમયથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બેંગલૂરુના એપ્સિલોન વિસ્તારમાં વિપ્રોના ચૅરમૅન રિશદ પ્રેમજી, બ્રિટાનિયાના સીઈઓ વરુણ બેરી, બિગ બાસ્કેટના કો-ફાઉન્ડર અભિનય ચૌધરી અને બાયજુસના કો-ફાઉન્ડર બાયજુ રવિચંદ્રનના ઘરની બહાર કરોડોની કાર પાણીમાં ગરકાવ થઈ છે. ચારેકોર પાણી જ પાણી છે.
એપ્સિલોનમાં એક એકર પ્લોટની કિંમત લગભગ ૮૦ કરોડ રૂપિયા છે. આટલી મોંઘી સોસાયટીના નિર્માણમાં પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોય? નહીં જ હોય ને. એટલે જ આવા વૈભવી વિલાની બહાર કરોડોની કિંમતની લક્ઝરી કાર પણ જળમગ્ન થઈ ગઈ છે. બેંગલુરુનો અન્ય એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેક્ટર અને જેસીબીમાં બેગ ખભા પર ચડાવીને યુવક-યુવતીઓ બેઠા છે અને નદી બનેલા રસ્તાઓ પર પરથી પસાર થઈ રહ્યા છે. આ રાજમાર્ગોને ભારતના શ્રેષ્ઠ માર્ગોનું બિરુદ મળ્યું છે. તેનું નિર્માણ પણ દેશના એવા સ્થળે થયું છે જેને કારણે આખો દેશ પોતાના સોશિયલ સ્ટેટસને અપડેટ કરી શકે છે. છતાં તેમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી.
અત્યારે મેઘરાજા કર્ણાટકની રાજધાની પર કાળ બનીને ત્રાટકી રહ્યા છે અને લોકો પોતાના ઘરમાં કેદ છે. વીજળી ઠપ્પ છે, રાજમાર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. ભૂસ્તરશાસ્ત્રના નિયમો પણ વરસાદની સામે અવળા પડી રહ્યા છે, વાહનો તણાઈ ગયાં છે એટલે પ્રજાજનો હવે ચોવીસ કલાક જળમગ્ન રહેતા વેનિસ શહેરની જેમ વાંસની બોટ પર સવાર થઈને ઘરની બહાર નીકળી રહ્યા છે. બેંગલુરુવાસીઓ શિક્ષિત અને સમજદાર, ત્યાં લોકો પહેલેથી જ ખોરાકનો જથ્થો એકઠો કરી રાખે એટલે હજુ સુધી ખોરાકની તંગી ઉત્પતન્ન નથી થઈ પણ ગમે ત્યારે ખોરાક ખૂટી જશે ત્યારે જનતાની મગજની નસ ફૂટી જશે અને પછી જે બનશે તેની કલ્પના માત્રથી હૈયું હચમચી ઉઠે છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે સમગ્ર બેંગલુરુ બેટમાં પરિવર્તિત થઈ ગયું.
આ હાલાકીની વ્યથા-કથા તો ઇન્સ્ટાગ્રામના વાઇરલ વીડિયોએ દર્શાવી. પણ ખુદ ઇન્સ્ટાગ્રામનું અસ્તિત્વ પણ હવે જોખમમાં મુકાય ગયું છે. બેંગલુરુ ભારતનાં સૌથી સમૃદ્ધ શહેરોમાંનું એક છે. આ શહેર નથી આ તો ઈન્ફર્મેશન ટૅકનોલૉજીનું પાવર હાઉસ છે. ગુગલ અને ઇન્સ્ટાગ્રામથી લઈને વિશ્ર્વની ટોચની આઈટી કંપનીઓ પોતાના મથક બેંગલુરુમાં ખોલીને બેઠી છે. આ એપ્લિકેશનમાં લોકો જે ફોટોગ્રાફ્સ, વીડિયો કે મેસેજ શેર કરે છે તેને ડેટા સ્વરૂપે કંપની પોતાના સર્વરમાં સ્ટોર કરે છે. હાલ ફેસબુક યુરોપના ડેન્માર્ક, સ્વિડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં ડેટાનો સંગ્રહ કરે છે. પણ તેનું મૅનેજમેન્ટ કરવાની કામગીરી બેંગલુરુમાં થાય છે.
આવી જાયન્ટ કંપનીઓમાં દેશના હજારો કર્મચારીઓ કામ કરે છે. અચાનક બેંગલુરુમાં મેઘકહેર થતા કર્મચારીઓએ કોઈપણ ભોગે પોતાની ઓફિસે પહોંચવું પડે તેમ હતું. વરસાદ બેંગલુરુમાં છે.. વિશ્ર્વમાં નહીં.. જો કર્મચારીઓ કામ શરૂ ન કરે તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના સર્વર નોંધારા બની જાય એટલે બાપડા કર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીના સહારે કાર્ય સ્થળે પહોંચી રહ્યા હતા. આ તો કર્ણાટકના સમૃદ્ધ શહેરની વિષમ પરિસ્થિતિની આછેરી ઝલક હતી.
આ વરસાદે કર્ણાટકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રારંભિક જળપ્રલય જેવો ઘેરાવો કરી લીધો છે. સંખ્યાબંધ ગામો એવા છે જે તળાવમાં તરતા હોય એવું લાગે છે. આખા ગામ જ જ્યાં વરસાદી પાણીમાં ડૂબકા લેતા હોય ત્યાં ગ્રામ્ય પ્રજાની શું હાલત હોય? અનેક નદીઓ લુપ્ત થતા અને બાંધકામ તથા ખેતી માટે પૃથ્વીને સમથળ કરવા જતાં વર્ષાજળના માર્ગો લુપ્ત થઈ ગયા છે. ઉપરાંત જે નદીઓ કે તેમાં સતત ઉપદ્રવી સામગ્રી ઠલવાતા એના તળ ઉપર આવી ગયા છે. સમગ્ર કર્ણાટકમાં આ વખતના વરસાદે લાખો હેક્ટરની ફળદ્રુપ જમીનનું ધોવાણ કર્યું છે. રાજ્ય સરકાર પાસે રાજ્યની બધી માહિતી છે પરંતુ તે પોતાના ઘટતા જતા પરફોર્મન્સ સામેના સંભવિત ઉહાપોહથી આગોતરી જ ડરીને એ માહિતી છુપાવે છે. કર્ણાટકની ગ્રામ્ય પ્રજાએ વરસતા વરસાદમાં ક્યાંક ગોઠણ સમા તો ક્યાંક કેડસમા પાણીમાં રાત્રિઓ પસાર કરવાનો અનુભવ લઈ રહી છે.
કર્ણાટકમાં પ્રવર્તમાન સંસ્કૃતિ પર નગર સંસ્કૃતિ એટલી સવાર થઈ ગયેલી છે અને રાજ્ય સરકારના અગ્રતાક્રમોમાં પણ શહેરો જ છે એવું વર્ષોથી દેખાય છે ત્યારે દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં વસતી ગ્રામ્ય પ્રજાનો અવાજ સરકાર અને એના વહીવટીતંત્રને સરખો સંભળાતો નથી. કોઈ અર્ધબધિર વ્યક્તિ સાથે વાત કરી જુઓ તો ખ્યાલ આવશે કે સામેની વ્યક્તિ વાત ન તો પૂરી સાંભળે, ન તો પૂરી સમજે ત્યારે સ્થિતિ શું થાય. આજે અધિક વરસાદમાં છુટકછુટક ગામડાઓમાં વેરવિખેર ગ્રામ્યપ્રજાની વાત સરકારને કાને પહોંચતી નથી અને એટલે એ પ્રજા વ્યાકુળ છે. આમ તો દરેક બાબતોને રાજકીય સંદર્ભો સાથે સાંકળવાની જરૂર હોતી નથી, પરંતુ આદિકાળથી જે પ્રજાજનો સંપૂર્ણત: સરકારના સહારે હોય એ સરકારમાં આવી અર્ધબધિરતા દાખવે તેનો ચિતાર આવી કુદરતી આપદાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
કર્ણાટકમાં ભાજપના દિગ્ગ્જ નેતા મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈની સરકાર છે. મેઘરાજાની તોફાની બેટિંગે જાણે તેમની આંખો ઉઘાડી દીધી હોય તેમ અચાનક હવે બેંગલુરુના આઈ ટી પાર્કમાં ૯૫ જેટલી ઈમારતોનું સત્વરે ડિમોલિશન કરવાનો તેમણે આદેશ આપ્યો છે. બેંગલુરુમાં ૧૯૯૦ના દાયકાના અંતમાં મહાદેવપુરામાં આઇટી પાર્ક બનવાના શરૂ થયા પણ ત્યાં સુધી પહોંચવામાં ઘણી તકલીફો હતી. તેથી કંપનીઓએ યોગ્ય કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સરકાર પાસે કરી. સરકારે આઇટી પાર્કસને શહેરના અન્ય વિસ્તારો સાથે જોડવા આઉટર રિંગ રોડ બનાવ્યો. તેના કારણે કે. આર. પુરમ, હોસકોટે, મહાદેવપુરા, વ્હાઇટફીલ્ડ, કડુગોડી, બેલંદૂર અને હોસુર સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં મોટો ઉછાળો આવ્યો. પરિણામ એ આવ્યું કે ૨૦૦૪ બાદ બેંગલુરુથી મોટેભાગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ધારાસભ્યપદે ચૂંટાયા.
આ રીતે ગેરકાયદે બાંધકામોનો માર્ગ ખુલી ગયો. ધીમે-ધીમે વરસાદી પાણીના નિકાલ માટેના રસ્તા પર પણ બાંધકામ થઇ ગયા. મેટ્રો ટ્રેનનું પણ કામ ચાલુ હોવાથી ટ્રાફિક અને જળપ્રવાહ બંનેને અસર થઇ. સત્તાધિશોએ ૧૬-૧૬ ફૂટ ઊંડા પાઇપને કાઢીને ત્યાં ઇમારતો ચણી દીધી હવે એ જ ઇમારતોએ પૂરની સ્થિતિનું સર્જન કર્યું છે. શહેરના વિવિધ તળાવો છલકાતાં તેમના પાણી રિંગ રોડ પર ફરી વળ્યા. વર્ષો પહેલા કરેલી ભૂલનું પરિણામ આજે લોકો ભોગવી રહ્યા છે. આ મુદ્દે સીએમ બોમ્માઈ એવું કહીને છૂટી ગયા કે, ૧૯૯૦માં ક્યાં ભાજપની સરકાર હતી? જો એ વખતે ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ હોત તો આજે સ્થિત કંઈક અલગ હોત.. ખરેખર.. આજના હાર્ડકોર નેતાઓ વિપક્ષ પર પ્રહાર કરવાનો એક મોકો પણ ચુકતા નથી.
સીએમ બોમ્માઈ ભલે કૉંગ્રેસને દુહાઈ આપતા હોય પણ સરકારના આતંરિક ગજગ્રાહના કારણે છેલ્લા બે વર્ષથી બેંગલુરુમાં કૉર્પોરેશનની ચૂંટણી જ નથી થઈ…જે શહેરમાં નાનકડી બેટરીથી માંડીને ફાઈવ જી સુધીની ટૅક્નોલૉજીનો સૂક્ષ્મ અભ્યાસ થાય છે. ત્યાં વહીવટી તંત્રના નામે મીંડું છે. શહેરના પ્રથમ નાગરિક કહેવાતા મેયરનું પદ જ ખાલી છે. ૭ વર્ષ પૂર્વે બૃહદ બેંગલુરું કૉર્પોરેશનની ચૂંટણી થઈ હતી. એ વખતે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી પણ જેડીએસના ૧૦ કૉર્પોરેટરને પોતાનામાં જોડીને કૉંગ્રેસના બી.એન.મંજુનાથરેડ્ડી મેયર બન્યા હતા. તેઓ માંડ માંડ કૉર્પોરેશનનું શાસન ચલાવતા હતા ત્યાં કૉંગ્રેસના ૩ કોર્પોરેટરો તેમના અણધડ નિર્ણયોથી વિફર્યા અને ભાજપમાં જોડાય ગયા એમાં જ કૉપોરેશનને સુપર સીડ કરવામાં આવ્યું અને બધા નિર્ણયો સીએમ બોમ્માઈના મિત્ર રાકેશ સિંહના હાથમાં આવી ગયા.
શહેરના વિકાસ કર્યો માટે રાજ્ય સરકાર કરોડોની રકમ ફાળવી દે છે પણ તેનો વહીવટ સરકારના એડમિનિસ્ટ્રેટર ઓફિસર રાકેશ સિંહ કરે છે. તે તો સરકારના પાળેલા પોપટ છે. બિસ્માર માર્ગોનું સમારકામ કરવાનું હોય તો પણ તેઓ સરકારની પરવાનગી લેવાનું ચુકતા નથી એ તો આ મેઘાવી માહોલમાં ઘરની બહાર જ નીકળ્યા નથી. જો કે હવે સીએમ બોમ્માઈની સૂચનાથી ડિમોલિશનની કાર્યવાહીમાં તેઓ સહભાગી થવા જશે એવી ખાતરી તેમણે મીડિયાને આપી છે. પણ જો સ્થિતિ આવીને આવી રહી તો દેશને આઈટી ક્ષેત્રે સમૃદ્ધ બનાવતું શહેર પાયમાલ થઈ જશે અને જનજીવન પણ હિજરત તરફ અગ્રેસર થશે તેમાં બેમત નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.