ડમક ડમક ડમ ડમરુ બાજે, સર્જન-વિસર્જન ક્રિયા કાજે!

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

શિવજીનું એક સ્વરૂપ એટલે ડમરુધારી મહાદેવ. આ ડમરુ એ કાંઇ જેવું તેવું વાજિંત્ર નથી. એનો આકાર ધ્યાનથી જોશો તો માલૂમ પડશે કે એક બાજુથી પહોળું અંગ પોતાના વિસ્તારથી સંકોચાઇને મધ્યબિંંદુ આવતા પૂરું સંકોચાઇ જાય છે. વળી પાછુ તે વિસ્તરવા લાગે છે. આ આકાર દશાર્વે છે કે પૂરી સૃષ્ટિ વિસ્તરે છે, સંકોચાય છે, નાશ પામે છે અને વળી પાછી વિસ્તરવા લાગે છે. આપણા હૃદયના ધબકારા હોય કે અવાજનાં મોજાં હોય બધા આ રીતે જ તાલમાં રહે છે અને આગળ વધે છે. હૃદયના ધબકારા સીધા થઇ જાય એને જિંદગી નહીં મોત કહેવાય.
ડમરુ નો નાદ પણ જેવો તેવો નથી તેને અવાજના મોજાં પ્રસરાવતો બ્રહ્મનાદ કહેવાય છે. ધ્વનિ ક્યારેય નાશ પામતો નથી. દરેક કંકરમાં શંકર છે કે કણ કણમાં ભગવાન છે તેમ કહીએ છીએ તે આજના વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. પદાર્થના નાના કણ તોડી આજના વિજ્ઞાને અણુ મેળવ્યા, અણુની અંદરથી પરમાણું નીકળ્યા, પરમાણુની અંદરથી પ્રોટોન,ન્યૂટ્રોન અને સતત નર્તન કરતા ઇલેક્ટ્રોન નીકળ્યા. તેનુંય વિશ્ર્લેષણ કરતા વિજ્ઞાનીઓને અનુભૂતિ થઇ કે કણની અંદર ઊર્જા જ ઊર્જા ભરી પડી છે. આ જ ઊર્જા થકી પદાર્થનું પિંડ બંધાય છે. જેમ ઢોલીના ઢોલ ઢબૂકે ને આપણે નાચી ઊઠીએ એમ શિવજીના ડમરુમાંથી નીકળતો કોસ્મિક સાઉન્ડ (બ્રહ્મનાદ) સાંભળીને નાનામાં નાના કણ નર્તન કરી ઊઠે છે અને દ્રવ્યનું સર્જન થાય છે. ડમરુ ના નાદના અલગ અલગ પર્મ્યુટેશન્સ અને કોમ્બિનેશન્શથી અલગ અલગ દ્રવ્યોની રચના થાય. તેમાંથી પંચમહાભૂત બને અને સૃષ્ટિ ખીલી ઊઠે. આ જ રીતે ઊંધુ પણ શક્ય બને વળી પાછી સૃષ્ટિનો નાશ થાય. માનવ સૃષ્ટિ સહિત પૂરા પંચ મહાભૂતના સ્પર્શ, રસ, રૂપ અને ગંધ નાશ પામે પણ ધ્વનિ તો પાછો અમર. એ તો બ્રહ્મનાદ. એ તો જીવિત રહે અને એ જ નાદ એ જ ડમરુના સાદથી વળી સૃષ્ટિ નવસર્જન પામે. આપણા અવકાશમાં ફરતી નિહારિકાનો આકાર જ્યારે વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવ્યો ત્યારે તે ડમરુ જેવો જ દેખાયો. કમાલ છે શિવનો ડમરૂ અને તેમનું સર્જન વિસર્જન સમયનું તાંડવ તો હવે આજના વિજ્ઞાનને પૂરા બ્રહ્માંડમાં દેખાય છે. તેઓ પણ માને છે કે સૃષ્ટિનું સર્જન અને સંહાર એ તો બ્રહ્માંડમાં થતા ખગોળીય કણોના નર્તનને જ આભારી છે. આથી જ તો અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ એ તો પોતાની ઓફિસના પ્રાંગણમાં ડમરુધારી નટરાજની મૂર્તિ રાખી છે જે તેમને કોસ્મિક ડાન્સની યાદ અપાવે છે.
સૃષ્ટિના દરેક પદાર્થનો પોતાનો અવાજ છે. તમે શાંત જગ્યાએ આંખો બંધ કરીને ધ્યાન ધરીને બેસો તો સૃષ્ટિનો ઝીણો સાદ તમારા કાનમાં અચૂક ઝિલાય છે. ઘણા લોકોને આ અનુભવ થયો છે. તમને પણ થઇ શકે છે. પૃથ્વી પરના દરેક પદાર્થમાંથી નીકળતા અવાજોની સરેરાશ કાઢીએ તો એ શંકરજીના ડમરુ માંથી નીકળતા અવાજની તરંગલંબાઇને મળતો આવે છે. ખરેખર ડમરુ તાલમાં વાગે તેના થકી જ સર્જન-વિસર્જનની પ્રક્રિયાઓ થતી રહે છે. ડમરુ નો વિસ્તરણ પામેલો પછી સંકોચાતો જતો અને પછી પાછો વિસ્તાર પામતો આકાર એ પણ દર્શાવે છે કે જન્મ છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે. લય છે તેનો પ્રલય નિશ્ર્ચિત છે. સર્જન છે તેનો સંહાર નિશ્ર્ચિત છે અને છતાંય ચોપાટીની રેતીના કણથી પણ ઓછું એવું આપણું બ્રહ્માંડમાં વિહરી રહેલું નાનું-અમથું શરીર કેવા કેવા અંહકારથી ફુલાતું રહે છે નહીં?
ચાલો આ શ્રાવણ મહિનામાં શિવજીનો સાદ સાંભળીએ, ડમરૂનો નાદ સાંભળીએ. જીવને ભૂલીએ, શિવને યાદ કરીએ. જે નશ્ર્વરરૂપ છે તેને ભૂલીએ અને ઇશ્ર્વરરૂપને યાદ કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.