આજે આપણામાંથી ઘણા લોકો કોઈ પણ વસ્તુ કે સવાલનો જવાબ મેળવવો હોય તો સીધા ગૂગલબાબાના શરણે પહોંચી જઈએ છીએ અને ગૂગલબાબા પણ પોતાની યથાશક્તિ આપણા સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરશે. ગૂગલબાબા ઘણી વખત આપણને સાચો રસ્તો દેખાડે છે તો ઘણી વખત આપણને અવળે રસ્તે પણ ચઢાવી દે છે.
આજે આપણે વાત કરીશું કે કઈ રીતે તમારી સમસ્યાનું સમાધાન આપનાર આ ગૂગલ જ ક્યારેક તમારી મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. જો તમને પણ ગુગલ સર્ચ પર આંધળો વિશ્વાસ હોય તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે તમારી આ આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને તમારૂં બેંક એકાઉન્ટ એક જ સેકન્ડમાં ખાલી થઈ જશે.
હવે તમને થશે કે કઈ રીતે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. તમને પણ કોઈ પણ કસ્ટમર કેર, કોઈ દુકાન કે ઓફિસનો કોન્ટેક્ટ નંબર ગુગલ કરવાની આદત છે તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે સ્કેમર કોન્ટેક્ટ નંબર બદલીને તમને છેતરી શકે છે. આવું કરવા માટે તેઓ પહેલા ગુગલ મેપ પર જાય છે અને ત્યાર બાદ તેઓ ત્યાં જઈને દુકાન કે કસ્ટમર કેરનો નંબર બદલી નાખે છે અને તમે જ્યારે ગુગલ પર જઈને નંબર સર્ચ કરો છો ત્યારે આ બદલાયેલો નંબર જ તમારી સામે આવે છે.
હવે તમે આ બદલાયેલા નંબરને સાચો નંબર માનીને તમે એ નંબર પર કોલ કરો છો અને છેતરાઈ જાવ છો. સ્કેમર તમારા કોલની મદદથી તમારા ફોનમાં રહેલી બેન્ક ડિટેઈલ્સ સુધી પહોંચી જાય છે અને એક જ સેકન્ડમાં તમારું બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે. આવા સ્કેમરથી બચવા માટે હમેશાં જ કોઈ પણ ઓફિસ કે કસ્ટમર કેરનો નંબર તેમની ઓફિશિયલ વેબ સાઈટ પરથી જ લેવો જોઈએ અને ગૂગલ પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું જોઈએ.