માથા, મોઢાને વરજે! મોઢું માથું ભંગાવશે

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આપણને ૧૯૪૭માં આઝાદી મળી. ૨૦૨૨માં આપણે આઝાદીનો સુવર્ણ મહોત્સવ મનાવી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે પરતંત્રતાને કારણે આપણું માથું ઝૂકેલું રહેતું હતું. આજે આપણે ગર્વથી માથું ઊંચું રાખીને ફરીએ છીએ. માથું શરીરનું મહત્ત્વનું અંગ તો ખરું જ, પણ ભાષામાં પણ એ વણાઈ ગયું છે. મસ્તિષ્ક, શિર, શીર્ષ વગેરે માથાના પર્યાયવાચી શબ્દો છે. બે માથાનું એટલે બળવાન કે તાકાતવર, ગાંઠે અથવા ગણકારે નહીં એવું. સાહસિક, નીડર, મગરૂર માણસ માટે બે માથાં પ્રયોગ જાણીતો છે. એના પરથી બે માથાં હોવાં રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ગાંઠે નહીં આવી વ્યક્તિ થાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણા દેશમાં બે માથાં ધરાવતા અનેક લોકો હતા. માથું ખોળે હોવું એટલે જીવતર સોંપી દેવું. મારું માથું દેશને ખોળે છે એવું કહેનારા સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અનેક હતા, આજે તો શોધ્યા જડે નહીં. અસલના વખતનો એક રૂઢિપ્રયોગ જાણવા જેવો છે. માથું ગૂંથવું એટલે માથાના વાળમાં તેલ નાખી દાંતિયા કે કાંસકીથી ઓળાવી વાળને અમુક પ્રકારે ગૂંથવા. લગ્ન પ્રસંગે વરપક્ષ ક્ધયાને પોતાના નિવાસસ્થાને એટલે કે જાનીવાસે માથું ગૂંથવા લઈ જાય એવી પ્રથા હતી. આ પ્રથામાં ક્ધયાની શારીરિક તથા માનસિક પરિસ્થિતિ જાણવાનો હેતુ રહેતો. માથા કરતા પાઘડી મોટી એટલે શક્તિ કરતા વધારે, ગજા ઉપરાંત વધારે જવાબદારી લેવી. લગ્નમાં અનેક પરિવારની હાલત માથા કરતા પાઘડી મોટી જેવી થઈ જતી હોય છે. શરીર અને મનની અવસ્થા દર્શાવતી કહેવત છે માથું મૂંડયું છે, મન નથી મૂંડયું.
મતલબ કે શરીર પર સન્યાસીનો વેશ ધારણ કરી લીધો છે પણ મનમાં, અંતરમાં હજી વૈરાગ્ય નથી આવ્યો. મન સંસારમાં ભટક્યા કરે છે. મગજમાં જે વિચાર આવે એ બધા બોલી નાખવાના ન હોય, કારણ કે ક્યારે કઈ વાત મુસીબતને નોતરું આપી દે એનું અનુમાન ન બાંધી શકાય. એ વિશે કહેવત છે કે માથા, મોઢાને વરજે! મોઢું માથું ભંગાવશે. જીભ પર જો કાબૂ ન રાખવામાં આવે તો ક્યારેક એવી વાણી સરી પડે જે આફતનું પોટલું બની જાય. મોઢું સંભાળીને બોલવું ને માથું સંભાળીને ચાલવું એ શિખામણ જાણીતી છે. મા દીકરી માથું હોળતાં હતાં, સસરો જમાઈ આવ્યા. એક ઊઠી એના બાપને ભેટી અને બીજી ઊઠી બીજીના બાપને ભેટી તો એ કોણ? એ મજેદાર કોયડો છે. અહીં મા એ સસરાની દીકરી છે
અને દીકરી છે એ સસરાની પૌત્રી છે. કેટલાક લોકોને દરેક વાતમાં ખોડ કાઢવાની આદત હોય છે. માથાના વાળ પગે લૂછીએ, તો કહે મને ખૂંચે છે એમાં આ વાત પ્રગટ થાય છે. હક કરતા પણ વધુ સન્માન આપવા છતાં વાંક કાઢવામાં આવે કે તમે મારો ટાંટિયો ખેંચો છો.
———
IDIOMS’ STORY

ગ્રેટ બ્રિટન અણધાર્યા હવામાન માટે પ્રખ્યાત છે. આકરો તડકો પડતો હોય ને અચાનક વરસાદ પડે અને પછી વાતાવરણમાં ઠંડક થઈ જાય. અંગ્રેજી ભાષામાં અણધાર્યા વરસાદનું વર્ણન કરતા મજેદાર શબ્દપ્રયોગો છે જેને આપણે જાણીએ. સૌથી જાણીતો રૂઢિપ્રયોગ છે It’s raining cats and dogs.. અનરાધાર વરસાદ માટે વપરાતા આ પ્રયોગના ઉદ્ભવની કથા જાણવા જેવી છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલા ઈંગ્લેન્ડના છાપરાવાળા ઘરની છત પર શ્ર્વાન અને બિલાડી સૂઈ જતા. વરસાદ પડે ત્યારે એ સરકીને નીચે આવતા. એટલે બ્રિટનમાં અનરાધાર વરસાદ પડે ત્યારે આ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. આ સિવાય બીજી એક કથા એવી પણ છે કે ગ્રીક ભાષામાંCata Doxa પ્રયોગ છે જેનો અર્થ ધારણા કે અનુભવ વિરુદ્ધ એવો થાય છે. સમયાંતરે એનુંCat Dog થઈ ગયું હોવું જોઈએ. અલબત્ત અર્થ એ જ જળવાયો છે. આમ તો Spitting એટલે થૂંકવું એવો અર્થ છે. બ્રિટનમાં વરસાદ પડવાની શરૂઆત થાય એ માટે Rain is Spitting એમ કહેવાય છે. ભારે વરસાદ માટે બીજો પ્રયોગ છેBucketing Down
બકેટ એટલે બાલદી. તમે ઊભા હો અને તમારા માથા પર બાલદી ભરીને પાણી રેડવામાં આવે તો કેવું લાગે? અચાનક વરસાદ તૂટી પડ્યો હોય એવું ને? Nice weather for… ducks રૂઢિપ્રયોગમાં કટાક્ષ છે. રમૂજવૃત્તિમાં માહેર ગણાતી બ્રિટિશ પ્રજા વરસાદમાં પણ ખીલે છે. એવો વરસાદ પડ્યો છે જેનો આનંદ માત્ર બતક જ લઇ શકે. મતલબ કે લોકો તો હેરાન થઈ ગયા છે. April shower ટેક્નિકલ પ્રયોગ છે. એપ્રિલ મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવી જવાથી સૂસવાટા પવન સાથે ભારે વરસાદ પડે એ માટે આ પ્રયોગ વપરાય છે. વિચિત્ર લાગે એવો પ્રયોગ છે.It’s raining sideways.આવો વરસાદ બ્રિટનમાં જ જોવા મળે. ખૂબ જોરથી પવન ફૂંકાતો હોય જેને કારણે વરસાદ ઉપરથી નીચે પડતો હોવા છતાં જાણે આડો પડતો હોય એવું લાગે. તમારે ચાલીને જવાનું હોય ત્યારે આવો વરસાદ કેવો આકરો લાગે એ સમજાવવાની જરૂર ખરી?
————-
म्हणी मध्ये फूल
કળીમાંથી ખીલ્યા પછી ફૂલની સુંદરતા વધી જાય છે. બાગ – બગીચાની શોભા બને છે, મંદિરમાં પ્રભુને ચડે છે, સ્ત્રીના અંબોડામાં સોહે છે તો ફૂલદાનીમાં ઘરની રોનક બને છે. ફૂલની મહેક તરબતર કરે છે અને મન પ્રસન્ન બની જાય છે. આ ફૂલ ભાષામાં પણ પમરાટ ફેલાવે છે. કહેવતો અને રૂઢિપ્રયોગોમાં એની હાજરી જાણવા – સમજવા જેવી છે. फूले वेचली तिथे गोवर्या કહેવત પરિસ્થિતિનું ભાન કરાવે છે. ગોવરી એટલે છાણ. એક સમયે જ્યાં ફૂલ વેચ્યા હોય ત્યાં છાણ વેચવાનો વખત આવવો. મતલબ કે જ્યાં વૈભવ ભોગવ્યો હોય ત્યાં જ માઠા દિવસો જોવાનો વારો આવ્યો. બીજી કહેવત फूल ना फुलाची पाकळी વાંચીને તમને એવો જ અર્થ ધરાવતી ગુજરાતી કહેવતનું સ્મરણ થયા વિના નહીં રહે. फूल ना फुलाची पाकळी એટલે પૂર્ણ વળતર આપવાને બદલે નજીવો બદલો આપવો. ગુજરાતી કહેવત છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, બરોબર ને. જીવનની ખૂબી દર્શાવતી કહેવત છે बावळी मुद्रा देवळी निद्रा અહીં બાવળી એટલે બાઘો અથવા ભોળો. દેખાવમાં સાવ બાઘા કે ભોળા લાગતા લોકો વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હોય છે એવો એનો ભાવાર્થ છે. નામ ભોળાભાઈ હોય પણ કામ ચતુરાઈના કરતો હોય એવી વાત છે. સમજવા જેવી બીજી માર્મિક કહેવત છે बारभाईची शेती. काय लागेल हाती। શેતી એટલે ખેતી. ખેતર એક હોય અને એમાં ભાગ પડાવનાર બાર જણ હોય ત્યારે દરેકના ભાગે ખાસ કંઈ ન આવે એ એનો
સૂચિતાર્થ છે. ધંધામાં ઝાઝા ભાગીદાર હોય તો સરવાળે નફો થવાને બદલે નુકસાન ભોગવવાનો વારો આવી શકે એ એનો ભાવાર્થ છે.
———–
हिंदी-फारसी भाई भाइ
બ્રિટિશ શાસનના પ્રભાવને કારણે તેમ જ હવે ટેક્નોલોજીના વ્યાપને કારણે અનેક અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં સ્થાયી થઈ ગયા છે અને એમાં કશું અજુગતું પણ નથી. સ્ટેશનને અગ્નિરથ વિરામ સ્થળ અને ટિકિટને મૂલ્ય પત્રિકા રમણભાઈ નીલકંઠનો ભદ્રંભદ્ર કહે એ કટાક્ષ તરીકે માણવાની મજા આવે પણ સ્ટેશને જઈ મંગાય તો ટિકિટ જ. એ જ રીતે અનેક ફારસી શબ્દો ગુજરાતી ઉપરાંત રોજબરોજ બોલાતી હિન્દીમાં પણ ઘર કરી ગયા છે.
તમે सवाल, जवाब એ બંને શબ્દોથી એકદમ પરિચિત હશો એમાં કોઈ શંકા નથી. જોકે, તમને એ ખબર નહીં હોય કે આ ફારસી શબ્દો છે. જોકે, सवाल માટે प्रश्न અનેजवाब માટેउत्तर જેવા શબ્દો અસ્તિત્વ ધરાવે છે. जालिम नजर પ્રયોગ તમે કોઈ ફિલ્મી ડાયલોગમાં સાંભળ્યો હશે કે વાર્તામાં વાંચ્યો હશે.
जालिमફારસી શબ્દ છે જેને માટે હિન્દીમાં दुष्ट / निर्दयी શબ્દો છે ખરા પણ વપરાશ ઓછો છે. તમે કોઈને પ્રેમ કર્યો હશે તો દિલ પણ દીધું હશે અને કોઈ કામમાં તમારું દિલ નહીં લાગ્યું હોય. જોકે, दिल ફારસી મૂળ ધરાવે છે એની કદાચ જાણ નહીં હોય. હિન્દીમાં हृदय શબ્દ છે પણ ગીત – કવિતામાં દિલ વધુ અને હૃદય સરખામણીમાં બહુ ઓછા જોવા મળે છે.
તમે સ્કૂલ – કૉલેજમાં दोस्ती કરી હશે અને કદાચ એ નામની ફિલ્મ પણ જોઈ હશે અને ‘શોલે’નું ગીત ્રૂये दोस्ती हम नहीं छोडेंगे અનેકવાર ગણગણ્યું હશે પણ दोस्ती ફારસી શબ્દ છે અને હિન્દીમાં એને માટે मित्रताશબ્દ છે એ કદાચ યાદ નહીં હોય. કોઈએ તમારી પર महेरबानी કરી હશે કે તમે કોઈ પર કરી હશે, પણ જાણી લો કે આ ફારસી શબ્દ છે અને હિન્દીમાં તો તમે कृपा મેળવી શકો કે કરી શકો. ફારસી શબ્દ વાપરવો કે હિન્દી એ અંગત બાબત છે પણ ફારસી શબ્દ સાંભળવામાં વધુ મીઠા લાગે છે એ હકીકત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.