નવી દિલ્હી: ગુજરાત રમખાણને લગતી બીબીસીની ડૉક્યુમેન્ટરી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ની લિંક પર પ્રતિબંધ મૂકવાનો સરકારે આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ લિંક મારફતે યુ-ટ્યૂબ પર શૅર કરવામાં આવેલા વીડિયો અને ટ્વિટર પરની પૉસ્ટને પણ બ્લૉક કરવાનો સરકારે આદેશ આપ્યો હતો.
આઈટી ઍક્ટ ૨૦૨૧ અંતર્ગત ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરતા માહિતી અને પ્રસારણ ખાતાના સચિવ અપૂર્વ ચંદ્રાએ આ આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
વિદેશ, ગૃહ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતા સહિત જુદાં જુદાં ખાતાં દ્વારા આ ડૉક્યુમેન્ટરીની ચકાસણી કરવામાં આવી હતી.
આ ડૉક્યુમેન્ટરી સત્તાધિકારીઓની નિંદા કરતી હોવાનું તેમ જ સુપ્રીમ કોર્ટની વિશ્ર્વસનિયતાને લાંછન લગાડતી હોવાનું જણાઈ આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડૉક્યુમેન્ટરીમાં દેશના વિવિધ સમુદાયમાં વિભાજનનું બીજ રોપવામાં આવ્યું હોવા ઉપરાંત ભારતમાં વિદેશી સરકારની અયોગ્ય દખલગીરીના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ડૉક્યુમેન્ટરીમાં દેશની એકતા, અખંડિતતા અને સાર્વભોમત્વને હાનિ પહોંચાડવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. આ ડૉક્યુમેન્ટરી દેશની આંતરિક સુરક્ષા તેમ જ અન્ય દેશો
સાથેના મિત્રતાપૂર્ણ સંબંધ પર વિપરીત અસર કરવાની ક્ષમતા ધરાવતી હોવાનું પણ જણાઈ આવ્યું હતું.
અગાઉ વિદેશ ખાતાએ આ ડૉક્યુમેન્ટરીને બદઈરાદા અને વસાહતી માનસિકતા ધરાવતી હોવાનું લેખાવી હતી અને સંબંધિત યુ ટ્યૂબ વીડિયોની લિંક ધરાવતા પચાસ કરતા પણ વધુ ટ્વીટ બ્લૉક કરવાનો ટ્વિટરને આદેશ આપ્યો હતો.
દરમિયાન, બે ભાગમાં તૈયાર કરવામાં આવેલી બીબીસીની આ ડૉક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયે એટલે કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં રમખાણો સંબંધિત ચોક્કસ બાબતોની તેમણે તપાસ કરી હતી. (એજન્સી)
ગુજરાત રમખાણ પરની ડૉક્યુમેન્ટરીની લિંક પર પ્રતિબંધ
RELATED ARTICLES